Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રયાન-૩ સાથે અંતરિક્ષમાં ઈસરોની ઐતિહાસિક ઊડાન

દક્ષિણ ધ્રુવ પર આ ચંદ્રયાન લેન્ડ કરવામાં સફળ થશે તો આ સિદ્ધિ મેળવનારો ભારત સૌ પ્રથમ દેશ બનશેઃ સમગ્ર વિશ્વમાં ઉત્તેજના

શ્રીહરીકોટા તા. ૧૪ઃ ચંદ્રયાન-૩ સાથે મૂન મીશન હેઠળ ઈસરોની અંતરિક્ષમાં ઐતિહાસિક ઊડાન અંગે આજે સવારથી જ સમગ્ર દેશ અને દુનિયામાં કુતૂહલ સાથે ઉત્તેજના જોવા મળી રહી હતી અને કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું હતું. આ સાથે મૂન મીશનનો પ્રારંભ પણ સવારથી જ થઈ ગયો હતો.

દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-૩ ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું હતું. આ મૂન મિશન વર્ષ ર૦૧૯ ના ચંદ્રયાન-ર નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 'ચંદ્રયાન-ર' મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.

ચદ્રયાન-૩ શુક્રવારે બપોરે ર-૩પ કલાકે લોન્ચ થવાનું છે, તેવી જાહેરાત કરતા ગઈકાલે જ ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા પછી ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારૃ થઈ જશે અને ર૩ ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.

ચંદ્રયાન-૩ નું ચંદ્ર પર ઉતરાણ ર૩-ર૪ ઓગસ્ટના રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યદયમાં વિલંબ થાય છે, તો ઈસરો ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે. ચંદ્રયાન-ર ની જેમ ચંદ્રયાન-૩ માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે, પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય, કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.

ઈસરોનો મહત્ત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે એલવીએમ૩એમ૪ રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા જીએસએલવીએમકે૩ કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે. ઓગસ્ટના અંતમાં 'ચંદ્રયાન-૩'નું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાની યોજના બનાવાઈ છે.

જો આ મીશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે.

ચંદ્રયાન-૩ માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલ છે. સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર, પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે. ચંદ્રયાન-ર ના ઓર્બિટરનો પણ ઉપયોગ કરી શકાય એમ છે. જેથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. જુનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને તે લેન્ડર તથા રોવર સાથે કનેક્શન રાખશે. લેન્ડર જ્યારે રોવરની સાથે લન્ડિંગ કરશે, ત્યારે તેની ઉપર મોનિટરીંગનું કામ કરશે. રોવર જ્યારે લેન્ડરથી અલગ પડને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૃ કરશે ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે. રોવર દ્વારા જે માહિતી ભેગી કરવામાં આવશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ ઓર્બિટર થકી જ કરવામાં આવશે.

ચંદ્રયાન-ર માં હતાં તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જોડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલા જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે. લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે કિલોમીટરો સુધી જો કોઈ જોખમ હશે તો તેને પહેલેથી જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશો દ્વારા પોતાના અવકાશી સંશોધનો માટે ચંદ્રની પસંદગી કરવામાં આવી છે. ચંદ્ર પૃથ્વીની નજીક છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જે રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તેવી જ રીતે વિવિધ દેશો દ્વારા ચંદ્ર ઉપર પોતાના અવકાશી સંશોધનના કેન્દ્રો બનાવવા માટે હોડ જામી છે. ચંદ્ર ઉપર જો પૂરતા પ્રમાણમાં પાણી, ઓક્સિજન અને હિલિયમ મળી જાય તો મોટાભાગની તમામ જરૃરિયાતો પૂરી થઈ જાય તેમ છે. ભારતના સંશોધન પ્રમાણે ચંદ્ર ઉપર પાણીનો વિશાળ જથ્થો છે.

આ ઉપરાંત નાસાના મતે અહીંયા હિલિયમનો અંદાજે ૧૦ લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે જે સદીઓ સુધી પૃથ્વીને ઊર્જા પૂરી પાડી શકે તેમ છે. આ ઉપરાંત પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું ગુરુત્વાકર્ક્ષણ ઓછું છે તેથી ત્યાંથી કોઈપણ યાન સરળતાથી લોન્ચ કરી શકાય તેવું છે. આગામી સમયમાં મંગળ અને અન્ય સ્પેશ મિશન માટે ચંદ્રની ધરતી લોન્ચપેડ બની શકે તેમ છે.

ચંદ્રયાન-૩ ની વિશેષતાઓ અને ઉદ્દેશ્યો

ઈસરો દ્વારા ચંદ્રયાન-૩ ને ચંદ્રયાન-ર ના ફોલોઅપ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.

આ મિશનનો ઉદ્દેશ ચંદ્ર ઉપર સોફટ્ લેન્ડિંગ અને રોવરને ચંદ્ર ઉપર ફેરવવાનો અને સંશોધન કરવાનો છે.

ચંદ્રયાન-૩ માં ઓર્બિટરની જગ્યાએ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોવરને લેન્ડિંગ કરાવીને ચંદ્રની સપાટી અને તેની અંદર થતા ફેરફારો તથા વાતાવરણમાં થતા ફેરફારોની તપાસ કરવાનો આશય છે.

ભારત આ લેન્ડિંગમાં સફળ રહ્યું તો અન્ય ગ્રહો ઉપર પણ લેન્ડર અને રોવર મોકલવા સક્ષમ બનશે.

ચંદ્રયાન-૩ માં કુલ છ પેલોડ્સ લગાવવામાં આવેલા છે જેથી તેની ક્ષમતામાં વધારો થાય.

પ્રોપલ્શન મોડ્યુલમાં શેપ નામનો પેલોડ લગાવેલો છે.

લેન્ડરમાં રંભા એલપી, ચાસ્ટે અને ઈલ્સા નામના પેલોડ લગાવેલા છે.

રોવરમાં એપીએક્સએસ એન લિબ્સ નામના પેલોડ લાગેલા છે.

લેન્ડર-રોવર ચંદ્રનો એક દિવસ એટલે કે, પૃથ્વીના ૧૪ દિવસ સુધી કામ કરી શકશે.

લેન્ડર-રોવરમાં લગાવેલા પેલોડ્સ છ મહિના સુધી કામ કરવા માટે સક્ષમ છે અને કદાચ તેનાથી પણ વધારે સમય કામ કરી શકે છે.

એલવીએમ-૩ રોકેટ દ્વારા ચંદ્રયાન-૩ ને અવકાશમાં લઈ જવામાં આવશે.

આ રોકેટનું વજન ૬૪ર ટન જ્યારે ઊંચાઈ ૧૪૩ ફૂટ છે.

આ રોકેટને પહેલાં જીએસએલવી-એમકે-૩ કહેતા હતાં જે છ વખત સફળતા હાંસલ કરી ચૂક્યું છે.

ગત અભિયાનની જેમ આ વખતે પણ ચંદ્રની સપાટી ઉપર સોફટ લેન્ડિંગ કરવું સૌથી મુશ્કેલ કામગીરી રહેશે.

આ વખતે લેન્ડરમાં વધારે સેન્સર અને મજબૂત થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, છતાં લેન્ડિંગ ન થાય ત્યાં સુધી ચિંતા તો રહેશે જ.

૪૧-૪પ દિવસમાં ચંદ્ર ઉપર લેન્ડિંગ કરવામાં આવે તેવી શક્યતા છે અંદાજે ૪૧ દિવસે એટલે કે ર૩-ર૪ ઓગસ્ટે લેન્ડ થશે.

ચંદ્ર ઉપર સોફટ લેન્ડિંગના ૩૮ પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમાંથી ૧૯ પ્રયાસો જ સફળ થયા છે.

વિશ્વના ૬ દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતાં.

વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં ૧૧૦ મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી ૬૮ મિશન સફળ રહ્યા છે. ૪ર માં નિષ્ફળતા મળી છે.

૧ર લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે.

અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે. તેમના કુલ ૬૪ મિશનમાંથી ૪૩ મિશન સફળ થયા છે.

અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh