Advertisement
Author: નોબત સમાચાર

ખુદ અરજદારો દ્વારા જ પોતાના ખર્ચે પાડ-તોડની કામગીરી હાથ ધરવામાં આવી...

અંતે કમિશનરના આદેશના પગલે રંગમતી નદી પરના મંજૂરી વગરના ગેરકાયદે પુલના બાંધકામને તોડી પાડવાનું શરૃ...

જામનગર તા. ૪ઃ જામનગર લાલપુર માર્ગ ઉપર લાલપુર ચોકડીથી આગળ રંગમતી નદી ઉપર ખાનગી વ્યક્તિઓ/પાર્ટી દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પૂલનું બાંધકામ થઈ રહ્યું હોવાના અત્યંત વિવાદાસ્પદ બનેલા પ્રકરણમાં અંતે મ્યુનિ. કમિશ્નરે આ પૂલ બાંધવા માટે અરજી કરનારાઓને તાકીદે થયેલ બાંધકામ - દબાણો તોડી પાડવાનો આદેશ કર્યો હતો. જેના પગલે આ પૂલના બાંધકામ માટે જેમના નામે અરજી થઈ હતી તે પાર્ટીએ અંતે ગઈકાલથી આ બાંધકામનું કમઠાણ તોડી પાડવાનું શરૃ કર્યુ છે.

જામનગર મહાનગર-પાલિકામાં લોકોની સુવિધા માટે કોઈ દાતા-શ્રેષ્ઠી કે કંપની વિકાસ કામની ભેટ ધરવા માંગતા હોય તો તે આવકાર્ય છે. અને આવા લોકોને ખૂબ જ ઉપયોગી બને તેવા કાયમી પ્રોજેક્ટ જેવા કામનું નિર્માણ કરવા માટે નિયમોનુંસારની તમામ પ્રક્રિયા કરવામાં આવે તો તેની સામે કોઈને અંગત રસ કે વાંધા હોવાનો પ્રશ્ન જ ઉઠવા ન પામે...!

જો લોકોની સુવિધા માટે પૂલ બાંધવો જ હતો તો શા માટે નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં...? શા માટે મંજૂરી મેળવ્યા વગર તાબડતોબ કામ ચાલુ કરી દીધું...?

આ અંગે નિષ્ણાતો અને નગરના જાગૃત હિતરક્ષકોના મંતવ્ય પ્રમાણે જો અરજદાર પાર્ટીએ પૂલનું નિર્માણ કરવું જ છે તો ભલે કરે... અને ખૂબ જ મજબૂત વરસો સુધી નાના-મોટા તમામ પ્રકારના વાહનોની અવરજવરમાં સુવિધાજનક તથા અનુકૂળ બની રહે તેવો આકર્ષક પૂલ બનાવે... અત્યારની લેઈટેસ્ટ ટેકનોલોજી સાથે સીગ્નેચર બ્રીજ જેવો ભવ્ય પૂલ બનાવે... પણ શા માટે આ રીતે ગુપચુપ રીતે કામ કરવામાં આવ્યું...?

આ ઉપરાંત મનપા તંત્ર સામે પણ સવાલો તો પેદા થયા જ... કોઈ પાર્ટી જો આવું વિકાસ કામ કરી ભેટ ધરવા માંગતી હોય તો તે પાર્ટીને નિયમોનુંસાર પ્રક્રિયા કરવા માટે કેમ માર્ગદર્શન આપ્યું નહીં... શા માટે બબ્બે મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં...! જ્યારે નિતિનભાઈ માડમ જેવા જાગૃત નાગરિકે અદાલતમાં જવા માટેની નોટીસ આપી ત્યારપછી જ મનપા તંત્રએ - મ્યુનિ.કમિશ્નરે ગેરકાયદે દબાણ-બાંધકામ તોડી પાડવાનો આદેશ આપવો પડ્યો છે.

બાકી આ પુલના કારણે ત્યાં આસપાસ રહેતા લોકોના ફાયદાની વાત હવે આકાશમાં થીગડાં મારવા જેવી બની રહી છે...

હજી પણ આ શ્રીમંત પાર્ટી દાતા તરીકે આ પૂલનું નિર્માણ કરવા માંગતી હોય તો સરકાર અને મનપા તંત્રમાં કરવાની થતી તમામ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરીને જામનગરની જનતાને એક અદ્ભુત અને અમૂલ્ય તેમ જ ઉપયોગી ભેટ ધરે તે આવકારદાયક બની રહેશે...

સાચી લડતનો વિજય - નિતિન માડમ

સમગ્ર ઘટનાક્રમ અંગે નિતિનભાઈ માડમે નોબત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક જાગૃત નાગરિક તરીકે નિડરતાપૂર્વક ચલાવવામાં આવેલી લડતનો ન્યાયપૂર્ણ અંત આવ્યો છે. આ પ્રશ્ને જે મીડિયાએ પ્રસિદ્ધિ આપી સહકાર આપ્યો છે તેમના પ્રત્યે પણ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh