Advertisement
Author: નોબત સમાચાર

રૃપિયા બે લાખની રોકડ સાથેનું સ્કૂટર ચોરાઈ જવાના પ્રકરણમાં બે શખ્સની કરાઈ ધરપકડ

પ્રેમિકાએ પ્રેમી સાથે મળી ઉઠાંતરીની ઘડી હતી યોજનાઃ યુવતી સહિત બેની શોધખોળઃ

જામનગર તા. ૮ઃ જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાંથી ગયા મહિને રૃા.ર લાખની રોકડ જેમાં પડી હતી તે ઈલેકટ્રીક સ્કૂટરની ભરબપોરે ચોરી થઈ ગઈ હતી. આ ગુન્હાની તપાસમાં રહેલી પોલીસે સાંઢીયા પુલ પાસેથી બે શખ્સને ચોરાઉ સ્કૂટર સાથે પકડ્યા પછી પૂછપરછ કરતા જે આસામીનું સ્કૂટર, રોકડ હતા, તેની ઓફિસમાં અગાઉ નોકરી કરી ગયેલી એક યુવતી અને તેના પ્રેમીએ આ બનાવ માટે કાવતરૃ ઘડી કાઢ્યા પછી બે શખ્સના સહયોગથી આ ગુન્હાને અંજામ આપ્યાનું ખૂલ્યંુ છે. પોલીસે એક સાગરિત તથા તે યુવતીની શોધ હાથ ધરી તેણીના પ્રેમી સહિત બેની ધરપકડ કરી રૃા.૧ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના સત્યમ્ કોલોની રોડ પર એરફોર્સ ગેઈટ-ર નજીક શ્રીજી કોમ્પલેક્ષ નામના બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા અને એક અખબાર સાથે સંકળાયેલા દીપકભાઈ ઠુમ્મરના રૃા.ર લાખની રોકડ સાથેના ઈલેકટ્રીક સ્કૂટરની થોડા દિવસો પહેલાં ભરબપોરે ઉઠાંતરી થઈ હતી.

પોતાના કારખાનેથી રૃા.ર લાખ સાથે રાખી બેંક તરફ જવા માટે નીકળેલા દીપકભાઈ જ્યારે પોતાની ઓફિસ પાસે આવ્યા ત્યારે તેઓને નોકરી માટે એક યુવાન આવ્યો હોવાની જાણ થતાં તેઓ નયન પ્રફુલભાઈ પટેલ નામના આ યુવાનના ઈન્ટરવ્યૂ માટે ઓફિસની નીચે સ્કૂટર રાખી ઓફિસમાં ગયા હતા. આ વેળાએ રૃા.ર લાખ રોકડા ઈલેકટ્રીક સ્કૂટરની ડેકીમાં પડ્યા હતા. તેઓએ ઈન્ટરવ્યૂ પતાવ્યો તે દરમિયાન બેંકનો સમય પૂરો થઈ જતાં બેંકે જવાનું દીપકભાઈએ કેન્સલ કર્યું હતું અને સ્કૂટરમાં જ ભલે પૈસા પડ્યા તેમ વિચાર્યું હતું. તે પછી સાંજે જ્યારે તેઓ ઘેર જવા નીચે આવ્યા ત્યારે સ્કૂટર જોવા નહીં મળતા તેઓએ સ્કૂટર અને પૈસા ચોરાઈ ગયાની પોલીસને જાણ કરી હતી.

ત્યાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવામાં આવતા તેમાં ચહેરા પર રૃમાલ બાંધેલો એક શખ્સ સ્કૂટરની આજુબાજુમાં બપોરે સવા ત્રણેક વાગ્યે આંટા મારતો નજરે પડ્યો હતો. પોલીસે તે શખ્સને પકડી પાડવા માટે શરૃ કરેલી તપાસ દરમિયાન સિટી-સી ડિવિઝનના પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફે અન્ય સીસીટીવીના ફૂટેજ પણ ચકાસ્યા હતા. જેમાં સ્ટાફના યશપાલસિંહ, શિવભદ્રસિંહ, યુવરાજસિંહને બાતમી મળી હતી કે, બે શખ્સ ગોકુલનગર સાંઢીયા પુલ તરફથી ઈલેકટ્રીક સ્કૂટરમાં આવી રહ્યા છે. તે બાતમીના આધારે વોચ રાખી પોલીસે ગુલાબનગરના સંજરી ચોકમાં રહેતા સિદ્ધરાજસિંહ નવલસિંહ કંચવા અને પટેલ પાર્કમાં આશીર્વાદ દીપ સોસાયટીમાં રહેતા દિવ્યેશ દિનેશભાઈ વાઘેલા ઉર્ફે દીવુભા મુછડી નામના બે શખ્સને અટકાયતમાં લીધા હતા.

આ બંને શખ્સને તેઓની પાસે રહેલા સ્કૂટર અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ જીજે-૧૦-ડીએન ૩૩૪૦ નંબરનું આ સ્કૂટર ચોરાઉ હોવાની કબૂલાત આપવા ઉપરાંત રૃા.૧ લાખ ૩૦ હજાર રોકડા પણ કાઢી આપ્યા હતા. પોલીસે પૂછપરછ સઘન બનાવતા આ શખ્સોએ તમામ વિગતો ઓકી નાખી છે.

બંનેના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા કારખાનેદાર દીપકભાઈની ઓફિસમાં નોકરી કરી ગયેલી ગોકુલનગરમાં રહેતી જીન્સી પિયુષભાઈ પીઠડીયા નામની યુવતીના કહેવાથી તેઓએ ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યો હતોે. જીન્સી આ ઓફિસમાં કામ કરી ગઈ હોવાથી તેણીને શેઠ દીપકભાઈ ક્યારે પૈસા લઈને કારખાનેથી નીકળે છે અને બેંક તરફ જાય છે તેની વિગતોની જાણ હતી અને દીપકભાઈના ઈલેકટ્રીક સ્કૂટરના પાસવર્ડની પણ તેણીને ખબર હતી. આ યુવતી ગુલાબનગરવાળા સિદ્ધરાજસિંહને પ્રેમ કરતી હોય અને તેની સાથે મળી તેણે રોકડની તફડંચીનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

અગાઉથી જ પરિણીત રહેલા સિદ્ધરાજસિંહ પણ જીન્સી સાથેના પ્રેમના કારણે પોતાના પત્ની તથા સંતાનને કનડતા હતા અને તેની પત્ની પણ પતિના કરતૂતના કારણે પિયર ચાલી ગઈ હતી. આ બંને વ્યક્તિએ અગાઉના શેઠ દીપકભાઈની રોકડ કેવી રીતે તફડાવી લેવી તેનો પ્લાન તૈયાર કર્યા પછી આશીર્વાદ દીપ-૧માં રહેતા દિવ્યેશ ઉર્ફે દીવુભાને મળી સિદ્ધરાજસિંહે સ્કૂટર ઉઠાવી લેવા તૈયાર કર્યાે હતો અને તે માટે રૃા.પ હજાર આપવાનું પણ ઠરાવ્યું હતું. પૈસાની લાલચમાં આવી ગયેલા દિવ્યેશે હોકારો ભણ્યા પછી જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે અગાઉથી નક્કી કર્યા મુજબ લાલવાડીમાં રહેતો નયન પ્રફુલભાઈ પટેલ નામનો શખ્સ ઈન્ટરવ્યૂ આપવા માટે આવી ગયો હતો. તેની સાથે વાત કરવા માટે દીપકભાઈ રૃા.ર લાખની રોકડ જેમાં હતી તે સ્કૂટર નીચે છોડી પોતાની ઓફિસમાં ગયા તે પછી તરત જ દીવુભા ત્યાંથી સ્કૂટર ચાલુ કરીને નીકળી ગયો હતો.

ઉપરોક્ત વિગતો દિવ્યેશ તથા સિદ્ધરાજસિંહે પોલીસ સમક્ષ જણાવ્યા પછી પોલીસે રૃા.૫૦ હજારનું સ્કૂટર અને રૃા.૧ લાખ ૩૦ હજાર રોકડા કબજે કર્યા છે. આ શખ્સોની કેફિયત પરથી જીન્સી પિયુષભાઈ પીઠડીયા અને નયન પ્રફુલભાઈ પટેલની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh