Advertisement
Author: નોબત સમાચાર

કરોડોના ખર્ચે સ્પોર્ટસ સંકુલનું નિર્માણ... પણ ક્રિકેટ બંગલાના ઐતિહાસિક મેદાનની સતત ઉપેક્ષા!

આંખે ઊડીને વળગે તેવો વિકાસ-વિકાસને રૃંધતી સત્તાધિશોની બંધ આંખો

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરમાં કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકાના ભાજપના વરસોથી સત્તા સ્થાને રહેલા સત્તાધીશો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિકાસ અંગેની દીર્ઘદૃષ્ટિ પ્રત્યે ક્યારેક અસંતોષ સાથેની શંકા જાગે છે અથવા બીજા શબ્દોમાં દીર્ઘદૃષ્ટિનો ક્યાંક અભાવ જોવા મળે છે.

જામનગર મહાનગરપાલિકા પાસે જ અદ્યતન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ થયું... જેમાં સ્વીમીંગ પુલ, ટેબલ ટેનિસ, બેડમિંન્ટન કોર્ટ, ક્રિકેટની પ્રેક્ટીશ પીચ, વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ સ્પોર્ટસ સંકુલમાં આવેલા સ્વીમીંગ પુલનો અસંખ્યા લોકો લાભ લઈ રહ્યા છે. તેમજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની જિલ્લા/રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાતી રહે છે.

આમ આ સ્પોર્ટસ સંકુલ જામનગરના તરણબાજો, ખેલાડીઓને તેમના કૌશલ્યને પ્રોત્સાહિત કરવા અમૂલ્ય ભેટ સમાન બની રહ્યું છે.

આ સ્પોર્ટસ સંકુલ કાર્યરત હોવા છતાં મહાનગરપાલિકાથી નજીક જ ક્રિકેટ બંગલાના મેદાનમાં એક ખૂણે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે બીજુ સ્પોર્ટસ સંકુલ બનાવ્યું છે. અહીં સ્વીમીંગ પુલ તથા આઉટ ડોર ગેઈમમાં બાસ્કટ બોલ જેવી રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સંકુલનો સ્વીમીંગ પુલ પણ અદ્યતન અને જિલ્લા/રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધાઓ યોજી શકાય તેવો બનાવાયો છે. (ભલે આ સ્પોર્ટસ સંકુલનો બહારનો દેખાવ સરકારી ગોડાઉન જેવો લાગતો હોય!)

આમ જામનગર શહેરની મધ્યમાં જ તદ્ન નજીક-નજીકના સ્થળે બબ્બે સ્પોર્ટસ સંકુલ બન્યા છે અને આ સુવિધા-વિકાસ કામ ખરેખર જામનગરની જનતા માટે ઉપયોગી બની રહ્યા છે.

પણ... જામનગર શહેરનો જે રીતે ચારે દિશામાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે રમતગમતના મેદાન માટે ક્યારેય વિચાર કરવામાં આવ્યો નથી... અલબત્ત, એકાદ બે વખત ચૂંટણી ઢંઢેરામાં એકાદ બે સ્થળના ઉલ્લેખ સાથે રમતગમતનું મેદાન-સંકુલ બનાવશું તેવું જાહેર તો થયું જ છે... પણ એ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.

ઉલ્ટાનું જામનગરના પુર્વ રાજવીઓની એક અમૂલ્ય ભેટ સમાન અને ઐતિહાસિક તેમજ ગૌરવવંતા ક્રિકેટ બંગલાના મેદાનના વિકાસને રૃંધી નાખવાના કામો થયા છે...

જામરણજીતસિંહજીનું નામ ક્રિકેટ વિશ્વમાં આજે પણ સન્માનજનક છે. અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન અને ક્રિકેટ બંગલાનું મેદાન ઈંગ્લેન્ડના લોર્ડઝના મેદાનની પ્રતિકૃતિ સમાન ગણાય છે. આ મેદાન ઉપર રમવા આવેલા દેશ-વિદેશના ખ્યાતનામ ખેલાડીઓ આ ભૂમિની માટીને માથા પર ચડાવતા જોયા છે. ત્યારે આ મેદાન માત્ર ક્રિકેટની રમત માટે જ હોવા છતાં તેના વિકાસના બદલે સમગ્ર પરિસરમાં અન્ય કમઠાણો ખડકી દેવાયા છે. માત્ર રોલર અને ફૂવારાથી પાણી છોડી શકાય તેવી નાની નાની સુવિધા ઉપલબ્ધ કરાવી સંતોષ માની લેવાયો છે.

આવી ઉપેક્ષાના કારણે જામનગરના આ ક્રિકેટ બંગલાના મેદાન પર રણજી ટ્રોફી કક્ષાના મેચો રમાડી શકાતા નથી. જિલ્લા કક્ષાના મેચો (તે પણ અંડર-૧૬/૧૯) રમાય છે આંતરરાષ્ટ્રીય વન-ડે, કે આઈપીએલના મેચો રમાય તેવી કલ્પના જ કરવી અશક્ય છે! ક્રિકેટની રમતને રૃંધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

સત્તાધીશોએ ક્યારેય આ મેદાનની પીચ, ગ્રાઉન્ડ-આઉટ ફીલ્ડ, પેવેલિયન, સ્ટેડિયમ, વગેરે જરૃરી બાબતો અંગે વિકાસ કરવાનો વિચાર કર્યો જ નથી. થોડા વરસો અગાઉ માત્ર ગ્રાઉન્ડ ફરતે ફેન્સીંગ થઈ છે.

આ મેદાન પર માત્રને માત્ર ક્રિકેટ જ રમાય તેવા હેતુસર પૂર્વ જામસાહેબે મેદાન-પેવેલિયનની ભેટ ધરી છે તે સત્તાધીશો ભૂલી ગયા છે. અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને જામનગરમાં ક્રિકેટની રમત પ્રત્યે પાંચ વર્ષના બાળકથી લઈને યુવાનો-યુવતીઓમાં કારકિર્દી બનાવવાનો, આગળ વધવાનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે ત્યારે આ મેદાનના સર્વાંગી-સંપૂર્ણ વિકાસ માટે રાજ્ય સરકારે ગુજરાત ગૌરવ દિને મોટી જાહેરાત કરવાની જરૃર છે. ક્રિકેટ બંગલાના મેદાન પર ફર્સ્ટ ક્લાસ મેચો, આંતરરાષ્ટ્રીય મેચો રમાડી શકાય તેવા આયોજનની જાહેરાત ગૌરવ દિને જામનગરના ગૌરવવંતા ક્રિકેટ ઈતિહાસને વધુ રોશન કરશે.

જોઈએ... તા. ૧લી મે ના દિવસે રાજ્ય સરકાર અને ખાસ કરીને સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ આ બાબતે કેવું ક ગંભીરતાપૂર્વક વિચારે છે!

- ફ્રી હીટઃ બાકી તો આ મેદાન પર કોઈ મેચ કે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન કે સમાપન પ્રસંગે અનેક રાજકીય નેતાઓ આવે જ છે, ક્રિકેટ બંગલાના મેદાનની ગૌરવવંતી મોટી મોટી વાતો કરે છે, પણ ક્યારેય આ રાજકીય નેતાઓ કે સત્તાધારી લોકોએ મેદાનના સર્વાંગી વિકાસ માટે લેશમાત્ર પ્રયત્ન કર્યો નથી તે કમનસીબી છે.

ક્રિકેટ બંગલાનું ગૌરવવંતુ મેદાન

આ મેદાન ભારતના જ નહીં ઈંગ્લેન્ડ સહિતના દેશોના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ક્રિકેટ ખેલાડીઓ માટે એક સન્માનજનક મેદાન ગણાતું હતું. આ ખેલાડીઓ આ મેદાન પર ક્રિકેટ રમવાની બાબતને પોતાના જીવનનો મહાન અવસર ગણાવતા હતાં. એટલું જ નહીં આ મેદાન પર અગાઉ રણજીટ્રોફીના મેચો રમતા જ હતાં. મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાતની ટીમો અહીં રમી ગઈ છે. આ ઉપરાંત વિલ્સ ટ્રોફી જેવી મહત્ત્વની ટુર્નામેન્ટોનો મેચ પણ અહીં રમાયો હતો.

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ઈંગ્લેન્ડના ખ્યાતનામ ખેલાડીઓ સાથેની ટીમને બોલાવી અહીં ત્રણ દિવસોન મેચ રણજી શતાબ્દિની ઉજવણી દરમિયાન રમાડ્યો હતો. આમ આ મેદાન સમગ્ર ભારત માટે, ગુજરાત માટે ક્રિકેટનું એક તીર્થસ્થાન સમાન છે, છતાં તેની ઉપેક્ષા થઈ રહી છે.

જામ રણજીતસિંહજી, દુલીપસિંહજી, વિનુ માંકડ, સલીમ દુરાની, ઈન્દ્રજીતસિંહ, છત્રપાલસિંહ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા મહાન ક્રિકેટરોની ભેટ આપનાર જામનગર હાલના સત્તાધીશો દ્વારા સતત ઉપેક્ષાઓનો ભોગ બની રહ્યું છે.

બોક્સ ક્રિકેટનો વધતો ખર્ચાળ ક્રેઝ....

ટેનીસ બોલથી ક્રિકેટ રમતા ખેલાડીઓ જાય ક્યાં...?

જામનગરમાં ટેનીસ બોલથી ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે શહેરમાં કે શહેર આસપાસ કોઈ મેદાન જ નથી. આ સંજોગોમાં ક્રિકેટ રમવા ઈચ્છતા અનેક ખેલાડીઓ મેદાની સુવિધાથી વંચિત રહે છે. આ સંજોગોમાં છેલ્લા બે-ત્રણ વરસથી શહેરની આસપાસના હાઈવે પર વિશાળ જમીનો ધરાવતા આસામીઓએ લાઈટીંગ, પીચ જેવી વ્યવસ્થા કરી બોક્સ ક્રિકેટ ચાલુ કર્યું છે અને ટેનીસ બોલથી ક્રિકેટ રમવા ઉત્સુક ખેલાડીઓને ના છૂટકે બે કલાકના એક હજારથી ત્રણ હજારના ભાડા ચૂકવી ક્રિકેટની રમતનો આનંદ માણવો પડે છે...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh