Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીના નામને ચરિતાર્થ કરતું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરશે લાલ પરિવાર
જામનગર તા. ૨૫ઃ જામનગર પંથકમાં અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરતા પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ લાલ પરિવારના યજમાનપદે *છોટીકાશીનું નામ ચરિતાર્થ કરે તેવું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અત્યંત મહાત્મ્ય વર્ણવાયેલું છે, તેવો વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લાલ પરિવારના મોભી માતુશ્રી ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ લાલની પ્રેરણાથી શ્રી અશોકભાઇ લાલ અને શ્રી જીતુભાઇ લાલની આગેવાની હેઠળ જામનગરના આંગણે આ પ્રકારનો પ્રથમ સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞ તા. ૨૫ થી તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસોમાં સંપન્ન થશે.
ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ સોમયજ્ઞ સમ્રાટ પ.પૂ. ગો. ડો. ગોકુલોત્સવજીની તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા. ગો. ડો. શ્રી વ્રજોત્સવજી મહોદય અને પૂ. પા.ગો. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાશ્રીની નિશ્રામાં આ સોમ બૃહસ્પસ્તિ મહાયાગ મહોત્સવ સાથે વિષ્ણુગોપાલ મહાયાગમાં દક્ષિણ ભારતના પ્રકાંડ પંડિતો દ્વારા યજ્ઞવિધિ કરાવવામાં આવશે.
આ મહાયજ્ઞ પરિવાર- કુટુંબ- શહેર- દેશ અને વિશ્વની શાંતિ-સમૃદ્ધિ અર્થે આયોજીત કરવામાં આવ્યો છે. આ માટે જામનગર શહેર- હાલાર- સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના યુગલો યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લે એ પ્રકારનું વિશાળ કાર્ય થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જામનગર શહેરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પર જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારની આવેલી- વાડીની અતિવિશાળ જગ્યા પર આ મહાયજ્ઞ માટે યજ્ઞ શાળાનું નિર્માણ કરવામાં આવશે. જયાં છ દિવસ સુધી મહાયાગની સંપૂર્ણ શાસ્ત્રોકતવિધિ થશે.
આ મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે તા. ૨૪ જાન્યુઆરી-૨૦૨૪ ના બપોરે ૩-૩૦ કલાકે ભવ્ય કળશ શોભાયાત્રા શ્રી અશોકભાઇ લાલના નિવાસ સ્થાન (*વાત્સલ્ય સ્વસ્તિક સોસાયટી- જામનગર)થી પ્રસ્થાન થશે. જે સરૂ સેકશન રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ ચોકડી થઇ યજ્ઞ સ્થળે સંપન્ન થશે.
જામનગર-શહેર *છોટીકાશી થી પણ ઓળખાય છે. આ ધાર્મિક નામને સાર્થક કરે તેવું આ પ્રકારનું આ ધર્મકાર્ય સફળ રીતે સંપન્ન થાય તે માટે શ્રી એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ, ક્રિશ્નરાજ લાલ, વિરાજ લાલ વગેરેની સાથે કુટુંબીજનો તેમજ વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો, કાર્યકરો દ્વારા આયોજન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
શાસ્ત્રોકત દૃષ્ટિએ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું મહાત્મ્ય...
*છોટીકાશી જામનગરના આંગણે આગામી જાન્યુઆરી તા. ૨૫ થી ૩૦ દરમિયાન લાલ પરિવાર આયોજીત યજ્ઞનું શાસ્ત્રોકત રીતે મહાત્મ્ય વર્ણવાયેલું છે તે દર્શાવે છે કે, શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ સોમયજ્ઞની સાક્ષીમાં શુભ સંકલ્પથી સર્વકામના સિદ્ધ કરનાર યજ્ઞ છે. કારણ કે, સોમયજ્ઞકર્તા પ.પૂ. મહારાજશ્રી અનેક સોમયજ્ઞના કર્તા છે. તેઓશ્રી સ્વયં યજ્ઞના યજમાનો માટે શુભ સંકલ્પ લઇને સોમયજ્ઞના સાનિધ્યમાં આ મહાન વિષ્ણુ ગોપાલ યજ્ઞના અનુષ્ઠાનનો સંકલ્પ લે છે. જેમાં વિરાટ સોમયજ્ઞના ચમત્કાર અને પ્રતાપ સર્વ શકિતમાન થઇને વિષ્ણુ ગોપાલ યજ્ઞને મહાન ઉર્જાવાન બનાવે છે. આ યજ્ઞથી કાલસર્પ દોષ, પિતૃ દોષ, ગૃહદોષ, કોઇ વ્યકિત દ્વારા દુશ્મનીથી કરાયેલા અનિષ્ઠ કૃત્ય અને અભિચારિક દોષ, નિષ્ફળતા, દરિદ્ર દોષ, દૂર થાય છે. વેપાર-રાજનીતિ અથવા સમાજમાં સમૃદ્ધિ આડેની અડચણ, ઉન્નતિમાં બાધા આવવી અને જીવનની સમશ્યાઓના નિરાકરણ માટે ચાલી રહેલા સોમયજ્ઞના સાનિધ્યમાં અનેકાનેક લોકો લાભાન્વિત થયા છે તેવી રીતે આ છ દિવસોનો પૂર્ણ લાભ લઇને કોઇપણ માનવી જીવનને સમૃદ્ધ બનાવી શકે છે.
આ માટે પીળા અક્ષત (આખા ચોખા- હળદળ અને શુદ્ધ ઘીથી રંગેલા) હાથમાં રાખીને પોતાની મનોકામનાના સંકલ્પ સાથે યજ્ઞની પરિક્રમા કરવી અને એ પછી આ પીળા ચોખા યજ્ઞ સ્થળ પર રાખવામાં આવેલા સોમકળશમાં પધરાવી દેવાના હોય છે.
કોઇ શ્રદ્ધાળુ આધિ-વ્યાધિને દૂર કરવા માટે શાંતિ કરાવે તો તે માટે ગાયનું દાન, ભૂમિ દાન, વસ્ત્રદાન, પાત્રદાન, બ્રહ્મ ભોજન, દક્ષિણા અને યજ્ઞ દક્ષિણાની સાથે વસ્તુ સામગ્રી એકત્ર કરી વિદ્ધાન બ્રાહ્મણોને બોલાવીને જે ખર્ચ કરે છે, જે એક લગ્ન સમારંભ જેટલો ખર્ચ સામાન્ય રીતે થતો હોય છે, આમ છતાં પણ તેમાં સોમયજ્ઞનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી. સોમયજ્ઞના સાનિધ્યમાં થતા અનુષ્ઠાનથી તેનું ફળ અનંતગણું વધુ છે જે સફળતા પ્રદાન કરતો યજ્ઞ બની રહે છે.
સંતાન પ્રાપ્તિ ઇચ્છુક મહિલાઓ માટે ખોળો ભરાય તે માટેની વિધિ
જામનગરમાં લાલ પરિવાર આયોજિત શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયજ્ઞ મહોત્સવ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગ દરમિયાન પાવન પધરામણી કરનારા અ.સૌ.શ્રી. વહુજી સંતાન પ્રાપ્ત ઇચ્છુક મહિલાઓને શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલી જડીબુટ્ટી મિશ્રિત ખીર આપવાનું સદ્દકાર્ય પણ કરશે. આ માટે સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક શ્રદ્ધાળુ મહિલાઓએ કંકુની નાની પડીકી, શ્રીફળ નંગ-૨, દોઢ-દોઢ કિલોના ચોખાના બે પેકેટ (કુલ ૩ કિલો), સાડી-૧, બ્લાઉસ પીસ-૨ (લાલ-કેશરી- પીળો અથવા લીલા કલરના કોઇપણ) સાથે લાવવાના રહેશે. સંતાન પ્રાપ્તિ ઉત્સૂક મહિલાઓ જો આ જડ્ડીબુટ્ટી મિશ્રિત ખીર લેવા ઇચ્છતા હોય તો તેમણે અને તેમના પતિએ એક દિવસ દરમ્યાન બે કલાક માટે યજ્ઞમાં બેસવું ફરજીયાત છે અને યજ્ઞનો લાભ લે એ દિવસે દંપતીએ ફળાહાર કરવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial