Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ ૯માં શાળા દ્વારા લેવાનાર ત્રીજી ભાષાની આંતરિક મૂલ્યાંકન પરીક્ષા પાસ કરવી ફરજીયાત

ધો. ૧૦ પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૪: ધોરણ ૧૦ પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે ત્રીજી ભાષાની ઈન્ટરનલ પરીક્ષા પાસ કરવી જ પડશે તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય સીબીએસઈ દ્વારા લેવાયો છે.

સીબીએસઈએ ન્યૂ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ હેઠળ ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. ૨૦૨૭-૨૮ થી ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓએ પાસ થવા માટે શાળા કક્ષાની આ પરીક્ષા પાસ કરવી પડશે.

જોકે, મુખ્ય બોર્ડ પરીક્ષામાં તેનો સમાવેશ નહીં થાય. ૯મા ધોરણમાં નાપાસ વિદ્યાર્થીઓ ૧૦મામાં ફરી પરીક્ષા આપી શકશે. આ નિયમ ૨૦૨૬-૨૭માં ૯મામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી ૨૦૨૦) ના માળખા હેઠળ શાળાકીય શિક્ષણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે.

બોર્ડે ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે 'ત્રીજી ભાષા'નું ઇન્ટરનલ એસેસમેન્ટ એટલે કે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ થી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ પાસ સર્ટિફિકેટ મેળવવા માટે શાળા કક્ષાએ લેવાતી આ ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી જ પડશે.

સીબીએસઈ દ્વારા ૧૦ જુલાઈના બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ ફેરફાર શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૯ માં પ્રવેશ મેળવતા અને ૨૦૨૭-૨૮ માં ધોરણ ૧૦ માં આવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રીજી ભાષાની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ, શાળા દ્વારા લેવાતા આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ક્વોલિફાઇંગ સબ્જેક્ટ તરીકે ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ ૧૦ ની આ આંતરિક પરીક્ષામાં નાપાસ થશે, તો બોર્ડનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં શાળાએ તેની ફરીથી પરીક્ષા લેવી પડશે.

નવા નિયમો અનુસાર, જો કોઈ વિદ્યાર્થી ધોરણ ૯ માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં નાપાસ થશે, તો પણ તેને ધોરણ ૧૦ માં પ્રમોટ (પાસ) કરી દેવામાં આવશે. પરંતુ, તે વિદ્યાર્થીએ ધોરણ ૧૦ માં અભ્યાસ કરવાની સાથે-સાથે ધોરણ ૯ ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ જોગવાઈને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં, પરંતુ સેકન્ડરી શિક્ષણ પૂરું કરતાં પહેલાં ભાષાની આ શરત પૂરી કરવી જ પડશે. હાલ ૨૦૨૬-૨૭ માં ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા આપનારી બેચને આ નિયમ લાગુ પડશે નહીં.

આ અગાઉ ૨૯ જૂનના પરિપત્રમાં બોર્ડે જાહેરાત કરી હતી કે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ થી ધોરણ ૬ થી જ ત્રણ ભાષાઓનો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ માળખા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાંથી ઓછામાં ઓછી ૨ ભાષાઓ ભારતીય હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી અંગ્રેજી સાથે વિદેશી ભાષા પસંદ કરી છે, તેઓ તે ચાલુ રાખી શકશે પરંતુ તેમણે વધારાની એક ભારતીય ભાષા પણ શીખવી પડશે. પહેલાં વિદ્યાર્થીઓ ધોરણ ૮ પછી ત્રીજી ભાષા છોડી દેતા હતા, જે હવે ધોરણ ૧૦ સુધી ભણવી પડશે.

સીબીએસઈના આ થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાના પરિપત્રને અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. અરજીકર્તાઓએ માગ કરી છે કે ત્રીજી ભાષાના આ નિયમને વર્ષ ૨૦૨૯-૩૦ સુધી લંબાવવામાં આવે. આ મામલે ૧૩ જુલાઈના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં એક સોગંદનામું રજૂ કરીને નીતિનો બચાવ કરાયો છે.

કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે શિક્ષણ એ બંધારણની સંયુક્ત સૂચિનો વિષય છે, જેથી કેન્દ્ર અને રાજ્ય બંનેને એનઈપી લાગુ કરવાનો અધિકાર છે. આ નીતિથી બહુભાષિત્વને પ્રોત્સાહન મળશે, ભારતીય ભાષાઓનું સંરક્ષણ થશે અને રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh