Advertisement
Author: નોબત સમાચાર

હોબાળા અને હલ્લાબોલ વચ્ચે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન

ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં સભા અને હોલની બહાર વિપક્ષના ધરણાંઃ મહત્ત્વની દરખાસ્તો મંજૂર

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટરોએ રીતસરની સત્તાપક્ષ ઉપર પસ્તાળ પાડી હતી અને અનેક મુદ્દે આક્રમક રજૂઆતો કરી માહોલ ગરમ કરી દીધો હતો. જેમાં મુખ્યત્વે જી.જી. હોસ્પિટલમાં ફાયર મુદ્દે, એક અધિકારીને સસ્પેન્ડ કરવા સહિતના સેક્રેટરીને ફરી એક વખત ૬ માસની મુદ્દત માટે નોકરીમાં રાખવા સહિતના મુદ્દાઓની આક્રમક રજૂઆતો કરતા સત્તાધીશો જવાબ આપવામાં થોથવાયા હતાં.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ધીરૃભાઈ અંબાણી ભવનમાં મળી હતી.

બેઠકના પ્રારંભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમભાઈ દુરાની અને પૂર્વ કોર્પોરેટર અસગરઅલી કપાસીના નિધન થતા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારપછી જામનગરના મેયર ઈલેવન ચેમ્પિયન થતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવાયા હતાં.

મહાનગરપાલિકાના કર્મચારીઓને ૧૦, ર૦ અને ૩૦ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજૂરી આપવામાં આવી હતી.

સર્વ પ્રથમ વિપક્ષના આનંદ રાઠોડે રજૂઆત કરી હતી કે, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, કાર્યપાલક ઈજનેર સહિતની જગ્યાઓ ખાલી ક્યાં સુધી, ઈન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવશે. આ સત્તાપક્ષની નબળાઈ છે. સક્ષમ અધિકારીને બઢતી આપવી જોઈએ.

ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ અન્વયે ઘડવામાં આવેલા પેટા કાયદાને મંજૂરી આપવાની દરખાસ્તને સામાન્ય ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું મધ્યાહન ભોજન યોજના અન્વયે મેગા કિચન બનાવવાના મુખ્ય દાતા તરીકે સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કરવા તથા મહાનગરપાલિકાની હદમાં બાવન પ્રાથમિક શાળામાં રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત સરકારની સબસીડી ઉપરાંત મધ્યાહન ભોજનની રકમનો સહકાર આપવા અંગેની દરખાસ્તને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી.

સાત રસ્તા સર્કલ પાસેના સ્વામી વિવેકાનંદ મિલ્ક અને મિલ્ક પ્રોડકટસ રિટેઈલ આઉટલેટ માટે જગ્યાને પાંચ વર્ષ માટે લીઝ ઉપર આપવાની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. મિલકતવેરા-વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાની મુદ્દત ૩૦-૪-ર૩ સુધી વધારવાની દરખાસ્તને પણ મંજુરી અપાઈ હતી. આ દરખાસ્તમાં આનંદ રાઠોડએ ચર્ચામાં ભાગ લઈ જણાવેલ કે શા માટે એક જ પાર્ટીને અપાય છે તેના જવાબમાં જણાવાયું હતું કે લોઓસ્ટ ટેન્ડર મુજબ થયું છે.

આ પછી વિપક્ષના અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે બે માસમાં એક વખત મળતી સામાન્ય સભામાં ચીલાચાલુ એજન્ડા જ હોય છે. શું કોઈ વિકાસ કામ નથી? જો વ્યાજ માફી યોજનાની વિપક્ષની રજુઆતને પહેલાં જ માન્ય રાખી હોત તો વધુ ફાયદો મળ્યો હોત. મેં પોતે આ યોજનામાં આશરે પ૦ લાખ રૃપિયા ભરાવ્યા છે.

નળ જોડાણ એક જ હોવા છતાં ૩ થી ૪ બીલો મળે છે આ શાટે ? તેના જવાબમાં જણાવાયું હતું કે આ માટે કામગીરી ચાલી રહી છે. આ બાબતે મેયરે જણાવ્યું હતું કે, આ કામગીરી જલદી કરો જેથી લોકોને વ્યાજ માફીનો લાભ મળી શકે. આ તકે સત્તાપક્ષના ગોપાલ સોરઠીયાએ કહ્યું હતું કે હવે એડવાન્સ ટેકસની યોજના વિશે પણ વિપક્ષ સામે આવે તો સારૃ રહેશે.

આ પછી અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજુ થઈ હતી જેમાં સેક્રેટરી અશોક પરમારની મુદ્દત વધુ છ માસ માટે વધારવાની દરખાસ્ત વિપક્ષના વિરોધ સાથે મંજુર કરવામાં આવી હતી. આ તકે વિપક્ષના સભ્યોએ ટકોર કરી હતી. કે, અશોક પરમારને પાંચ વર્ષ માટે જ રાખી લો એટલે કામ પતે.

આ પછી વિપક્ષના સદસ્ય અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે, પાનવાળા આરોગ્ય કેન્દ્રને શા માટે બંધ કરવામાં આવ્યું?  જો પંદર દિવસમાં પુનઃ શરૃ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે આરોગ્ય અધિકારી સદંતર નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેઓ કોઈના ફોન ઉપાડતા નથી જવાબ પણ આપતા નથી તેમ પણ જણાવ્યું હતું.

જો કે, ઈન્ચાર્જે નાયબ કમિશનરે જવાબ આપ્યો હતો કે, ૧૫ દિવસમાં આરોગ્ય કેન્દ્ર પુનઃ શરૃ કરી દેવામાં આવશે.

વિપક્ષના અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, આરોગ્ય અધિકારી પ્રજાનો નોકરિયાત છે. છતાં કોર્પોરેટરને પણ ગાંઠતા નથી. શા માટે તેમને છાવરવામાં આવે છે.?

આ પછી વિપક્ષના રાહુલ બોરીયાએ કોમ્પ્યૂટર શાખાના એનાલિસ્ટની જગ્યા અંગેનો સવાલ ઉઠાવતા ઈન્ચાર્જ નાયબ કમિશનરે જવાબ આપ્યો હતો કે તેમાં બધું નિયમ મુજબ થયું છે. વ્યક્તિગત આરોપ કરવાની કોઈ જરૃર નથી. રાહુલ બોરીયાએ કહ્યું હતું કે, બઢતીની કોઈ જોગવાઈ નથી પણ સીધી ભરતીમાંથી રાખવાનો નિયમ છે. આ માટે મેયરે આ મુદ્દે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પછી વિપક્ષ જેનબબેન ખફીએ ફાયર શાખાને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી રજૂઆતો સંભળાતી નથી. આથી તેઓ ઘંટ વગાડીને નાટકીય રજૂઆતો કરવી પડે? સિવિલ શાખા રોજબરોજનું કામ નબળું કરે છે.છતાં વર્ષમાં દોઢેક કરોડનો ખર્ચ કરવામાં આવે છે.

આ મુદ્દે ડી. એમ. સર્વે કહ્યું હતું કે, – આક્ષેપો ખોટા છે સીએ કામ થાય તેનું પેમેન્ટ જ થાય છે. જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વાપરવામાં આવેલ એનઓસી અંગે ખાસ તેમને સવાલો ઉઠાવ્યા હતા. અને તદ્દન હલકી ગુણવત્તાનું મટિરીયલ ઉપયોગ થયો હોવાનું કહેવાયું છતાં એનઓસી કેમ મળ્યું ? આ મુદ્દે અધિકારીએ દોષનો ટોપલો પીઆઈ કે વિભાગ ઉપર ઢોળ્યો હતો.

આ ઉપરાંત હોસ્પિટલમાં જરૃર નથી ત્યાં પણ સ્મોક ડિટેક્ટર લગાવાયાનો આરોપ કર્યો હતો. સેવા સદન ૧ થી ૩ પાસે એન.ઓ.સી.  જ નથી તેમ જણાવાયું હતું.

આજની સામાન્ય સભામાં વિપક્ષના રચનાબેન નંદાણીયા, વકીલ ના વેશમાં પ્રવેશ્યા હતાં. અને પોસ્ટ બનાવી અધિકારી નંદાણીયાને સસ્પેન્ડ કરો તેવી માંગ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh