Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં દુકાનનું શટર ખોલતા વેપારીના ૭ લાખની રોકડવાળા થેલાની લૂંટઃ એક શખ્સને ઓળખી ગયાનો દાવો

લૂંટારૂઓના સગડ દબાવાયાઃ પોલીસ દ્વારા નાકાબંધીઃ વેપારીઓમાં ભયઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨૦: સલાયામાં ગઈકાલે સવારે પોણા નવેક વાગ્યે એક વેપારી રૂ.૭ લાખની રોકડવાળો થેલો પગ પાસે રાખી શટર ખોલતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા એક શખ્સે થેલો ઝૂંટવી દોટ મૂકી હતી અને મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત સાથે પોબારા ભણ્યા હતા. આ શખ્સોનો પીછો કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ બંને લૂંટારૂ પલાયન થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડી પાડવા નાકાબંધી કરાવી છે. જ્યારે એક શખ્સને ઓળખી ગયાનો દાવો કરી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તે શખ્સના આશ્રયસ્થાનો ચકાસ્યા છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં મીત ઈલેકટ્રીક્સ નામની દુકાન ચલાવવા ઉપરાંત વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનું કામ કરતા અને ખંભાળિયાના ધરમપુરમાં યોગેશ્વરનગરમાં વસવાટ કરતા કિરીટભાઈ વલ્લભદાસ બદિયાણી તથા તેમના ભાઈ અતુલભાઈ વલ્લભદાસ બદિયાણી ગઈકાલે સવારે રોજિંદા ક્રમ મુજબ ખંભાળિયાથી સલાયા મોટરમાં આવ્યા હતા.

આ બંને ભાઈઓ રૂ.૭ લાખની રોકડ સાથેનો થેલો લાવ્યા હતા. જેમાં કેટલાક કાગળો, દવાઓ તેમજ દુકાનમાં રાખવામાં આવેલી તિજોરીની ચાવી હતી. ત્યારપછી કિરીટભાઈ દુકાન ખોલવા માટે મોટરમાંથી ઉતર્યા હતા અને અતુલભાઈ મોટર પાર્ક કરવા ગયા હતા.

દુકાન પાસે પહોંચી કિરીટભાઈએ રૂ.૭ લાખ અને અન્ય ચીજવસ્તુ જેમાં હતી તે થેલો પગ પાસે રાખી નીચા નમીને શટરનું તાળુ ખોલવાનું શરૂ કર્યું ત્યારે જ ત્યાં અગાઉથી ઉભેલા એક શખ્સે વીજળીક ઝડપે ધસી આવી કિરીટભાઈના પગ પાસે પડેલો થેલો ઝૂંટવી દોટ મૂકી હતી અને નજીકમાં જ મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા શખ્સની પાછળ આ શખ્સે ઠેકડો માર્યાે હતો અને ગણતરીની સેકન્ડમાં આ મોટરસાયકલ ત્યાંથી નાસી છૂટ્યું હતું.

અચાનક બનેલા આ બનાવને પગલે કિરીટભાઈ હેબતાયા હતા અને તે દૃશ્ય અતુલભાઈએ પણ જોયું હતું. તેઓએ મોટર પાર્ક કરવાની બદલે આ શખ્સોના સગડ દબાવવા મોટર તેની પાછળ ભગાડી હતી પરંતુ વધુ પડતી સ્પીડના કારણે મોટરસાયકલ નાસી છૂટવામાં સફળ થયું હતું. તે દરમિયાન અતુલભાઈ જ્યારે દુકાન તરફ આવતા હતા ત્યારે થેલો ઝૂંટવીને નાસી રહેલું બાઈક તેમની પર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પરિસ્થિતિ પારખી ગયેલા અતુલભાઈ હટી ગયા હતા અને મોટર ચાલુ કરીને બાઈકની પાછળ જવાનો તેઓએ પ્રયાસ કર્યાે હતો. કાળા રંગનું મોટરસાયકલ પલકવારમાં અદૃશ્ય થઈ જતા તરત જ પોલીસને જાણ કરાઈ હતી.

આ બનાવની પોલીસને જાણ થતાં સલાયા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને એસપી જયરાજસિંહને તેની વિગતો અપાતા નાકાબંધી કરી લેવામાં આવી હતી પરંતુ આ શખ્સો હાથમાં આવ્યા ન હતા. પોલીસ મથકે દોડી ગયેલા કિરીટભાઈએ ફરિયાદ નોંધાવી છે અને જે બે શખ્સ રૂ.૭ લાખની રોકડવાળો થેલો લૂંટી ગયા છે તેમાંથી એક શખ્સ સલાયાનો જ એજાઝ રઝાક સંઘાર હોવાનું પોતે ઓળખી ગયાનું જણાવતા ઈન્ચાર્જ પીઆઈ જોષીએ આ શખ્સોના સગડ દબાવ્યા છે. તપાસ માટે એસપી જયરાજસિંહ વાળા તેમજ ડીવાયએસપી સાગર રાઠોડ પણ સલાયા આવી પહોંચ્યા હતા.

પોલીસે આ દુકાન પાસે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત અન્ય કેટલાક સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે. જેમાં આ શખ્સો માંઢાવાળા રસ્તે ચઢી ગયા હોવાનું અને આગળ નાકાબંધી થયેલી જોઈ સીંગચ તરફ પલાયન થયાનું જણાઈ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કિરીટભાઈએ જે શખ્સને ઓળખી ગયાનો દાવો કર્યાે છે કે એજાઝ રઝાક સંઘાર અગાઉ ગુજસી ટોકના ગુન્હામાં ઝડપાયો હતો અને તાજેતરમાં જામીન પર છૂટયો હતો. પોલીસે તેના આશ્રયસ્થાનો પર ચકાસણી શરૂ કરી છે. સલાયામાં આ પ્રકારનો પ્રથમ બનાવ બન્યો હોવાથી વેપારીઓમાં ભય પ્રસરી ગયો છે. મોટાભાગના વેપારી ખંભાળિયાથી અપડાઉન કરે છે ત્યારે ધોળા દિવસે આ રીતે વેપારી પર બાઈક ચઢાવી દેવાનો પ્રયાસ કરી રૂ.૭ લાખની રોકડ લૂંટી લેવાતા આ શખ્સોને પકડી લઈ કાયદાનો કડક પાઠ ભણાવવા માગણી ઉઠી છે.

ફરિયાદમાં બે શખ્સના નામનો ઉલ્લેખઃ

સલાયાના અન્ય આસામીએ પોતાના બાઈકની ચોરી અંગે નોંધાવી ફરિયાદ

ગઈકાલે સવારે સલાયામાં પોતાની દુકાન ખોલી રહેલા કિરીટભાઈ વલ્લભદાસ બદિયાણી નામના આસામીના પગ પાસેથી રૂ.૭ લાખની રોકડ ભરેલો થેલો એક શખ્સે ઝૂંટવીને દોટ મૂક્યા પછી ગણતરીના પગલાંની દૂરી પર મોટરસાયકલ તૈયાર રાખીને ઉભેલા તેના સાગરિતની પાછળ બેસી જઈ પોબારા ભણ્યા હતા.

આ બનાવમાં વેપારી કિરીટભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ લૂંટ કરનાર શખ્સોમાંથી એક શખ્સને ઓળખી ગયાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું છે અને સલાયાના જ એજાઝ રઝાક સંઘારનંુ નામ આપ્યું છે. તે દરમિયાન ગઈકાલે રાત્રે પોલીસ મથકે આવેલા સલાયાના હુસેની ચોકમાં રહેતા અનવર હારૂન ભગાડ નામના આસામીએ ગઈકાલે સવારે પોતાના ઘર પાસેથી જીજે-૩૭-કે ૩૭૮૮ નંબરના પોતાના હીરો મોટરસાયકલની એજાઝ રઝાક તથા જાકુબ જુનુસ સુંભણીયાએ ઉઠાંતરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુન્હો રજીસ્ટરે લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh