Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"અરે આ મૂરખને કોઈ સમજાવો કે આ ગરમીમાં થ્રી પીસ શૂટ ન પહેરાય." ચુનિયાની આ વાત મને વ્યાજબી લાગી. પરંતુ જ્યારે મેં જાણ્યું કે એના લગ્ન છે એટલા માટે શુટ પહેરવાનો આગ્રહ રાખે છે. ત્યારે ચુનિયાને મેં કહ્યું કે 'ખરેખર તો મોટી વસ્તુ માટે ના પાડતો નથી અને આવડી નાની વાત માટે તું ના પાડે છે તે પણ વ્યાજબી નથી' નુકસાન સૂટ પહેરવાથી ઓછું થાય જેટલું લગ્ન કરવાથી થાય છે. ચુનિયાએ ઊંડો નિસાસો નાખી અને કહ્યું કે જેમાં રોકી શકાતા હોય તે જ પ્રયત્ન કરવા. કોઈના બાપનું કોઈ માન્યા છે કે આપણી લગ્ન ન કરવાની વાત કોઈ માને? અને અત્યારે લગ્નગાળો કેવો છે? મેં કહ્યું કે લગ્નગાળો છે, બરાબર પરંતુ આ ગરમીમાં સગાવહાલાઓને જો વ્યવસ્થિત ન સાચવો તો લગ્નમાં 'ગાળો' વધારે મળે છે. ખરેખર તો ઉનાળામાં સદરો પહેરીને ફરવાનું મન થતું હોય ત્યારે ચુનિયાની ત્રણ પીસ સુટ માટેની વાત સાચી લાગી.
હમણાં હમણાં બે-ત્રણ કૌટુંબિક લગ્નમાં જવાનું થયું એટલે ઘણો બધો માલ મસાલો મગજમાં નાખીને આવ્યો. આખા લગ્ન દરમિયાન સર્વપ્રથમ જેની શરૃઆત થાય એ જમવાની થાળી ઉપર મેળાવડાની શરૃઆત થાય. શિયાળો હોય તો ખાવાની મજા આવે અને ખાધા પછી પણ આકુળ-વ્યાકુળ ન થવાય પરંતુ ઉનાળામાં જો બે-પેટ ખવાય ગયું હોય તો ક્યાં જઈશુ એમ થાય. છતાં પણ લોકો નાનકડી થાળી માં દસ વસ્તુ લઈને નીકળે જાણે બીજી વાર મળવાનું જ હોય ઘણા સગા વહાલા તો ખાવા નહીં પણ ખાતર પાડવા આવ્યા હોય તેવી રીતે વર્તે. બે માણસનું ખાય અને ચાર માણસનું બગાડે. જાન ૫ઃ૦૦ પહોંચાડવાની હોય તો ઘરઘણી બધાને ત્રણ વાગ્યામાં તૈયાર થવા માટે રૃમે રૃમે ફરી અને ધમકાવતા હોય માંડ કરી અને પાંચ વાગ્યે તો વરરાજો તૈયાર થઈ અને નીચે ઉતરે પણ હજી જાનૈયાઓના ઠેકાણા ન હોય કારણ લાલી લિપસ્ટિક બાકી રહી ગયા હોય. અને ભૂલેચૂકે પણ જો વરરાજાની ગાડીને સેલ્ફ મરાઈ ગયો હોય તો જાનૈયાના મોઢા બગડે. મોટા ઉપાડે લગનમાં બોલાવ્યા છે પણ પાંચ મિનિટ રાહ નથી જોઈ શકતા. જેટલા જાનમાં હોય તેનાથી વધારે તો મોઢા બગાડીને બેઠા હોય, વાતે વાતે વાંકુ પાડવું તે તો સગાવહાલાઓ નો સ્વભાવ બની ગયો હોય છે. વરઘોડામાં નાચતા-કૂદતા જાતા હોય વરરાજો એમ વિચારતો હોય કે હવે વહેલા પહોંચીએતો સારું પરંતુ નાચવા વાળા ને કેમ જાણે આ છેલ્લો પ્રસંગ હોય એવી રીતે વરરાજાની ગાડી ને આગળ ચાલવા જ ન દે. એક કલાક મોડા પહોંચે અને ત્યાં પણ દરવાજા પાસે એટલું બધું નાચે કે સામેવાળા એકવાર તો એમ વિચારી લે કે ચાલો એકાદ ઊંઘ કરીને આવીએ ત્યાં સુધીમાં નાચવાનું પતી જશે.
આજકાલ ગોર મહારાજો મળવા પણ સહેલા નથી. મહામહેનતે એક ઓછુ સાંભળતા મહારાજ મળી ગયા હોય અને એ પણ મેલુ ઘાણા જેવું ધોતિયુ પહેરી અને માથે કલરફુલ જબ્બો ઠઠ્ઠાડી અને વિધિ કરાવવા આવી ગયા હોય. પણ મોઢામાં સતત કેસરના દમ વાળી પડીકી ભરાવી અને બેઠા હોય. એમાં કોઈ કહે કે જાન આવી ચાલો વિધિ કરાવવા એટલે મોઢા માંથી પિચકારી મારે પરંતુ અહીં જુબા કેસરી નહીં પરંતુ થુંકતા ન આવડતું હોય એટલે જભ્ભા કેસરી થયાં હોય. માંડ કરી અને વરરાજો અંદર આવે એટલે એક જુદા રૃમમાં કોઈ આતંકવાદી ઝડપાયો હોય એમ વરરાજાને એક આઇસોલેટેડ રૃમમાં બેસાડી દેવામાં આવે અને કમિશનર જેવા પપ્પા અને લેડી પીએસઆઈ જેવા મમ્મી આવીને એક મોટું મુખપત્ર વાંચી જાય કે આમ કરવાનું આમ નહીં કરવાનું ને એમાંય પાછું એ બન્નેને બોલવાનું થાય એટલે એક મિનિટ તો વરરાજાને ભાગી જવાનું જ મન થાય અને મનમાં ભાવો નીકળે ''આ લોકોને પણ શાંતિ નથી મારો મરો પાક્કો છે* ત્યાં તો ઉલાળા મારતી અને લગ્ન કરવા મજબૂર કરે એવી દુલ્હનની સગી સાળી આવી ને જીજાજી જીજાજી કરી ને ૫-૬ વાર મસ્કા મારી જાય. ત્યાં તો જીજાજીને અને સ્વર્ગ ને એક વેંત નું જ છેટું રહે. સાથે સાથે થોડો ઊંડો વસવસો પણ રહે કે આ કન્યા જોવા ગયો હતો ત્યારે આ બધી ચિબાવલી ઓ ક્યાં હતી? આવા લગ્નોમાં એક બે સગા એવા હોય જેને વરરાજા કર તા પણ જાજી ઉતાવળ હોય અને રૃમમાં આવી ને બે ત્રણ વાર કહી જાય કે ''હાલો હાલો હવે કેટલીવાર છે? મુહૂર્ત નીકળતું જાય છે* અમારે એક કુટુંબમાં લગ્નમાં જવાનું થયું હતું ત્યારે આવી જ રીતે એક ભાઈ કોટ બૂટમાં સજજ આવી ને બે બે મિનિટે કહી જાય ''હાલો હવે મુહુર્ત જાય છે'' મને છેટ રિસેપ્શનમાં ખબર પડી કે એ તો દુલ્હનના માસીના બેનના વહુનાં સગા સાળાના બનેવીના ભાઈ હતાં. એમાંય પાછી વરરજા તૈયાર થાય પાછળ બેન રાહ જોતી હોય કે આખી જિંદગી મારવા નથી દીધું આજ તો નજર ઉતારવાનાં બહાને ભાઈ ને બે ચાર ધબા મારી લઉં.દરેક લગ્નમાં વર પક્ષે બે ત્રણ હરખ પડુદા હોય જ જે કન્યા પક્ષમા કન્યાની બહેન ઉપર નજર રાખતા હોય.
અહીંયા લગ્ન ચાલુ હોય ત્યાં આવા લોકો છેટ હનીમૂન સુધી પહોંચી ગયા હોય. પ્રકાશવર્ષની ગતિ કરતાં પણ વધારે ઝડપી વિચારવાળા આવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ તમને હરેક લગ્નમાં મળી. જ જાય. એને એ ગોતવા ન પડે વરતાય આવે. આમ માંડ ગતી આવી હોય ત્યાં કોઈક આવી ને આવા લોકોના કાનમાં કહી જાય ''ચાલો હવે વરરાજા હમણાં મોજડી કાઢશે એને કઈ રીતે ક્યાં અને ક્યારે સંતાડવાની છે?'' અને આ બાજુ કન્યા પક્ષે વાત ચગે ''કે ચાલો હવે વરરાજો મોજડી કાઢશે ક્યાંથી કોને આંખ મારી અને ઘાયલ કરી કઈ રીતે ક્યાં બકરાને વર પક્ષેથી ઉપાડવાનો છે..?'' લગ્ન દરમ્યાન બન્ને પક્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી ગંભીર ચર્ચાઓ ચાલતી હોય અને એક ખુફિયા ષડયંત્ર ને અંજામ અપાય બન્ને પક્ષે ગડમથલ હોય કે એક એમ વિચારે કે અમે સંતાડીને રાખશું ક્યાં અને બીજી પક્ષે એ કે અમે ચોરશું કેમ? ને એક ઘડી આવે કે બંને પક્ષોના શૂરવીરો ખુલ્લી તલવારો સાથે સામસામે આવે અને આંખોથી પહેલા બાકાઝિકી બોલે અને પછી એકબીજા પર શબ્દોના તીર ચાલે. મોજડી ચોરાય અને સાળીઓ કમાય પણ ખરી. વરરાજા એમ માને કેટલી ઢોળાય છે પણ ખીચડીમાં છે ને.
આડે પાટે ચડી ગયો પણ કહી દઉં કે ઉનાળામાં કરેલા લગ્ન યાદ બહુ રહે છે. કેવા કારણથી તે તમે જાણો.
વિચારવાયુ ઃ સુખી થવું હોય તો જિંદગીમાં બે વસ્તુ ન કરવી લવ મેરેજ, એરેન્જ મેરેજ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial