Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સજુબા હાઈસ્કૂલમાં પાંચ શાળાઓમાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયોઃ કીટ વિતરણ

મેયર મોનીકાબેન વ્યાસની ઉ૫સ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિવિધ પાંચ શાળાઓનો સંયુક્ત 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો હતો, જેમાં મેયર શ્રીમતી મોનીકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીકરીઓને શૈક્ષણિક કીટ આપી ઉત્સાહભેર પ્રવેશ કરાવાયો હતો.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ નું જામનગર શહેરની નવ દાયકા જૂની પ્રતિષ્ઠિત શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શહેરની વિવિધ પાંચ શાળાઓની બાળાઓને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

આ સંયુક્ત કાર્યક્રમમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૬, શાળા નં. ૩૮, શાળા નં. ૫ અને શાળા નં. ૪૧ ની આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતી નાની બાળાઓ, તેમજ શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે કંકુ તિલક કરીને શાળા પરિવારમાં આવકારવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મોનીકાબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે પોતાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. વધુમાં, તેમણે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમના સુંદર આયોજન તથા સુશોભન બદલ શાળાના આચાર્યા, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની જહેમતને બિરદાવી હતી.

આ મહોત્સવમાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અમિતભાઈ તન્ના, કોર્પોરેટર આશાબેન રાઠોડ, મંજુબેન બાંભણિયા, સંજયભાઈ દાઉદીયા, નીલેશભાઈ હાડા, દિનેશભાઈ ચૌહાણ, ભદ્રેશભાઈ ચૌહાણ તેમજ દર્શનભાઈ શેઠ અને પ્રમુખ બ્રિજેશભાઈ વોરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે નવોદિત દીકરીઓને સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ જેવી શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે શાળા નં. ૬ ના આચાર્ય પ્રશાંતભાઈ માધવાચાર્ય, શાળા નં. ૩૮ ના આચાર્ય ધ્રુતીબેન વડાલીયા તથા સજુબા સરકારી શાળાના આચાર્યા બીનાબેન દવે અને તમામ શાળાઓના શિક્ષક સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh