Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ સૌરાષ્ટ્રના ૩૦૦ થી વધુ તમિલ લોકોનું ઢોલનગારા સાથે અદકેરૃ સ્વાગતઃ
સોમનાથ તા. ૧૯ઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ માટે પહોંચેલા ૩૦૦ થી વધુ તમિલ લોકોનું સોમનાથમાં કેન્દ્ર-રાજ્યના મંત્રી મહોદયો દ્વારા સ્વાગત કરાયું હતું, અને વિવિધાસભર કાર્યક્રમો યોજાયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' સંકલ્પને સાકાર કરવા યોજાઈ રહેલા 'સૌરાષ્ટર તમિલ સંગમ' કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મદુરાઈથી સોમનાથ ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચતા કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ સાથે કુમકુમ તિલક કરી ૩૦૦ થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠિયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઊઠ્યા હતાં. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તમિલ બંધુઓને આવકાર્યા હતાં. આ સમયે 'ભારત માતા કી જય' અને 'જય સોમનાથ'ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે મંત્રી મહોદયો ઉપરાંત તમિલનાડુથી આવેલા ભાનુમતીજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.
મંત્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ
નેતાઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો અને તમિલ પ્રવાસીઓએ સાંસ્કૃતિક સંગમ, શૈક્ષણિક આદાનપ્રદાન, એકબીજાના ભાષાકીય શિક્ષણની શરૃઆત, દરિયાકિનારો અને ફિશરીઝ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે સમાનતાઓ વગેરે વિષય પર વાર્તાલાપ કર્યો હતો. મંત્રીઓ સાથેના વાર્તાલાપમાં તમિલ મહેમાનોએ આપણી સંસ્કૃતિ વચ્ચે જુની સામ્યતા છે એવું જણાવી સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિ વિશેના કાર્યક્રમો વારંવાર યોજાતા રહે અને ત્યાં પણ આ સંદર્ભને વેગવાન બનાવવા માટે યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવે એવો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને માતૃભૂમિની મુલાકાત લેવાની તક મળી એ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવાસી તામિલ મહેમાનોએ સુરતથી વેરાવળ સુધી સમગ્ર રસ્તે ભાવભર્યા સ્વાગત અને સુંદર વ્યવસ્થા બદલ ભાવપૂર્વક રાજ્ય સરકાર અને આઈ.આર.સી.ટી.સી.નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ તમિલ પ્રોફેસર દામોદરને ઉપસ્થિતો માટે તમિલમાં ભાષાંતર કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્રીયન તમિલો સહિત સ્થાનિક લોકોએ એકસાથે રાષ્ટ્રગાન કર્યું ત્યારે સુંદર દૃશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર તમિલ સમુદાયના લોકોએ મંત્રીઓને સન્માનિત કરી યાદગીરી રૃપે ભેટ અર્પણ કરી હતી.
ભારત સરકારના કાપડ મંત્રાલય અંતર્ગતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કમિશનર અને નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો સાથે સંવાદ કર્યા પછી ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ ભાવનગર યુનિવર્સિટીના સ્ટોલ પર ડ્રોન સ્ટાર્ટઅપ અને ફેરોફ્લુઈડ્સ પ્રોજેક્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલમાં ફળોની અલગ અલગ સુધારેલી જાતો, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્ટોલ પર હસ્તપ્રતોના લેખન અને જાળવણીની પુરાતન શૈલી વગેરેમાં વિશેષ રસ લઈ વિસ્તારથી માહિતી મેળવી હતી. મંત્રીઓએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ સ્ટોલધારકો પાસેથી વિવિધ વસ્તુઓ અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. મંત્રીઓએ કારીગરોની મહેનતને બિરદાવી તેમની કલા માટે અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રદર્શનમાં હેન્ડીક્રાફ્ટ અંતર્ગત કચ્છ એમ્બ્રોડરી, તમિલ કલમકારી, એપ્લિક વર્ક, વુડન આર્ટ તેમજ હેન્ડલૂમ અંતર્ગત પટોળા વણાટ, હાથ વણાટની વિવિધ બનાવટો વગેરેના સ્ટોલો આવેલા છે, જેમાં તામિલનાડુના વેપારીઓના સ્ટોલ પણ છે.
સોમનાથની મુલાકાતના આરંભે પેટ્રોલિયમ મંત્રી પુરીએ ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતાં. ત્યારપછી વિધિવત્ સોમેશ્વર મહાપૂજા તથા ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતાં. તેમની સાથે રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ પણ પૂજન વિધિમાં ભાગ લઈ વિવિધ ભેટ અર્પણ કરી હતી. કેન્દ્રિય મંત્રીએ અભિપ્રાય બુકમાં અભિપ્રાય પણ લખ્યો હતો. મહાપૂજા પછી તમામ મંત્રીઓએ મંદિર બહાર આવી શિખર પર સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ મંદિરની જમણી બાજુએ આવેલા બાણસ્તંભની મુલાકાત લઈ તેના વિશે માહિતી મેળવી હતી.
નોંધનીય છે કે, આ સ્તંભમાં સૂચવેલ દિશામાં અહીંથી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય જમીન નથી, સંપૂર્ણ રેખામાં સમુદ્ર છે તે અર્થ દર્શાવતો શ્લોક અંકિત થયેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag