Advertisement
Author: નોબત સમાચાર

એનડીએમાં ૩૮ રાજકીય પક્ષોઃ સાંજે સહયોગી દળોની નિર્ણાયક બેઠક

વિપક્ષી મહાગઠબંધનમાં ર૬ પાર્ટી જોડાઈ છેઃ અનેક નક્કી થશે મહત્ત્વના મુદ્દા

નવી દિલ્હી તા. ૧૮ઃ આજે બેંગલુરૃમાં વિપક્ષી દળોની બેઠકનો બીજો દિવસ છે, જ્યારે બીજી તરફ એનડીએની આજે સાંજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ૩૮ રાજકીય પક્ષો સામેલ થવાના છે, જે વિપક્ષી મહાગઠબંધનથી ૧ર વધુ છે.

ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સહયોગી દળોની બેઠક બોલાવી છે. આમાં ૩૮ પાર્ટીઓ ભાગ લેશે. આ સંખ્યા વિપક્ષની એક્તા કરતા ૧ર વધુ છે. બીજી તરફ બેંગલુરૃમાં વિપક્ષી પાર્ટીઓની એક્તા બેઠકનો આજે બીજો દિવસ છે. આમાં ર૬ પાર્ટીઓ ભાગ લઈ રહી છે. એનડીએની બેઠકને વિપક્ષની એક્તા સામે તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. એનડીએના ૩૮ પક્ષોમાંથી ૧૩ પક્ષો એવા છે જેમની પાસે લોકસભામાં એક પણ બેઠક નથી.

ગઈકાલે બેઠક વિષે માહિતી આપતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ યુપીએ ગઠબંધનને ભાનુમતીનું કુળ ગણાવ્યું અને કહ્યું, તેમની પાસે કોઈ નેતા નથી, કોઈ ઈરાદો નથી, કોઈ નીતિ નથી અને નિર્ણય લેવાની શક્તિ નથી. આ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું ટોળું છે.

એનડીએની બેઠક સાંજે પ વાગ્યાથી દિલ્હીની અશોકા હોટલમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં એનડીએના જુના સહયોગીઓ અલગ થઈ ગયા છે. તેમાં કર્ણાટકમાં જનતા દળ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સમાવેશ થાય છે.

જો કે, એકનાથ સિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી એનસીપી, ઉત્તરપ્રદેશમાં ઓપી રાજભરની સુભાસપા, બિહારમાં જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. આ સિવાય પૂર્વતર રાજ્યોના કેટલાક નાના પક્ષો પણ એનડીએની બેઠકમાં ભાગ લઈ શકે છે. જેમાં ત્રિપુરાના ટીપરા મોથા પાર્ટીના પ્રદોત્ય વિક્રમ માણિક દેવ વર્માનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાન પિતા રામવિલાસના એકમાત્ર અનુગામી તરીકે જોડાશે. બીજેપી ચિરાગ દ્વારા લોકસભા ચૂંટણીમાં બિહારના ૪.પ ટકા દુસાધ અને પાસવાનને મદદ કરવાનો પ્રયાસ કરશે. ભાજપને આશા છે કે હિન્દુસ્તાની આવામ મોરચાના જીતન રામ માંઝીના જોડાવાથી મહાદલિતોના મત પણ તેમના પક્ષમાં આવી શકે છે. વિકાસશીલ ઈન્સાન પાર્ટીના મુકેશ સાહનીના આવવાથી બોટમેન, માછીમારો અને ખેડૂતોના મત ભાજપની તરફેણમાં આવી શકે છે.

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આ સ્તરની એનડીએની આ પ્રથમ બેઠક છે. આ આવતા વર્ષે એપ્રિલ-મેમાં અપેક્ષિત લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય ગઠબંધન ભાગીદાર તરીકે શાસક પક્ષની અંદરની આવશ્યક્તાઓને રેખાંકિત કરે છે. ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ઘણી બેઠકો પર પ્રાદેશિક પક્ષો ચોક્કસ પ્રદેશ અથવા જાતિમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ બન્ને રાજ્યોમાં લોકસભાની ૧ર૦ બેઠકો છે. લોકસભામાં સતત ત્રીજી બહુમતી મેળવવા માટે ભાજપે નવા સહયોગીઓને સમાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યોમાં વિપક્ષી જુથને નબળું પાડવાનું કામ પણ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષી એક્તા ભારતીય રાજકીય પરિદૃશ્ય માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જેઓ વિપક્ષી પાર્ટીઓને એકલા હાથે હરાવવાની વાત કરતા હતાં તેઓ હવે એનડીએમાં નવું જીવન ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અચાનક એનડીએની યાદ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, એનડીએમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનડીએ વિશે કોઈ વાત થઈ નથી. અચાનક છેલ્લા કેટલાક દિવસોથી આપણે તેના વિશે સાંભળી અને વાંચીએ છીએ. અચાનક સમાચાર મળ્યા કે એનડીએની બેઠક બોલાવવામાં આવી છે.

તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે, 'રાજકીય પક્ષો સ્પષ્ટપણે બેંગલુરૃ બેઠક માટે એજન્ડા નક્કી કરી રહ્યા છે. જ્યારે ભાજપ પ્રતિક્રિયા આપી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે એનડીએના આઠ સહયોગીઓ પાસે એક પણ સાંસદ નથી, નવમાં એક-એક સાંસદ છે અને ત્રણ પાસે બે-બે સાંસદ છે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh