Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ શાંતિ અર્થે જગતમંદિર સુધી મૌન રેલીઃ માયાભાઈ આહિરે પીરસ્યો લોકસાહિત્યનો રસથાળઃ
દ્વારકા તા. રપઃ દ્વારકાના નંદનવનમાં અભૂતપૂર્વ એવો પ૦ હજાર આહિરાણીનો મહારાસ યોજાયો હતો. વિશ્વ શાંતિ અર્થે જગતમંદિર સુધી મૌન રેલી પછી આ મહારાસ કૃષ્ણાર્પણ કરાયો હતો. આ પ્રસંગે લોકસાહિત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
દ્વારકાની નગરી ગઈકાલે આહિર સમાજના મહારાસના ભવ્યાતિભવ્ય ઉત્સવને લઈને ગોકુળિયું ધામ બની ગઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ઉપર ગઈકાલે વહેલી સવારે એ.સી.સી. કાું.ના વિશાળ ગ્રાઉન્ડ ઉપર પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં એકસો એકરની જમીન ઉપર ૬૮ રાઉન્ડની ગોલાઈમાં દેશ-વિદેશ અને ખાસ કરીને ગુજરાતના આહિર સમાજના પ૦ હજાર જેટલી મહિલાઓએ તેમના ભાતીગળ પહેરવેશ તથા સૂવર્ણ અલંકારો પરિધાન કરી મહારાસ રચ્યો ત્યારે સમગ્ર દ્વારિકા નગરીમાં ભાવભક્તિ શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. નગર, મહોલ્લાઓ અને જાહેર સ્થળો ઉપર માત્ર ને માત્ર માનવ સાગરની ઉમટી પડેલો આહિર સમાજ જ નજરે જોવા મળ્યો હતો.
સૂર્યોદયના નમસ્કાર સાથે બ્રહ્મ મુહૂર્તમાં આહિરાણીઓએ જ્યારે સમૂહ રાસ કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની પ્રચલિત ગીતો અને જય મુરલીધરનો નાદ્ ગૂંજી ઊઠ્યો હતો. અમે આહિર એક લોહિયાના સંગઠિત બુલંદ અવાજ સાથે ત્રણ કલાકનો આ મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ થયો છે. એવો અહેસાસ સૌ યાદવ સમાજે વ્યક્ત કર્યો હતો.
મહારાસની ફળશ્રૂતિ થયાના આહિર સમાજના અહેસાસ પછી આ પટાંગણમાં આહિર સમાજને આશીર્વાદ સંપન્ન કરવા ઉપસ્થિત દ્વારકા શારદાપીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજના શિષ્ય નારાયણાનંદ બ્રહ્મચારીજીએ ધર્મ-કર્મ અને સેવાના સમન્વય સમાન આ મહામય મહારાસના લાખોની સંખ્યામાં ઉપસ્થિત આહિર સમાજને ભગવાન દ્વારકાધીશ અને માતા રૃક્ષ્મણીજીના આશીર્વચન પાઠવતા જણાવેલ કે સમાજમાં કોઈપણ વસ્તુ હોય, ભાઈ ભાઈનો ઝઘડો હોય, કોઈપણ સમાજમાં ઝેર હોય તે વર્તમાનમાં હોવું ન જોઈએ. આપણે વેપાર, ઉદ્યોગ, નોકરી કોઈપણ સાથે સંકળાયેલ હોઈએ ત્યારે આપણા સમાજમાં રહેલ ઝેરની નષ્ટ કરવું જોઈએ. આજનો મહારાસ ભગવાન દ્વારકાધીશને સન્મુખ ગોપીઓ સાથે ભ્રમણ કરી રહ્યો હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ભગવાન આપ લોકોમાં ખાસ કરીને બહેનોમો શક્તિનું પ્રમાણ કળિયુગમાં સંપ કરનાર દરેક સમાજ હંમેશાં શત્રુઓ સામે ટકી રહે છે. દ્વાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણનો વાસ હતો ત્યારે દ્વારકાપુરી સાથે સ્વર્ગલોકના દેવતાઓ પણ લડવાનું વિચારતા નહોતા. આજે આહિર સમાજ જે રીતે એક સાથે રહે છે તેમ દરેક સમાજે રહેવું જોઈએ અને ઘરમાં કૈલાસ બનાવવું જઈએ. જે ઘર કૈલાસ હોય ત્યાં શાંતિ હોય- જે ઘર વૈકુંઠ હોય ત્યાં શાંતિ હોય, દ્વારકામાં ક્યારેય આપણે અશાંતિનો વાસ જોયો નથી. દ્વારકાધીશ અને રૃકિમણી માતાજીના આંગણામાં ખરેખર જે માતાઓની શક્તિઓ જાગૃત થઈ છે. ભગવાન દ્વારકાનાથ અહીંથી સમગ્ર દેશમાં શાંતિ આપી રહ્યા છે, જ્યારે નગર શાંત હોય ત્યારે ધીરે ધીરે આખું વિશ્વ શાંત થઈ જ જશે. આહિર સમાજે અન્ય સમાજને દાખલો આપ્યો છે.
આ કલ્યાણકારી મહારાસનો જેને વિચાર આવ્યો તેવા આહિર સમાજના મહિલા અગ્રણી લીરીબેન માડમે આ પ્રસંગે આહિર સમાજને સંબોધતા જણાવેલ કે ઠાકોરજીનો બોલાવો આવતા આપણે સૌ એકત્ર થયા છીએ. આજે આપણે સૌ વચનબદ્ધ થઈએ કે આપણા સમાજમાં કોઈ વાડા આવે, જોવા મળ્યું કે બહેનોએ સતત તાલમેલ જોડાવવા કોશિશમય હતી, અન્ય જિલ્લાઓ સાથે મળી રાસ રમવા કોશિશ કરતી સંગઠન બનાવવાની ઈચ્છા દર્શાવતી હતી. આ પરિવર્તન સ્ત્રી શક્તિ લાવી શકે અને તેનું પાછળનું કારણ સમસ્ત આહિર સમાજ છે. આપણે એકલોહિયાના સૂત્ર સાથે અને નહિં પાંચાલી, નહી બોરીચા, નહીં સોરઠિયા, માત્ર આપણે એકલોહિયા આહિરો. આ સાથે યુવાનોને અપીલ કરતા જણાવેલ કે જ્યારે કોઈ મહિલાઓ મહારાસમાં સામિલ રહ્યાનું કહે તો તેમને વંદન કરવા વિનંતી કરી હતી. ૩૭ હજાર બહેનોનો એક જ વિશ્વાસ હતો ભગવાન શ્રીકૃષ્ણ અને બીજો વિશ્વાસ અમો એકલોહિયા એ વિચાર સાથે અલગ અલગ વાડા તોડવાની અને યાદવાસ્થળી ન કરવા અને શ્રીકૃષ્ણનું નામ મોટું કરવા હાકલ કરી હતી.
કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે સમાજના આ મેળાવડામાં હર્ષ સાથે સંદેશો આપતા કહ્યું હતું કે, આ અદ્ભુત ઘડી-અદ્ભુત વાતાવરણમાં આટલી મોટી સંખ્યામાં બહેનો ભગવાન શ્રીકૃષ્ણની આરાધના-ઉપાસના અને એનું એક અભિન્ન અંગ રાસ છે. આશરે પ૦ હજાર જેટલી બહેનોએ આ રાસમાં ખૂબ આસ્થા સાથે ઈષ્ટદેવ શ્રીકૃષ્ણની આરાધના કરી અને ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોપીઓએ જે રાસ કર્યો હતો તેવો જ રાસ આજે પુનરાવર્તિત થયો હતો.
આ મહારાસની પૂર્વ સંધ્યાએ શરૃ થયેલ ભારતીય ભાતીગળ કલા અને આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહિર સમાજના પુરુષો તથા મહિલાઓએ શ્રીકૃષ્ણના જીવનનો જીવંત લોકગીતો, કાવ્યો અને ડ્રામા સાથે સંસ્કૃત શ્લોક સાથે કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. મોડી રાત્રિ સુધી સૌરાષ્ટ્રના આહિર સમાજના માયાભાઈ આહિરે ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર ઉપર લોકસાહિત્યનો રસથાળ સમાજને પીરસ્યો હતો. આહિર સમાજના આગેવાનો મૂળુભાઈ બેરા, મૂળુભાઈ કંડોરિયા, પ્રવિણભાઈ માડમ, પૂનમબેન માડમ, ભીખુભાઈ વારોતરિયા, મેરામણભાઈ ભાટુ, રણમલભાઈ વારોતરિયા, મસરીભાઈ ગોરિયા, અમ્બરીશ ડેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને આહિર સમાજના મહિલા યુવક-યુવતીઓએ મહારાસના આ મહાયજ્ઞને ધામધૂમથી ઉજવણી કરવા માટે જહેમત ઊઠાવી હતી. આજે સવારે પણ દ્વારકા નગરીમાં રાસ પછી વિશ્વ શાંતિ હેતુ વિશાળ મૌન રેલી નંદધામથી જગતમંદિર સુધી કરવામાં આવી હતી અને આહિર સમાજે જગતમંદિરના પટાંગણમાં મહારાસ શ્રીકૃષ્ણને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા માટે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, એ.એસ.પી. રાઘવ જૈન, ડીવાયએસ.પી. સમીર શારડા વિગેરેએ મહારાસના સ્થળ ઉપર અને દ્વારકા શહેર અને જગતમંદિર પર વ્યવસ્થા ઊભી કરી બંદોબસ્ત જાળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial