Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર-જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા
જામનગર તા. ર૩ઃ જામનગરમાં શહેર-જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા વીર યોદ્ધા મહારાણા પ્રતાપની જન્મજ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) નો જન્મદિવસ હોય, વિશ્વકર્મા બાગમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખૂદ હકુભા જાડેજાએ રક્તદાન કર્યુ હતું. આ ઉપરાંત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. સાંજે ૭ વાગ્યા સુધીમાં ૧ર૦૦ બોટલ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, અગ્રણી ભરતભાઈ બોધરા, ભાજપના અન્ય હોદ્દેદારો, આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તેમજ જામનગરના કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.
સાંજે ૭.૩૦ વાગ્યે વિશ્વકર્મા બાગથી જિ.પં. પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાના સમાપન સમયે અગ્રણીઓ દ્વારા મહારાણા પ્રતાપને ફૂલહાર કરીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પણ સી.આર. પાટીલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, હકુભા જાડેજા વિગેરે જોડાયા હતાં.
રાત્રે પદમ પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ કલાકારો માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, કીંજલ દવેના લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દ્વારકા શારદાપીઠના દંડીસ્વામી નારાયણનંદ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતાં. હકુભા જાડેજાએ તેમના જન્મદિનની ખુશાલીમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીને ઈનોવા કારની ભેટ અર્પણ કરી હતી. આ સાથે રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ રક્ત દ્વારા હકુભા જાડેજા તથા ધારાસભ્ય રીવાબા જાડેજાની રક્તતુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું.
લોકડાયરાના કાર્યક્રમમાં દસેક હજાર જેટલા ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતાં અને મોડીરાત્રિ સુધી લોકોએ સુપ્રસિદ્ધ કલાકારોના કાર્યક્રમની મોજમાણી હતી. આ લોકડાયરાના કાર્યક્રમમાં ધારાસભ્ય કાંધલ જાડેજા, પદમ પાર્ટી પ્લોટના મેરામણભાઈ પરમાર તથા અન્ય રાજપૂત આગેવાનોએ નોટોનો વરસાદ વરસાવી દીધો હતો. જેમાં રૃા. પ૦૦, રૃા. ર૦૦૦ ની નોટો સાથે ડોલર, પાઉન્ડની નોટો પણ ઘોરમાં ઉડતી જોવા મળી હતી.