Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોલેરો પાછળ બૂલેટ ટકરાયું: ધ્રોલ પાસેના અકસ્માતની નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોડપર ગામ પાસે મંગળવારની સાંજે ચાલીને જતાં એક વૃદ્ધને બાઈકે ઠોકર મારી હતી. ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગયા શનિવારે રાત્રે જોગવડ પાટીયા પાસે રોડ ક્રોસ કરતા એક પરપ્રાંતીય પ્રૌઢને મીની ટ્રકે ઠોકર મારી પછાડ્યા પછી આ પ્રૌઢ પણ મોતને શરણ થયા છે. બેડ નજીક દસેક દિવસ પહેલાં બોલેરોની પાછળ બૂલેટ ટકરાઈ પડતા શાપરના યુવાનને ઈજા થઈ છે અને ગઈકાલે સવારે ધ્રોલ નજીક સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર જામનગરથી અંદાજે પચ્ચીસેક કિલોમીટર દૂર આવેલા મોડપર ગામ પાસેથી મંગળવારે સાંજે મોડપર ગામના વલ્લભભાઈ પ્રેમજીભાઈ ભંડેરી (ઉ.વ.૬૭) નામના વૃદ્ધ વાડીએ જવા માટે પગપાળા નીકળ્યા હતા.
તેઓ જ્યારે સ્મશાન સામેના રોડ પર પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ઈબી ૮૬૫૧ નંબરનું હીરો મોટરસાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે વલ્લભભાઈને હડફેટે લેતા આ વૃદ્ધ ફંગોળાઈ ગયા હતા. માથા તેમજ હાથ-પગમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કિશોરભાઈ ભંડેરીએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા જોગવડ ગામના પાટીયાથી આગળ આશાપુરા હોટલ સામેથી ગયા શનિવારે રાત્રે નવેક વાગ્યે મૂળ ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના નરોરા ગામમાં રહેતા વિજેન્દ્રસિંહ ગંગાસિંગ યાદવ તથા તેમના પિતા ગંગાસિંહ પાંખીસિંહ યાદવ (ઉ.વ.૫૩) ચાલીને જતા હતા.
આ વેળાએ પિતા-પુત્રએ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યાે ત્યારે જામનગર તરફથી ફૂલ સ્પીડમાં ધસી આવેલા જીજે-૧૭-એક્સએક્સ ૬૯૩ નંબરના મીની ટ્રકે હડફેટે લીધા હતા. મીની ટ્રકની ઠોકરથી રોડ પર પછડાયેલા ગંગાસિંહને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. વિજેન્દ્રસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં મીની ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામમાં શંકરટેકરીમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા નઝીર અલીમામદ ખલીફા (ઉ.વ.૩૦) ગઈ તા.૬ની સવારે જામનગર કામસર આવ્યા હતા ત્યાંથી પરત જવા માટે તેઓ બુલેટ મોટરસાયકલ પર રવાના થયા હતા. તેઓ બપોેરે એકાદ વાગ્યે જ્યારે બેડ ગામ નજીક ગોપાલ હોટલથી થોડે દૂર હતા ત્યારે આગળ જતી જીજે-૩૭-ટી ૭૪૭૫ નંબરની બોલેરો પીકઅપ વાને અચાનક વળાંક લેતા તેની સાથે નઝીરભાઈનું બુલેટ ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં નઝીરભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. બોલેરો ચાલક સામે સિક્કા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી પાંચેક કિ.મી. દૂર આવેલા જાયવા ગામ પાસે સરમરીયા દાદાની જગ્યા નજીક ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે જીજે-૩-બીડબલ્યુ ૨૩૮૨ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસની પાછળ ડીડી-૦૨-જી ૯૪૫૦ નંબરનું ડમ્પર ટકરાયું હતું. જેમાં બસના ડ્રાઈવર દ્વારકામાં રહેતા દીપકભા બુધાભા માણેક તથા બસના ક્લિનર અને અન્ય મુસાફરોને ઈજા થઈ હતી. ધ્રોલ પોલીસ મથકમાં દીપકભાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial