Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં કેસ ચાલ્યો હોવાથી માફી આપવાનો અધિકાર ત્યાંની સરકારને છે, ગુજરાતને નહીંઃ અદાલત
નવી દિલ્હી તા. ૮ઃ બિલકિસ બાનો કેસમાં આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ જવું પડશે. સુપ્રિમ કોર્ટે આજે નિર્ણય સંભાળાવ્યો છે. કોર્ટે ૧૧ દોષિતોને મુક્ત ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે. સુપ્રિમ કોર્ટે આ કેસમાં પીડિતાની અરજીઓ મંજુર કરી છે. જાહેર હિતની અરજીઓ પણ મંજુર કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે, મહિલા સન્માનને પાત્ર છે.
સુપ્રિમ કોર્ટે આજે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં ૧૧ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ્ કર્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે, હવે આ અંગે ચૂકાદો આવ્યો છે. સુપ્રિમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ્ કરીને અરજીને સુનાવણી લાયક ગણીને કહ્યું છે કે, પીડિતા મહિલા સન્માનની હક્કદાર છે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે, કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે. માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે. બિલકિસે સુપ્રિમ કોર્ટમાં બન્ને અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ ૧૧ દોષિતોને ૧પ ઓગસ્ટ ર૦રર ના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૃપે મુક્ત કરવામાં આવ્યા હતાં.
આ અંગે વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ, વર્ષ ર૦રર માં, બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં, જો કે હવે સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે.
આ દોષિતોને ર૦૦૮ માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી., જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજુરી આપી હતી. આજીવન કેદની સજા પામેલા દોષિતે ૧૪ વર્ષ જેલમાં કાઢવા પડે છે. તે પછી ગુનાની પ્રકૃતિ, જેલમાં તેનું વર્તન અને અન્ય બાબતોને ધ્યાનમાં લેતા સજામાં ઘટાડો અથવા મુક્તિ પર વિચાર કરી શકાય છે. બિલકિસ બાનો ગેંગરેપના દોષિતોએ ૧પ વર્ષ જેલમાં વિતાવ્યા છે. જે પછી ગુનેગારોએ સજામાં રાહત આપવા વિનંતી કરી હતી. જેના પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ ૧૧ દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતાં.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે, સજા બદલો લેવા માટે નથી, પરંતુ સુધારવા માટે છે. ક્યુરેટિવ થિયરીમાં સજાને દવા સાથે સરખાવવામાં આવે છે, જો કોઈ ગુનેગારની સારવાર શક્ય હોય તો તેને મુક્ત કરવો જોઈએ. આ સુધારાત્મક સિદ્ધાંતનો આધાર છે, પરંતુ પીડિતના અધિકારો પણ મહત્ત્વપૂર્ણ છે. મહિલા સન્માનને પાત્ર છે, શું મહિલાઓ સામેના જધન્ય ગુનામાં છૂટ આપી શકાય ?
જયાં ગુનેગાર સામે કાર્યવાહી થાય છે અને સજા થાય છે તે જ યોગ્ય સરકાર છે. જ્યાં ગુનો આચરવામાં આવ્યો હતો તેના બદલે ટ્રાયલના સ્થળ પર ભાર મૂકવામાં આવે છે. ૧૩ મે, ર૦રર ના રોજનો ચુકાદો (જેમાં ગુજરાત સરકારને દોષિતને માફ કરવા અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો) કોર્ટ સાથે છેતરપિંડી કરીને ભૌતિક તથ્યો છુપાવવામાં આવ્યા હતાં.
બિલકિસ બાનો કેસની સુપ્રિમમાં સુનાવણી થઈ હતી. બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં ૧૧ દોષિતોની સમય પહેલાં મુકત કરવા મામલે સુપ્રિમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે તેનો નિર્ણય ૧ર ઓકટોબર ર૦ર૩ માટે અનામત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૩ માર્ચ ર૦૦ર ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતાં. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલકિસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલકિસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલકિસ ર૧ વર્ષની હતી અને પ મહિનાની ગર્ભવતી હતી. બિલકિસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેના માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ હુમલામાં તેના પરિવારના ૧૭ માંથી ૭ સભ્યો માર્યા ગયા હતાં. ૬ લોકો ગુમ થયા હતાં, જે કયારેય મળ્યા નહોતા. આ હુમલામાં માત્ર બિલકિસ, એક પુરૃષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial