Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના પરડવામાં શ્રમિકની તેના પત્ની-સાળાએ હત્યા કરી મૃતદેહ કોથળામાં નાખી કૂવામાં ફેંકી દીધો

યુવતીના આગલા ઘરની પુત્રીઓ સાથે અડપલા કરતો હોવાથી કાસળ કઢાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામજોધપુરમાં પરડવા ગામની સીમમાં એક ખેતરમાં કૂવામાંથી શનિવારે એક કોથળો મળી આવ્યો હતો. તે કોથળામાં એક શ્રમિકનો મૃતદેહ પથ્થર સાથે બાંધેલો જોવા મળ્યો હતો. પોલીસે બનાવની શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. મૃતકે એક યુવતી સાથે લગ્ન કર્યા પછી તે યુવતી સાથે આવેલી આગલા ઘરની પુત્રીઓ સાથે કરેલા અડપલાના કારણે આ યુવતી તથા તેના ભાઈએ શ્રમિકની લાકડી ફટકારી હત્યા કર્યા પછી વીસેક દિવસ પહેલાં મૃતદેહને કોથળામાં નાખી કોથળો કૂવામાં ફેંકી દીધો હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ યુવતી તથા તેના ભાઈ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં આવેલા નગાભાઈ ભીખાભાઈ જાડેજા નામના મેર ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના સોહમ ઉર્ફે કાળુ રામકિશન ભાંભોર નામના ખેતમજૂરે રાધાબેન નામના મહિલા સાથે લગ્ન કર્યા હતા. રાધાબેનના સોહમ સાથેના આ બીજા લગ્ન હતા અને તેઓ પોતાના આગલા લગ્નના કારણે પ્રાપ્ત થયેલી દીકરીઓને સાથે રાખીને સોહમને પરણીને આવ્યા હતા.

ત્યારપછી રાધાબેન તથા સોહમ પરડવા ગામની સીમમાં જ વસવાટ કરી ત્યાં ખેતકામ કરતા હતા. તે દરમિયાન સોહમે પોતાના પત્ની રાધાબેન સાથે આવેલી તેમના આગલા ઘરની દીકરીઓ પર નજર બગાડવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર તે તરૂણીઓ સાથે સોહમ અડપલા કરતો રહેતો હતો. આ બાબતની જાણકારી તે તરૂણીઓએ માતા રાધાબેનને આપતા રાધાબેને તેમ ન કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં સોહમ પોતાની હરકતથી વાજ આવ્યો ન હતો.

તે દરમિયાન રાધાબેને પોતાના ભાઈ અને પરડવા ગામના સીમ વિસ્તારમાં જ મજૂરીકામ માટે આવીને રહેતા પતલસિંઘ ગુલસિંઘ શંકરધારવે ઉર્ફે રાહુલને આ બાબતની વાત કરી હતી. તેથી આ ભાઈ-બહેને સોહમને તેની ખોં ભુલાવી દેવાનું નક્કી કર્યું હતું. તે પછી સોહમ શંકાસ્પદ હાલતમાં ગુમ થઈ ગયો હતો. આ શ્રમિકની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન શનિવારે રાત્રે એકાદ વાગ્યે નગાભાઈના ખેતરમાં આવેલા કુવામાંથી એક કોથળો મળી આવ્યો હતો અને તે કોથળો ખોલીને જોવામાં આવતા તેમાંથી સોહમનો મૃતદેહ અને મૃતદેહ સાથે બાંધેલો પથ્થર મળી આવ્યો હતો.

આ બાબતની પોલીસને જાણકારી આપવામાં આવતા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી રાધાબેનની પૂછપરછ કરી હતી તેમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મહિલાએ કબુલ કર્યા મુજબ સોહમ તેના આગલા ઘરની દીકરીઓ સાથે શારીરિક અડપલા કરતો હોવાથી તે બાબત રાધાબેનને ગમતી ન હતી તેથી તેઓએ પોતાના ભાઈ પતલસિંઘ ઉર્ફે રાહુલને વાત કર્યા પછી બંને ભાઈ-બહેને સોહમનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું તેના ભાગરૂપે વીસેક દિવસ પહેલા સોહમને લાકડી વડે રાધાબેન તથા તેના ભાઈ રાહુલે આડેધડ માર માર્યો હતો જેના કારણે માથામાં લાકડી વાગી જતા સોહમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારપછી મૃતદેહને સગેવગે કરી નાખવાનું નક્કી કરી બંને ભાઈ-બહેને એક કોથળામાં સોહમના મૃતદેહને નાખ્યા પછી તેની સાથે પથ્થર બાંધ્યો હતો અને ત્યારપછી કોથળાનું મ્હોં બાંધી કુવામાં કોથળાને ફેંકી દીધો હતો. પોલીસે નગાભાઈ ભીખાભાઈ જાડેજાની ફરિયાદ પરથી સોહમની હત્યા કરવાનો ગુન્હો નોંધી રાધાબેન તથા તેના ભાઈ પતલસિંઘ ઉર્ફે રાહુલની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh