Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આંગણે છઠ્ઠા 'ટેકફેસ્ટ ફેર' મહા ઔદ્યોગિક મેળાનો આવતીકાલથી પ્રારંભ

ર૬પ થી વધુ સ્ટોલ્સમાં ઉદ્યોગ સાહસિકો અને અતિ આધુનિક ટેકનોલોજી જોવા મળશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. (દરેડ) દ્વારા આવતીકાલ તા. ૭-૧-ર૦ર૬ થી તા. ૧૦-૧-ર૦ર૬ સુધી ચાર દિવસ માટે છઠ્ઠા 'ટેકફેસ્ટ ફેર' મહા ઔદ્યોગિક મેળાનું આયોજન રાજકોટ-ખંભાળિયા બાયપાસ રોડ પર જીઆઈડીસી ફેસ-૩ માં કરવામાં આવ્યું છે.

આ મેગા આયોજન અંગે વિસ્તુત વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં એસો.ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે સૌનું સ્વાગત કરી ઔદ્યોગિક મેળાના આયોજન અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.

જ્યારે મેળાના ઈવેન્ટ કો-ઓર્ડિનેટર પરેશભાઈએ આ ઔદ્યોગિક મેળો એક અનોખો ઈવેન્ટ બની રહે તેમ જણાવ્યું હતું. આ વર્ષે ર૬પ થી પણ વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે જે ગત્ વર્ષની સરખામણીમાં ૩પ ટકા વધારો છે. એટલું જ નહીં, આ વર્ષે મેળાની મુલાકાતે આવનારનું પણ ખૂબ જ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું છે, જેમાં ક્રીમ વિઝીટર્સની સંખ્યા નોંધપાત્ર છે. આ મેળામાં ફાઉન્ડ્રીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વર્ષે મેળાનું આયોજન વિશ્વ સ્તરે યોજાતા મેળા સમકક્ષ બનાવવા અતિ આધુનિક ડોમ સહિતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ તકે એસો.ના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આભારદર્શન જીગ્નેશભાઈ લાવટીએ કર્યું હતું.

આ ચાર દિવસીય મહાકુંભમાં દેશભરના ખ્યાતનામ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે., જેઓ ર૬પ જેટલા સુસજ્જ સ્ટોલ્સમાં પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને અત્યાધુનિક મશીનરીનું લાઈવ પ્રદર્શન કરશે, જેથી સ્થાનિક ઉદ્યોગકારોને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય ટેકનોલોજી નિહાળવાની તક મળે.

જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. (દરેડ) નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રદર્શન યોજવાનો નથી, પરંતુ જામનગરના વર્ષો જુના ઉદ્યોગોને નવીનત્તમ ટેકનોલોજી અંગે સચોટ માર્ગદર્શન પૂરૃં પાડીને તેમનું આધુનિકિકરણ કરવાનો છે. આ ભગીરથ કાર્યમાં એસો.ને સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડિયા જેવી પ્રોફેેશનલ એજન્સીનો સહયોગ સાંપડ્યો છે. જેના કારણે સમગ્ર આયોજન અત્યંત વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહ્યું છે. આ મેગા ઈવેન્ટમાં ઉદ્યોગ સાહસિકોને માત્ર મશીનરી જ નહીં, પરંતુ ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો, ગુણવત્તામાં વૃદ્ધિ અને ખર્ચમાં ઘટાડો કેવી રીતે કરી શકાય તે અંગેની નવી દિશાઓ પણ મળી રહેશે. આ એક એવું પ્લેટફોર્મ સાબિત થશે જ્યાં જુની પેઢીના અનુભવ અને નવી પેઢીની ટેકનોલોજીનો સુમેળ સધાશે, જે આખરે જામનગરના અર્થતંત્રને એક નવી મજબૂતી પ્રદાન કરશે.

આ મેગા ઈન્ડસ્ટ્રીઝ ફેરની વિશાળતા અને ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ આયોજનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ તેમજ વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે, જેમાં ખાસ કરીને ગુજરાત પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ, ઈન્ડસ્ટ્રીઓ એકસટેન્સન બ્યૂરો, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઈ., ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ધી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિર્મિેડ અને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસો. ગુજરાત જેવી ટોચની સંસ્થાઓ સામેલ છે. તદુપરાંત સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસો., જામનગર એક્ઝીમ મેટલ મર્ચન્ટ એસો., સાપર વેરાવલ ઈન્ડસ્ટ્રીયલ એસો., લોધિકા ઈન્ડસ્ટ્રીયલ એસો., શ્રી જામનગર સહકારી ઉદ્યોગ સંઘ લિમિટેડ, લઘુ ઉદ્યોગ ભારતી-જામનગર અને છેક સુરતથી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પણ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઈન્ડસ્ટ્રી કમિશનર-ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ મહત્ત્વપૂર્ણ સહયોગ મળી રહયો છે, જે દર્શાવે છે કે સરકાર પણ લઘુ ઉદ્યોગોના વિકાસ માટે કેટલી કટિબદ્ધ છે.

ટેક ફેસ્ટનું ભવ્ય ઉદ્ઘાટન આવતીકાલે સવારે ૯-૩૦ કલાકે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આધ્યાત્મિક અને રાજકીય જગતના દિગ્ગજો એક મંપ ચર જોવા મળશે. આ પ્રસંગે પ-નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજના પાવન સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય થશે. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમ અને જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા ઉપસ્થિત રહીને ઉદ્યોગકારોનો ઉત્સાહ વધારશે.

આ ઉપરાંત આ ગરિમાપૂર્ણ પ્રસંગે ૭૭-જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, કાલાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને ૭૯-જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

આ વિશાળ સ્તરના આયોજનને સફળ બનાવવા માટે એસોસિએશનના હોદ્દેદારો છેલ્લા ઘણાં સમયથી રાત-દિવસ જહેમત ઊઠાવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમના સુચારૂ સંચાલન અને સફળતા માટે એસો.ના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ જી. પટેલ, મંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી અને ખજાનચી જીતેનભાઈ કે. શાહ પોતાની આગવી સુઝબુઝથી નેતૃત્વ પૂરૃં પાડી રહ્યા છે. આ સાથે જ ટેક ફેસ્ટની વિશેષ જવાબદારી સંભાળી રહેલા ઈવેન્ટ ચેરમેન અશોકભાઈ કાછડિયા, જોઈન્ટ ઈવેન્ટ ચેરમેન પરેશભાઈ હરપાલ, ઈવેન્ટ વાઈસ ચેરમેન પરેશભાઈ વાધર, ઈવેન્ટ જોઈન્ટ વાઈસ ચેરમેન અશોકભાઈ દોમડિયા અને ઈવેન્ટ મંત્રી પિયુષભાઈ પાંભર તથા સંસ્થાના તમામ કારોબારી સદસ્યો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, જેથી જામનગરના આંગણે યોજાઈ રહેલો આ ઉત્સવ ઔદ્યોગિક જગતમાં એક નવો ઈતિહાસ રચી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh