Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટી બિહારની તમામ ર૪૩ બેઠક પર ઉમેદવારો ઉતારશેઃ ઈન્ડિયા ગઠબંધનને ઝટકો

હવે અમે ગઠબંધનમાં નથી, અમારી તાકાત પર ચૂંટણી લડશું: અનુરાગ ઢાંડા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રઃ આમ આદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધન છોડીને બિહારમાં તમામ ર૪૩ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દેતા ઈન્ડિયા ગઠબંધનને ઝટકો લાગ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો વાગ્યો છે. ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ આપએ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બિહારમાં આમ આદમી પાર્ટી પોતાના જોરે તમામ ર૪૩ બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં કારમી હાર પછી આમ આદમી પાર્ટી હવે ફરી રાષ્ટ્રીય સ્તરે વર્ચસ્વ જમાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે રણનીતિ ઘડી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં આપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક અનુરાગ ઢાંડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોઈપણ ગઠબંધનમાં સામેલ નથી. અમારી પાસે અમારી પોતાની તાકાત છે. અમે તેના જોર પર જ આગળ વધી રહ્યા છીએ. ઈન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું. હવે અમે કોઈપણ ગઠબંધનનો ભાગ નથી. આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે.

હાલમાં જ પાર્ટીએ સ્ટુડન્ટ વિંગની સ્થાપના કરી હતી. પક્ષે રાજ્યોને બે કેટેગરીમાં વહેંચી દીધા છે. 'એ' કેટેગરીમાં મોટી ટિકિટ પર મુકાબલો લડશે, જ્યાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ સક્રિય બનશે, જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી અને ગોવા સામેલ છે, જ્યારે 'બી' કેટેગરીમાં પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીનું નેતૃત્વ કરશે.

આપના બિહાર પ્રભારી અજેશ યાદવે જણાવ્યું કે, આપ એકલા હાથે બિહારમાં ચૂંટણી લડશે. અમે બુથ સ્તર પર પક્ષને મજબૂત બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ. હાલ મહત્ત્વના રાજ્યમાં સાત તબક્કામાં પ્રવાસ શરૂ કર્યો છે. જેથી વધુને વધુ લોકો જોડાઈ શકે. અમે સીમાડાના ક્ષેત્રોમાં ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં તમામ ર૪૩ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. આગામી બે વર્ષ માટે પક્ષે પોતાનો કાર્યક્રમ નિર્ધારિત કરી લીધો છે.

આસામમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેજરીવાલે પ્રચાર વેગવાન બનાવ્યો છે. ર૦ર૭ માં ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ગોવા અને ગુજરાતમાં ચૂંટણી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યની તમામ ૭૦ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી, પરંતુ તેના ખાતામાં રર બેઠકો આવી હતી. ભાજપે ૪૮ બેઠકો પર જીત હાંસલ કરી હતી.

છેલ્લા બે ટર્મથી (૧૦ વર્ષ) અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં શાસન કર્યા પછી આ કારમી હારની સાથે પણ રાષ્ટ્રીય સ્તરે નબળો પડ્યો છે, ત્યારે બિહારમાં આ પ્રકારની રણનીતિ કોને ફાયદો કરાવશે તેના તારણો કાઢવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh