Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મૃત્યુ જરા-વ્યાધિના ચક્રમાંથી નીકળવાનોએક જ માર્ગઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળરૂપે

ગીતા જયંતી પ્રાસંગિક

                                                                                                                                                                                                      

ભગવદ્ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતમાં એક પ્રસંગરૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગના આરંભ સમયે, લગભગ પ,૦૦૦ વર્ષ પૂર્વે ભગવદ્ગીતા કહી હતી.

ધૃતરાષ્ટ્રના સો પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભ્રાતૃ ઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે, માનવ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરૂવંશમાં જન્મેલા ભાઈઓ હતાં. જેમના નામ પરથી મહાભારત નામપડયું છે, તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરૂવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે, જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું.

પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ પુત્રો-યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતાં. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતાં. શસ્ત્રાસ્ત્રવિદ્યા-વિશારદ ગુરૂ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરૂવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા

ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વર હતાં કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. આ ભૂમિકામાં ભગવન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતાં હતાં. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતાં તથા તેમનું રક્ષણ કર્યુ હતું.

પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને, રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરી તેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીની રક્ષા થઈ, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતાં પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડયું અને તેર વર્ષનો વનવાસ ભોગવવો પડયો.

વનવાસમાંથી પાછા આવ્યા પછી, પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલ રાજકુમારો હતાં, તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર પાંચ ગામ માગ્યાં, પરંતુ દુર્યોધને ઉદ્દંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમિપણ તેમને આપશે નહીં.

આ બધી ઘટનાઓ દરમ્યાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યાં હતાં. પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગતું હતું.

જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાંક પાંડવોના પ્રશ્ને જોડાયા, ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજસભામાં ગયા, જ્યારે તેમની વિનયપૂર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું.

અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વર છે એવું જાણી તેમને સન્માન આપતા હતાં, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમછતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છાનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સમંત થયા હતાં. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથપ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા.

આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથિ થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ, જ્યાંથી ભગવદ્ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ-બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભાં છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજ્યને પૂછી રહ્યાં છે કે, તે સેનાઓએ શું કર્યું...?

એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યકતા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય વિષે સંક્ષિપ્ત ટિપ્પણીની છે.

"જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ગીતાનું અમૃતનું પાન કરે છે, તેને માટે તો કહેવું જ શું...? ભગવદ્ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન કૃષ્ણે, આદ્ય વિષ્ણુએ કહી છે"  ભગવદ્ગીતા પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનનાં ચરણ કમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ તથા ચરણ કમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું. કે ભગવદ્ગીતા ગંગાજળથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પણ એક મનૌવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્યનાં મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાનાં અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.

આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક  વ્યવહારૂ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવડોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામછે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીંએ. ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. હરે કૃષ્ણ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh