Advertisement
Author: નોબત સમાચાર

મહાઠગ કિરણ પટેલની તપાસનો રેલો સીએમ કાર્યાલયના અધિકારી તેમજ રાજનેતાઓ સુધી પહોંચતા જાગી ચકચાર

સોય નહીં, પરંતુ આખું સાંબેલુ જ કચરામાં ગયુંઃ

નવી દિલ્હી/અમદાવાદ તા. ર૧ઃ જમ્મુ-કાશ્મીરમાં ઝેડ સિક્યુરીટી સાથે પીએમઓના ઉચ્ચ અધિકારીનો સ્વાંગ રચીને છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલ ઝડપાયા પછી હવે તેની તપાસનો રેલો ગુજરાતના સી.એમ. કાર્યાલય અને કેન્દ્રિય ગૃહમંત્રાલય સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકો સુધી પહોંચ્યો હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે, અને આ પ્રકરણમાં સીએમઓના એક ઉચ્ચ અધિકારીના પુત્ર અને ભાજપના મીડિયાસેલ સાથે સંકળાયેલા વ્યક્તિ તેમજ અન્ય બે વ્યક્તિની કથિત સંડોવણીને લઈને પણ તપાસ થઈ રહી હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે.

જેમ જેમ મહાઠગ કિરણ પટેલની કૌભાંડકથાના પ્રકરણો ખુલી રહ્યા છે, તેમ તેમ વધુને વધુ લોકો શંકાના ઘેરામાં આવી રહ્યા છે, અને તેમાં ઉચ્ચ અધિકારીઓ તથા આ મહાઠગની સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરવા ગયેલા અન્ય બે વ્યક્તિઓની પણ તપાસ થઈ રહી છે અને તે બન્ને સાથીદારોની ભૂમિકા પણ તપાસાઈ રહી છે, ત્યારે ગુજરાતથી દિલ્હી સુધી હલચલ મચી ગઈ છે અને આ મુદ્દો હવે સંસદ અને વિધાનસભાના ગલિયારાઓ સુધી પણ પહોંચી ગયો છે.

કેન્દ્રના ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત ઈડી-સીબીઆઈ પાર્ટીને ઈન્ટરપોલ દ્વારા મેહુલ ચોક્સીના મુદ્દે ઝડકો મળ્યો, તેના રાષ્ટ્રવ્યાપી પડઘા પડી રહ્યા છે, અને સંસદ સુધી તેની અસરો દેખાઈ રહી છે, ત્યારે મહાઠગના મુદ્દે પણ કેન્દ્રનું ગૃહમંત્રાલય ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને મહાઠગ કિરણ પટેલને ઝેડ સુરક્ષા ક્યા દસ્તાવેજોના આધારે અપાઈ, તે અંગે જમ્મુ-કાશ્મીર અને ગુજરાત પોલીસતંત્રો-ગૃહવિભાગો સુધી લઈને કેન્દ્રિય ગૃહમંત્રાલય સુધી ખળભળાટ મચી ગયો હોય અને આંતરિક હલચલ તેજ બની ગઈ હોય તેમ જણાય છે, કારણ કે આ મુદ્દે હજુ કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી,. પરંતુ ઘણાં લોકો માટે ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે, તેવો ઘાટ સર્જાયો છે.

જેમ સોનું ઓલટાઈમ હાઈ એવી ૬ર હજારની સપાટીએ પહોંચ્યું છે, તેવી જ રીતે અત્યારે મહાઠગની મહાકથા પણ ઓલ ટાઈમ હાઈલેવલ સુધી પહોંચી છે, અને તેમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા હોવાથી કેટલાક મોટા માથાઓ વધેરાશે (મતલબ કે સપડાશે) તેવી સંભાવનાઓ પણ વધી રહી છે.

અત્યારે ફીનલેન્ડ વિશ્વનો સૌથી 'ખુશ' દેશ બન્યો છે, પરંતુ મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા જે લોકો શંકાના ઘેરામાં છે, તે લોકો માટે હવે દુઃખના દહાડા શરૃ થવાના છે, કારણ કે આ મામલે હવે જમ્મુ-કાશ્મીર પોલીસ જ નહી, પરંતુ કેન્દ્રનું ગૃહમંત્રાલય પણ આકરા પાણીએ જણાય છે.

મીડિયા અને અખબારી અહેવાલો મુજબ ગુજરાતના સીએમઓના પુત્ર અને ભાજપના મીડિયા ઈન્ચાર્જ અમિત પંડ્યા અને જય સીતાપરા આ કેસમાં તાજના સાક્ષી બન્યા છે, તેનો મતલબ એવો થાય કે આ બન્નેને પણ આરોપી બનાવાયા હશે. આ અંગે ર૩ મી માર્ચે શ્રીનગર કોર્ટમાં મહાઠગની જામીન અરજીનો ચૂકાદો આવે ત્યારે સમગ્ર પ્રકરણના ગુપ્ત રહેલા પ્રકરણોના કેટલાક રહસ્યો બહાર આવી જશે, તેવી ચર્ચા થઈ રહી છે.

દેશની જનતા અને ગુજરાતમાં આ મહાઠગની કથા ઓલ ટાઈમ હાઈ બની છે, તેથી જ સંસદની ઠપ્પ કાર્યવાહી, રાહુલ ગાંધીના કેન્દ્ર પર આક્ષેપો કેજરીવાલ દ્વારા દિલ્હીનું બજેટ અટકાવવાનો કેન્દ્ર પર આરોપ, જીતુ વાઘાણીની ચૂંટણીને પડકાર તથા કરાના માવઠા પછી ક્લાઈમેટ ચેઈન્જની ચિંતા જેવા મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ જણાય છે. આ સ્થિતિનું નિર્માણ પણ 'પ્લાનેડ' હશે તેવી આશંકા ઊઠી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh