Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉષા ઘરના વરંડામાં આરામ ખુરશીમાં આંખ બંધ કરી આરામ કરતી હતી અને અચાનક એક સુરીલો અવાજ આવ્યો, *ઉષા માં * ઉષાને એક સ્વપ્ન સમાન લાગતું હતું, એણે આંખ ન ખોલી. એ દરમિયાન ઉષાની દીકરી આશા બહાર આવી અને જોયું એક યુવક, એક કન્યા સાથે ઊભો છે, એ યુવકનો ચહેરો જોઈ આશાને પરિચિત લાગ્યો. બે ક્ષણ એ એની સામે જોઈ રહી પછી એકદમ આંખો પહોળી કરી બોલી *આદિત્ય...... કેટલા વખતે આવ્યો તું ? ક્યાં હતો ? અને અચાનક અહીં? અને સાથે આ કન્યા * એટલું બોલી વિચારવા લાગી કે આ કોણ હશે? એને જોયા પછી તરત બોલી *અરે હા આ તો બિંદી તારી બહેન, બેસ બેસ , તું અચાનક મમ્મીને જગાડું * એમ કહી એણે મમ્મીના ખભે હાથ મૂકી કહ્યું કે મમ્મી જો, કોણ આવ્યું ? ઉષાએ ઊંચે જોઈ તરત કહ્યું આદિત્ય... હમણાં જ મને ઊંઘમાં, તું બોલતો હોય એમ સંભળાયું તારી પ્રેમાળ શૈલીમાં *ઉષા માં* આદિત્ય કહે કે એ હું જ બોલ્યો માં , ઉષા ઘણા સમય પછી. આદિત્ય અને બિંદી ને જોઈ ખૂબ રાજી થઈ ગઈ.
આદિત્ય અને બિંદી બન્ને નામ ઉષા એ જ આપ્યા હતા.એ બન્ને નાના હતા ત્યારે ઉષાને મળ્યા હતા જ્યારે ઉષાએ નાસ્તાની શોપ કરી હતી , એ સમયે દીકરી આશા તો માત્ર બે વર્ષની હતી.ઉષા એને સાથે રાખતી એક ઘટાદાર વૃક્ષની નીચે પાંચ નાની શોપ હતી એમાં આ નાસ્તાની શોપ કરી હતી.ઉષાની જિંદગી જોઈએ તો ખ્યાલ આવે કે જિંદગી સાથે ઝઝૂમવું અને જીતવું કોને કહેવાય.માણસ સ્વીકારી લે કે મારે આમ જ જીંદગી સામે જંગ લડી જીવવાનું છે તો કોઈ તકલીફ ન પડે, બાકી કોઈ એમ વિચારી ઓશિયાળા મોઢા લઇ,*હું શું કરું? મારું શું થશે? કોઈ મારા પર દયા કરો* એવું વિચાર્યા કરે તો તમે જીવી રહ્યા અને જીતી રહ્યા. ઉષાએ સ્વીકારી લીધેલું કે મેં મારી આ પરિસ્થિતિ જાતે ઊભી કરી છે, આ સંપૂર્ણ પરિસ્થિતિ માટે જવાબદાર હું પોતે જ છું.
ઉષા આમ બહુ જ લાગણીશીલ. માં બાળપણમાં ગુમાવી અને પપ્પાએ બીજા લગ્ન કર્યા એટલે સાવકી માં ઘરમાં આવી. એને ઉષા સારી લાગે કે ઉષાને એ લાડ લડાવે માત્ર એને પોતાનું સંતાન થાય ત્યાં સુધી.પણ અહીં તો કેવું થયું કે સાવકી માં બાળક ધારણ કરી નહોતી શક્તિ. બહુ પ્રયત્નો કર્યા, કેટલાય ડોક્ટર કર્યા પણ નસીબ નહીં કે એની કુખે બાળક જન્મે. એ સાવકી માં ને હતાશા નો ગુસ્સો હતો જે ઉષા પર ઉતારતી. એ સતત કહ્યા કરે કે આ છોકરી ને કારણે સંતાન નથી થતું, અભાગણી છે. જન્મતા જ માં ને ખાઈ ગઈ. એના કારણે મારે બાળક નથી થતું. ઉષા ધીરે ધીરે સમજી ગઈ કે આપણે આમ જ જીવવાનું છે. પપ્પા કંઈ નવી પત્ની સામે બોલતા જ નહોતા, એમ કહેવાય કે બોલી શકતા જ નહોતા. એ ક્યારેક દીકરી ઉષાનું ઉપરાણું લેવા જાય એટલે તરત કહે *તમે તો બોલતા જ નહિ, આ છોકરીએ મારું જીવવું હરામ કરી નાખ્યું છે.ઉષાની જિંદગી આમ જવા માંડી , એટલું સારું છે કે આ સાવકીમાં એ એને ભણવા દીધી. ઘરના કામ માટે ભણવામાંથી ઉઠાડી ન મૂકી. બાળક ને જ્યારે ઘરમાં જ પ્રેમ,હૂંફ, વહાલ ન મળે ત્યારે એ બહાર શોધે અને એને જે કોઈ પ્રેમથી બોલાવે એ એને બહુ જ ગમે. આજુબાજુ એવા ઘણાં હતા. જે પ્રેમથી બોલાવે, બેસાડે જમાડે અને કામ પણ કરાવી લે. એમાં એક પાડોશી વડીલ હતા. જે હસ્તરેખા/જ્યોતિષ જોતા સહી કરાવી કે ચહેરો જોઈ સ્વભાવ ,વૃત્તિ, પ્રગતિ ,તકલીફો કહેતા. એ બધું શોખનું કરતા બાકી આમ તો વ્યવસાયે એન્જિનિયર હતા. કોઈ પૂછવ ા આવે તો સલાહ વિનામૂલ્યે આપતા ,આ બધું એમનો વ્યવસાય નહોતો. કોઈ પૈસાનું પૂછે તો કહેતા કે ભૂખ્યા ને અન્ન આપો,જરૃરિયાત વાળાને અંગ ઢાંકવા કપડાં આપો. હૃદયે માનવતા રાખો. એ ઉષા ને કહેતા કે દીકરી તારી જિંદગી સંઘર્ષ થી ભરેલી છે. બહુ જ હેરાનગતિ છે. તને વારંવાર એવું થશે કે હાશ હવે જીવન જીવવાની મજા આવશે. પણ એ મૃગજળ સમાન હશે.તારા જીવનના ચાલીસ માં વર્ષે તને શાંતિ મળશે. તું માનવતા ના કર્યો કરીશ અને એ દુઃખી લોકોના આશીર્વાદ તમારા પર રહેશે અને તને એને કારણે ચાલીસમાં વર્ષે.સુખ શાંતિ મળશે.
ઉષાને કોલેજના છેલ્લા વર્ષમાં એક છોકરા સાથે કૂણી લાગણી થઇ. એની સહેલી નો કઝીન યુએસ થી આવ્યો હતો. દિલ લાગી ગયું. ઉષા ને લાગવા માંડ્યું કે બસ હવે કોઈ મને સાચા હૃદયથી ચાહવા વાળું, લાગણી વરસાવવા વાળું મળ્યું.પણ એ ભૂલી ગઈ હતી કે વડીલે કહ્યું હતું કે *જે લાગવા માંડશે એ મૃગજળ સમાન હશે. જે છોકરા સાથે હૃદય લાગ્યું એની જાતિ જુદી જ હતી. ઉષાના માતા પિતાએ તો ના જ પાડી. પણ આ પ્રેમમાં ગળાડૂબ પ્રેમીઓ પરણી ગયા. પેલો છોકરો તુષાર તો યુએસ રહે સાથે તો લઇ ન જઈ શકે. એણે લગ્નના ફોટા વગેરે પુરાવાઓને આધારે વિઝા વગેરે કરવા માંડ્યું. વિસા ઘેર આવ્યા ત્યારે એની સાવકી માં ને ખબર પડી કે આ કાળમુખીએ પરાક્રમ કર્યું છે. આખું ઘ ર માથે લીધું. પિતાએ તો સોટી સોટીએ મારી અને કહ્યું કે નાલાયક , ના પાડી હતી તોય છાનામાના લગ્ન કરી લીધા અને હવે તું પરદેશ જઈશ.કાઢી મૂકી ઘરમાંથી.એની સખી એ સાચવી ,પેલા છોકરા તુષારે ટિકિટ વગેરેની વ્યવસ્થા કરી અને જતા પહેલા ઉષા માં બાપને મળવા ગઈ. પાપા અને સાવકી માં એ કહ્યું કે તું અમારા માટે મરી ગઈ છે. તારા નામનું નાહી નાખ્યું છે.હવે મોઢું નહિ દેખાડતી.
ઉષા યુએસ પહોંચી ગઈ. એ મૃગજળ સમાન સુખ દસ વર્ષ રહ્યું. એટલા સમય દરમ્યાન ઉષાએ જે સહન કર્યું છે. એ જ્યારે તુષાર ને પરણી ત્યારે સુખ નો દરિયો ઉમટશે એમ લાગ્યા કરતું હતું. જ્યારે વિમાનમાં બેઠી ત્યારે બસ સુખની ઉડાન ભરી રહી હોય એમ લાગ્યું , એ પહોંચી ત્યારે સરસ રીતે આવકારી. મોજમજા ખુબ થઇ વર્ષ વીતવા માંડ્યા પણ બાળક ન થયું.અનેક ઝઘડા ,મારપીટ અને અંતે છૂટાછેડા સુધી વાત પહોંચી. એટલું સારું હતું કે ત્યાં તુષારે ઘણા પૈસા આપવા પડે.દુઃખની વાત એ હતી કે છૂટાછેડા મંજુર થયા ત્યારે ખબર પડી કે ઉષા માં બનવાની છે.ત્યાં તો સોનોગ્રાફી થી જાણી શકાતું હતું. દીકરી હતી. તુષારે કહ્યું નથી જોતું કંઈ , ચાલી જા. એને છુટા થવાન ા એક એપાર્ટમેન્ટ અને ઘણા બધા પૈસા મળ્યા. ઉષા અલગ રહી. એક સેવા સંસ્થા સાથે જોડાઈ અને એ લોકો શનિ રવિ માં ગરીબ લાચાર વ્યક્તિઓને સાંજે જમવાનું આપતા હતા. એ લોકો પહેલા હોટલમાં ઓર્ડર આપી , પૈસા ચૂકવી બનાવડાવતાં હતા . ઉષાએ કહ્યું કે હું ઘરે બનાવું ને , પૈસા મને આપો. એ સંસ્થાએ એમ કર્યું પૈસા ઓછા, વસ્તુ વધુ બને અને ઉષા ને કમાવા મળે, બધું સરસ થયું. એમ કરતા કરતા એણે દીકરીને જન્મ આપ્યો. જીવન જીવવાની એક નવી આશા જન્મી એટલે નામ રાખ્યું આશા .એ બે વર્ષની થવા આવી ત્યાં સુધીમાં એની પર તુષાર અને એના સગાઓએ બહુ ત્રાસ ગુજાર્યો. એ સંસ્થાના એક અગ્રણીની સલાહથી એણે નક્કી કર્યું કે ભારત પાછી જાઉં.
એ આવી ગઈ મુંબઈ એરપોર્ટ પર. પણ જાય ક્યાં? માં બાપ તો રાખવાના નહોતા.એક તો વણજોઈતી હતી, બીજું એમની ના પર આ પગલું ભર્યું અને ત્રીજું દીકરી લઈને આવી. ક્યાં જાય? એટલે એના શહેર તો ગઈ જ નહિ. પહોંચી મુંબઈથી દક્ષિણ ભારત .ત્યાં ગુજરાતી સમાજ હતો ત્યાં જય સલાહ લીધી એ લોકોએ બહુ જ સરસ સહયોગ આપ્યો. એક એપાર્ટમેન્ટ લઇ આપ્યું. ઉષા ત્યાં રહેવા લાગી.પૈસા પુષ્કળ હતા. ડોલર જ ઘણા મળ્યા હતા. પછી એના રૃપિયા કેટલા બધા હોય? ઈશ્વરની એટલી કૃપા કહો કે જે કહો તે ,બધા સહકાર બહુ આપતા હતા, નિસ્વાર્થ ભાવે. એણે એક નાની શોપ લઇ ત્યાં સવારે ગરમ નાસ્તા અને અગિયાર પછી જમવાનું સંપૂર્ણ ગુજરાતી. લોકોને ગમવા અને ભાવવા માંડ્યું. એમાં એ ણે એક નિયમ રાખ્યો કે કોઈ ગરીબ ભૂખ્યા આવે એને વિનામૂલ્યે આપવાની , એક બાજુ એણે ટેબલ ખુરશી રાખેલા.બીજા ખાવા આવનારને સૂગ ન ચડે એ માટે અલગ. કોઈ એવું આવે એને પ્રેમથી બેસાડે અને ખવડાવે. લોકો એ વાતની પ્રસંશા કરતા હતા અને અમુક તો કહેતા કે બહેન આ સારું કરો છો ,એક કામ કરો અહીં એક ડબ્બો રાખો એના પર લખો ભુખ્યાને અન્ન આપવા દાન પેટી. બસ અમે મદદ કરશું જેને જે મરજી પડે એ નાખશું. અરે વાહ આ તો સોનામાં સુગંધ.
એક દિવસ ત્યાં એક નાનો સાત વર્ષનો છોકરો.પગ રીક્ષા ચલાવતો નીકળ્યો. એને ભૂખ લાગી હતી અને એની નજર પડી પણ માગે કેમ? જોયા કરે ઉષાએ જોયું કે આ બાળક ભૂખ્યો છે પણ માગી નથી શકતો. એ આ તરફ જોવે છે પછી પગ રીક્ષા માં જોવે છે. આશા વિચારે કે શું છે? એણે બાળકને બોલાવ્યો.અને પૂછ્યું જમવું છે? બાળકે હા પાડી , ઉષાએ ફટાફટ ડીશ તૈયાર કરી અને કહ્યું બેસ આ ટેબલ પર. એણે ના પાડી અને આંખમાં હળવા ખુશીના આંસુ સાથે પોતાની પગ રિક્ષા તરફ દોડ્યો. ઉષાએ જોયું કે એ કોકને જગાડે છે, એક નાનકડી દીકરી ઉભી થઇ. એ છોકરો કહે લે બહેન જમવાનું , આશા વિચારે એક ડીશ માંથી બે શુકામ? એ ગઈ ત્યાં અને બન્નેને લઇ ટેબલ પર બેસાડ્યા અને બેયને જમાડ્ યા. જમ્યા પછી બન્ને ભાઈ બહેન શાંતિથી બેઠા. ઉષાએ એની દીકરીને શોપમાં પાછળ દીકરી આશા ને સુવડાવી હતી ત્યાં પેલી નાની દીકરીને સુવા કહ્યું એ દીકરી સુઈ ગઈ.
ઉષાએ પૂછ્યું બાળકને ક્યાં રહે છે. માં બાપ ક્યાં? ત્યારે એણે કહ્યું અમે બે વર્ષ પહેલા આ તરફ ફરવા આવેલા અને એક નાના સ્ટેશન પર માં બાપ થી છુટા પડી ગયેલા. ત્યાં એક વડીલ અમને બીજા શહેર લઇ ગયા.અને પછી ત્યાંથી એક મજુર જેવા વડીલ અમને અહીં લઇ આવ્યા. એમની સાથે રાખે છે. એ બહુ જ બીમાર છે એટલે મારી બહેનને લઇ હું આ મજૂરીમાં નીકળું છું. ઉષા ને થયું કેવી લાચારી. સારા ઘરના બાળકો નિરાધાર થઈ ગયા. ઉષાએ કહ્યું હવે તમે બે અહીં જ રહો મારી સાથે . તારી બહેન મારી દીકરી સાથે રમશે ભણશે. તું પણ ભણજે મને મદદ કરજે.તારા માં બાપ તો તમને શોધતા જ હશે.ઉષાએ જ એ દીકરાનું નામ આદિત્ય રાખ્યું અને દીકરીનું બિંદી.આ બન્ને વિશે ઉષાએ નજીકના પોલીસ સ્ટેશનમાં લખાવી દીધું કે કોઈ શોધતા આવે. આ બાળકો મારી પાસે અહીં છે.આ બન્ને ભાઈ બહેન ઉષાને ઉષા માં જ કહેતા હતા. એ મોટા થવા મંડ્યા.ઉષાની દીકરી પાંચ વર્ષની થઇ , ત્રણ વર્ષમાં એકમેક સાથે ભળી ગયા. આદિત્ય બિંદી અને આશા બન્નેનું ધ્યાન રાખે એ દરમ્યાન જ આ આદિત્ય બિંદીના માં બાપ ને પોલીસ લઈને આવી. ઉષાએ લખાવ્યું હતું એ મુજબ પોલીસ લઈને આવી. અને માં બાપ બાળકો નો ભેટો થયો ઓલ માં બાપે ઉષાનો ખુબ આભાર માન્યો અને દીકરા દીકરીને લઈને ગયા. આશા આદિત્ય બિંદી છુટા પડતા ભેટીને ખુબ રોયા. ઉત્સાહ ને આનંદ હતો કે વિખુટા પડેલા બાળકો માં બાપ મળ્યા.
એ પછી તો ઉષાની શોપ મોટા રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગઈ , ખૂબ વખણાવા માંડી.એ જગ્યાએ આજુબાજુની શોપ્સ લઇ સળંગ *આશા ડાઇનિંગ* થઈ ગયું. ઉષાએ સરસ ટેનામેન્ટ લીધું. હવે આશા મોટી થઇ ગઈ ભણી લીધું અને રેસ્ટોરન્ટ સાંભળતી હતી. એક સવારે ઉષા આરામ ખુરશીમાં બેઠા હતા અને અવાજ આવ્યો ઉષા માં! આશા પણ દોડતી આવી અને ઉષા એ પૂછ્યું કે બંને કેટલા મોટા થઈ ગયા? બન્ને ભાઈ બહેને ઉષા માં ના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે માં બિંદી ના લગ્ન છે. મમ્મી પપ્પા આવે જ છે. તમને આમંત્રણ આપવા આવ્યા છીએ.એટલી વારમાં આદિત્ય બિંદી ના માં બાપ આવ્યા .એમણે કહ્યું કે આ બાળકો ઉષા માં ને ભૂલ્યા નથી. અહીંથી ગયા પછી અમે એમના નામ આદિત્ય બિંદી જ કરી નાખ ્યા. આજે બન્ને ભણી રહ્યા. બિંદી માટે ડોક્ટર છોકરો મળી ગયો. ઉષા કહે કે આદિત્ય મોટો છે એના લગ્ન થઇ ગયા? એ લોકો કહે ના, એને હમણાં નથી પરણવું એ તમારે ત્યાં તૈયાર થયો એટલે એને હોટલ મેનેજમેન્ટ ભણવું હતું. એને આ જ કરવું છે. પહેલા કોઈ હોટલમાં નોકરી કરશે પછી કાંઈક પોતાનું કરશે.ત્યાં કન્યા શોધી શું.અત્યારે બીંદી નું સારું મળ્યું છે તો કરી લઈએ. ઉષા કહે એક વાત કહું? બધું ઘરમાં રહે એવું વિચારીએ. એને આ જ કરવું છે. મારી દીકરી આશાને પણ આ જ વિચાર છે. કેમ ન આપણે સંબંધ બનાવીએ? હું નિવૃત્ત થઈ નિશ્ચિંન્ત થઇ જાઉં. આદિત્યના માં બાપ તો ધન્ય થઇ ગયા. તરત સ્વીકારી લીધું. આશા શરમાઈને અંદર ચાલી ગઈ.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial