Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીઆરએફ સહિતની ટીમો તૈનાતઃ કેજરીવાલે માંગી સેનાની મદદઃ ગઈકાલ કરતા યમુનાનું જળસ્તર થોડું ઘટ્યું, પરંતુ સ્થિતિ યથાવત
નવી દિલ્હી તા. ૧૪ઃ યમુના નદી દેશની રાજધાની દિલ્હીમાં ઘૂસી જતાં રાજઘાટ, લાલકિલ્લો અને અન્ય મુખ્ય સ્થળો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી કેજરીવાલે સેનાની મદદ માંગી છે. આજે યમુનાનું જળસ્તર થોડું ઘટ્યું છે. સુપ્રિમ કોર્ટમાં પાણી જતું અટકાવવા તત્કાળ નાનકડો બંધ બનાવાયો હોવાનું જાણવા મળે છે.
યમુના નદી દેશની રાજધાનીમાં ઘૂસી ગયા પછી દિલ્હીમાં પૂરનો કેરજોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈન્દ્રપ્રસ્થ પાસેના એક નાળામાં પાણીનું સ્તર વધ્યા પછી પૂરનું પાણી સુપ્રિમ કોર્ટ પરિસરમાં પ્રવેશી શકે તેવી દહેશત હતી, જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પાણીને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચતો રોકવા ઈન્દ્રપ્રસ્થ નજીક નાળા પર યુદ્ધના ધોરણે એક નાનો બંધ બનાવવાની શરૃઆત કરી હતી.
ગઈકાલે રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચેલી યમુના નદીનં જળસ્તર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. દિલ્હી સરકારે ગઈકાલે શાળાઓ, કોલેજો, સ્મશાનગૃહો અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બંધ કરી દીધા હતાં, કારણ કે રાજધાનીમાં યમુનાનું પાણી શહેરના અનેક વિસ્તારમાં ફળી વળ્યું હતું અને મોટાભાગના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતાં.
હરિયાણામાંથી છોડવામાં આવેલા પાણીથી રાજધાની દિલ્હી જાણે બેટમાં ફેરવાઈ ગઈ હતી, જો કે આજે સવારે ૬ વાગ્યે યમુનાનું પાણીનું સ્તર ર૦૮.૪૬ મીટર થઈ ગયું હતું જે ગઈકાલે રાતના ર૦૮.૬૬ કરતા થોડું ઓછું હતું. આ સાથે જ સેન્ટ્રલ વોટર કમિશને આગાહી કરી છે કે, આજે પાણીનું સ્તર ઘટશે અને બપોરે ૧ વાગ્યા સુધીમાં ર૦૮.૩૦ મીટર સુધી પહોંચી શકે છે. આઈટીઓ, લાલકિલ્લો અને રાજઘાટના વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબેલા છે, કારણ કે આઈટીઓ સ્થિત વિકાસ ભવનમાં ડ્રેન રેગ્યુલેટર તૂટી ગયું છે. અધિકારીઓ રેગ્યુલેટરને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી પહેલેથી જ વિકટ પરિસ્થિતિ હતી જ્યાં હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
દિલ્હીના અધિકારીઓના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અને વીજળી કાપ મૂકવામાં આવશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગઈકાલે બિનજરૃરી સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોને રવિવાર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સરકારે સિંધુ સહિતની ચાર સરહદોથી શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો સિવાય ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
જો કે, દિલ્હી પાણીમાં હોય, તેવી સ્થિતિ હજુ પણ યથાવત્ છે. તેથી દિલ્હીના સીએમ કેજરીવાલે સેનાની મદદ માંગી છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. એનડીઆરએફના ડીઆઈજી મોહસીન શાહિદીએ જણાવ્યું કે, દિલ્હીમાં પૂરથી ૬ જિલ્લા અસરગ્રસ્ત છે. પૂરના કારણે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડ્યા, જેના કારણે દિલ્હીને આગામી એક-બે દિવસ સુધી રપ ટકા ઓછું પાણી મળશે. દિલ્હીમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના રેગ્યુલટર ખરાબ થઈ ગયા છે. રાજધાનીની તમામ શાળાઓ અને કોલેજો રવિવાર સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે રૃટ બદલી નાખ્યા છે.
એનડીઆરએફ એ ટ્વિટ કર્યું કે, સાવચેતીના ભાગરૃપે યમુના નદી પર બનેલા ચારેય મેટ્રો બ્રિજ પરથી ટ્રેનો ૩૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પસાર થઈ રહી છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે યમુના પરનો રેલવે પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. યમુના બજાર વિસ્તારમાં અનેક બસો અને ટ્રકો પાણીમાં ડૂબી ગયા હતાં. સિંધુ બોર્ડર, બદરપુર બોર્ડર, લોની બોર્ડર અને ચિલ્લા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ભારે વાહનોને આવતા અટકાવવામાં આવ્યા છે. માત્ર નાના વાહનોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વીજરાબાદ, ઓખલા અને ચંદ્રવાલના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે રાજધાનીના ઘણાં વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. બીજી તરફ મુખ્યમંત્રી આવાસના પ૦૦ મીટર સુધી પાણી ભરાઈ ગયા છે. યમુના બજાર, મજનુ કા ટીલા, નિગમ બોધ ઘાટ, મઠ બજાર, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial