Advertisement
Author: નોબત સમાચાર

ખેતીવાડી જમીનનો વિવાદ વારસાની સમજ અને કાયદાકીય દિશાનિર્દેશ

ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં, જમીન માત્ર મિલકત નથી- એ તો વારસાની ઓળખ છે. સમાજમાં માન છે અને કુટુંબના અસ્તિત્વનું આધારસ્તંભ છે. પરંતુ મોટાભાગના કુટુંબોમાં આ જમીન વારસાગત રીતે વિતરણ કરતી વેળાએ કેવળ ભાવનાત્મક નહીં, કાયદાકીય વિવાદો પણ ઊભા થાય છે. ઘણા વિવાદો માત્ર આ કારણસર ઉદ્ભવે છે કે લોકોને જમીનના પાટા, વારસાની પદ્ધતિ, ૭/૧૨ ઉતારાના અર્થ એટલે શું એની યોગ્ય સમજ નથી.

ચાલો, આજે આપણે આ વિષયને ચાર ખૂણાંથી સમજવાનો પ્રયાસ કરીએ- પાટાની સમજ, વારસાના હક, પંજીકૃત દસ્તાવેજની આવશ્યકતા, નામકમીનું સમયસર મહત્ત્વ અને પુત્રીઓના ખરા અધિકાર વિશે વિસ્તૃત દૃષ્ટિએ સમજણ આપીશું.

કાયદાના દૃષ્ટિકોણથી જોવાં જઈએ તો જમીન બે પ્રકારની હોય છેઃ ખેતીવાડી જમીન (ખેતીની જમીન) અને બિનખેતી જમીન ખેતીવાડી જમીન એટલે એવી જમીન કે જેના માટે જમીનના રેકોર્ડમાં પાક લઈ શકાય તેવી નોંધ હોય અને જેના ઉપર ખેતીનું કાયદેસર વહીવટ મંજૂર હોય. આમની જમીનના ઉપયોગમાં ફેરફાર કરવા માટે બિનખેતી પરવાનગી અનિવાર્ય છે. ત્યાં જ બિનખેતી જમીન એ હોય છે જેને વેપાર, રહેઠાણ, ઉદ્યોગ કે અન્ય ખેતી સિવાયના હેતુ માટે કાયદેસર પદ્ધતિએ બદલાઈ દેવામાં આવી હોય. આ જમીન પેઢીગત રીતે વારસામાં મળે ત્યારે કાયદો એની માલિકી વિશે બે પ્રકારની સંપત્તિમાં વહેચે છે - પૌત્રીક મિલકત (અનુવંશિક મિલકત) અને સ્વઅર્જિત મિલકત.

પૌત્રીક મિલકત એટલે એવી મિલકત કે જે વ્યક્તિએ પોતાના પિતૃપક્ષ તરફથી વારસામાં મેળવી હોય અને જે મિલકત ચાર પેઢી સુધી વિતરણ પામે છે  એટલે કે પિતાશ્રી, દાદાશ્રી, તેમનો પિતા અને તેથી ઉપરની પેઢી.

આવી મિલકતમાં દરેક વારસદારોનો જન્મજાત અધિકાર હોય છે અને કોઈ વ્યક્તિ તેનો એકતરફી નિકાલ કરી શકે નહિ.

જ્યારે સ્વઅર્જિત મિલકત એ એવી સંપત્તિ છે જે વ્યક્તિએ પોતાની આવક, પ્રયત્ન કે રોકાણથી પોતે કમાઈ હોય. આવી મિલકતના હક અંગે જે વ્યક્તિ માલિક હોય તેને સંપૂર્ણ અધિકાર હોય છે  એ વેચી શકે, ભેટ આપી શકે કે તેનું વસીયતપત્ર બનાવી શકે.

આથી, વસીયતપત્ર એ માત્ર સ્વઅર્જિત મિલકત માટે બનાવી શકાય છે. પૌત્રીક મિલકત માટે વ્યક્તિ પોતાના હિસ્સા માટે વસીયત બનાવી શકે છે, પણ અન્ય વારસદારોના હક્કને કાપી શકે નહીં. કોઈ વ્યક્તિ પૌત્રીક મિલકતને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લેવાની વસીયત કરે તો એ કાયદેસર રીતે અમાન્ય ગણાય.

વારસાનો હક-કાયદો શું કહે છે

ભારતનો વારસાનો કાયદો ભારતીય વારસા અધિનિયમ, ૧૮૯૨ તેમજ હિંદુ વારસા અધિનિયમ, ૧૯૫૬ હેઠળ સંચાલિત થાય છે. ગુજરાતમાં મોટાભાગની પ્રજા હિન્દુ છે આથી જયારે કોઈ હિન્દુ વ્યક્તિ ની મૃત્યુ થાઈ છે ત્યારે હિન્દુ વારસા અધિનિયમ લાગુ પડે છે. જો વ્યક્તિની મૃત્યુ પામતી વખતે કોઈ વસીયત ન હોય તો તેને *અનિચ્છિત વારસા* કહેવાય છે.

પુત્ર, પુત્રી, પત્ની અને માતા  એમને *કલાસ ૧ વારસદાર* કહેવામાં આવે છે. જ્યારે કોઈ કાયદેસર દસ્તાવેજ વિના મૃત્યુ પામે છે ત્યારે જમીન ક્લાસ ૧ વારસદારો વચ્ચે સમાન હિસ્સામાં વહેંચાય છે.

પુત્ર અને પુત્રી બંનેનો સમાન હક હોય છે પુત્રને વધારે નથી!

પાટાનો અર્થ શું? કેવી રીતે થાય પાટો?

પાટો એટલે જમીનના હકદારોની કાયદેસર રીતે ઓળખ કરાવવી. વારસાના વિતરણ પછી દરેક હકદાર પોતાનો હિસ્સો મેળવે અને તે હિસ્સાને પાટા દ્વારા કાયદેસર ઓળખ આપવી પડે છે.

પાટો કરવા માટે નિકટની તલાટી કચેરીમાં અરજી કરવાની રહે છે. અરજદારોએ નીચેના દસ્તાવેજો આપવાના રહે છેઃ (૧) મૃત્યુ દાખલો, (૨) વારસાવાળી દાખલો/વંશાવળ ઓળખપત્રો, (૩) આધારભૂત માલિકીની વિગતો

તલાટી મામલતદાર દફતરમાં ફરીયાદીઓની નોંધ કરે છે અને જાહેરનામું પ્રસિદ્ધ થાય છે કે કોઈને કોઈ વાંધો હોય તો જણાવે. જો વાંધો ન આવે તો પાટાની પ્રક્રિયા આગળ વધે છે. પાટા પછી, સૌથી અગત્યનું પગલું છે  નામકામી કરાવવી. જો કોઈ નામકામી નહીં કરાવે તો સરકારના રેકોર્ડમાં હાલના માલિકનું નામ ચાલુ રહેશે અને નવા હકદારનો અધિકાર માન્ય નહીં થાય. આમ, પાટા હકપત્રક એન્ટ્રી કરાવવી એ માત્ર વિધિ નથી એ કાયદેસર હક પ્રાપ્ત કરવાનો મજબૂત આધારસ્તંભ છે.

માત્ર નોટરી કરાવેલું ફેમિલી એરેન્જમેન્ટ-શું કાયદેસર છે?ઃ સૌરાષ્ટ્રમાં ખૂબજ સામાન્ય છે કે એક પરિવાર માટે વારસાની વહેંચણી કોઈ નોટરી કરાવેલા કાગળથી કરી દેવામાં આવે છે. ઘણા લોકો એવા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દે છે જેને તેઓ કુટુંબની શાંતિ માટે કરેલું સમજૂતીપત્ર ગણાવે છે પણ આ ''ફેમિલી એરેન્જમેન્ટ'' માત્ર નોટરી કરાવેલું હોય તો એ કાયદેસર માન્ય નથી.

હસ્તાંતરણ અધિકાર અધિનિયમ, ૧૯૦૮ની કલમ ૧૭(૧)(બ) અનુસાર, કોઈપણ જમીન, મિલકત કે હસ્તાંતરણ સંબંધિત દસ્તાવેજ પજીકૃત (રેજિસ્ટર) હોવો ફરજિયાત છે નહિતર એ દસ્તાવેજ અદાલતમાં માન્યતા પામતો નથી. માત્ર નોટરી કરાવેલો દસ્તાવેજ એ જાહેર દસ્તાવેજ નથી ગણાતો.

વર્ષો પછી આવા દસ્તાવેજો સામે વારસદારો ફરિયાદ કરે છે કેઃ (૧) દસ્તાવેજની જાણકારી નહોતી, (૨) દસ્તાવેજમાં ઠગાઈ થઈ, (૩) દબાણ હેઠળ હસ્તાક્ષર કરાવાયા

આવી સમસ્યાઓથી બચવા માટે જરૃરી છે કે, દસ્તાવેજ લિખિત, સ્પષ્ટ અને પજીકૃત હોવો જોઈએ. દરેક હકદારને સમાન હિસ્સાની માન્યતા હોવી જોઈએ અને સરકારના રેકોર્ડમાં નામકામી સમયસર થવી જોઇએ

૭/૧૨ ઉતારા-જમીનનો અસ્તિત્વનો આધારપત્રઃ ૭/૧૨ ઉતારા એટલે જમીનના માલિકી હક તથા ખેતીવાડી પ્રવૃત્તિની વિગત દર્શાવતો અગત્યનો દસ્તાવેજ. એમાં નીચેની માહિતી હોય છે.

(૧) જમીન નંબર અને ગામનો નામ, (૨) માલિકના નામ અને સહભાગી હિસ્સા, (૩) પાકની જાત અને સિંચાઇની સ્થિતિ, (૪) ખેતીકરનારનું નામ, (૫) ઉઘરાણી અથવા બાંધકામના હક

૭/૧૨ ઉતારાની નકલ મળી રહે એ માટે ગામની તલાટી કચેરી અથવા ''અન્યે વહીવટક રેકોર્ડ વેબસાઇટ પર જઈ ઇ-ધરા'' સેવા દ્વારા નકલ મેળવી શકાય છે.

પુત્રીઓનો ખેતરમાં વારસાનો હક-નકારી ન શકાય તેવી કાનૂની વ્યવસ્થા

૨૦૦૫ ના સુધારા પછી, પુત્રીઓ પણ પુત્ર જેટલાજ હકદાર છે પિતાની ખેતીવાડી મિલકતમાં. પુત્રીને લગ્ન પછી એ હક ખતમ થાય એવી માન્યતા કાયદેસર ખોટી છે. હિંદુ વારસા અધિનિયમ, કલમ ૬ (સુધારિત) અનુસારઃ

પુત્રીઓએ પણ પુત્ર જેટલો હક ધરાવવો જોઈએ અને તેને કાયદેસર વારસદારીના તમામ અધિકારો અને જવાબદારીઓ મળવી જોઈએ આથી પુત્રીઓ નો વારસાઈ મિલકત પરનો હક મૂળભૂત છે.

નિષ્કર્ષ

જમીન માત્ર ધરતીનું ટુકડો નથી એ તો ભવિષ્ય છે, ગુજારાનું સાધન છે. એવું ભવિષ્ય કે જેમાં કાયદાની સમજ વગર કંઈક ગુમાવવાનું ભય સતત રહે છે. સમાજને સાચા પાટા તરફ દોરવા, વારસાની હકની જાગૃતિ લાવવી અને વિવાદોથી બચવા માટે કાયદાની સમજ આવશ્યક છે. આ લેખના માધ્યમથી મારી નમ્ર અપીલ છે કે સૌરાષ્ટ્રના ભાઈબહેનો-કાયદાનું સન્માન કરો, જમીનની સાચી રીતે વહેંચણી કરો અને દરેક પગલું દસ્તાવેજી કરો. જમીન ક્યારેક પરિવારના જોડાણનું સૂત્ર હોય છે, તો ક્યારેક વિવાદનું કારણ પરંતુ એક કાયદેસર પંથ પર ચાલીએ તો ભવિષ્યના વિવાદો અટકાવી શકાય આજનું જાણવું એ આવતી પેઢી માટેનો ભવિષ્યરક્ષણ છે.

કાયદો જાણશો, તો જમીન પણ બચશો અને સંબંધ પણ.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh