Advertisement
Author: નોબત સમાચાર

પ્રવાસન, પોર્ટ અને મીઠાના પ્રોડક્શન ક્ષેત્રે દ્વારકા જિલ્લામાં વિપુલ તકોઃ જિલ્લા ક્લેક્ટર

સોમનાથના રિજિયોનલ સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપમાં સંબોધન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. રઃ સોમનાથમાં રિજિયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો, જેમાં વિકસિત ભારત-ર૦૪૭ ના પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લા, અને રાજ્યના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે તેનું મનોમંથન કરાયું હતું. એ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર આર.એમ. તન્નાએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારના આર્થિક વિકાસ માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા સોમનાથમાં રિજિયોનલ સ્ટેકહોલ્ડર્સનો કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં સાગરકાંઠાના ચાર જિલ્લા જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કલેકટશ્રીઓે અને મ્યુનિસિપલ કમિશ્નરોએ સહભાગી થઈને ક્ષેત્રિય આર્થિક વિકાસનું મનોમંથન કર્યું હતું.

પ્રગતિશીલ, સશક્ત, સમૃદ્ધ અને ટકાઉ ભારતનું નિર્માણ કરવા માટે વિકસિત ભારતના વિઝન-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પોતાની પાસે રહેલી ક્ષમતાઓનો વિસ્તાર કરીને ગુજરાતના વિકાસમાં કઈ રીતે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે તેનું મનોમંથન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે સૌને આવકારી જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લો મત્સ્યસંપદાના મૂલ્યવર્ધન સાથે ધાર્મિક અને નૈસર્ગિક પારંપરિક ચિકિત્સાના કેન્દ્ર તરીકે ઉભરવાનું સામર્થ્ય ધરાવે છે. માત્ર આ દિશામાં વિચાર કરી આગળ વધવાની જરૂર છેે.

પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને લક્ષ્યમાં રાખી એક સરખી પ્રકૃતિ અને લાક્ષણિકતા ધરાવતા જિલ્લામાં આર્થિક વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે તેમજ પોરબંદર બે તીર્થ ક્ષેત્રોની વચ્ચે આવેલું છે ત્યારે બરડા સેન્ચ્યુરીમાં સિંહદર્શન, જાંબવતની ગુફાઓ, મોકરસાગર ખાતે બર્ડ સેન્ચ્યુરી, સુદામા મંદિર, બરડા ડુંગર, વૅટલેન્ડ એરિયા, દરિયાકિનારે ક્રૂઝ ચાલુ કરવા જેવી સુવિધાઓ સહિત પોરબંદરમાં આવેલા વિવિધ ફરવાના સ્થળોના વિકાસ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

જૂનાગઢ કમિશનર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આપણો વિસ્તાર વધુ પ્રવાસન સ્થળ ધરાવતો વિસ્તાર છે. અહીં સૌથી મોટી તક પ્રવાસન ક્ષેત્રમાં રહેલી છે. જૂનાગઢ એ ઐતિહાસિક વારસો ધરાવતું સ્થળ છે. ઈસ્લામિક, ઈન્ડોગોથિક વગેરે જેવા હાઇબ્રીડ સ્ટ્રક્ચરથી આર્કિટેક્ચરલ તેમજ ધાર્મિક ટૂરીઝમ સાથે આર્કિયોલોજીકલ રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગીરના જંગલમાં ૪૦૦થી વધુ ઔષધીય વનસ્પતિઓ રહેલી છે. જેને પ્રકૃતિ સાથે જોડીને નેચરોપથીને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કેન્દ્ર અને પ્રાકૃતિક ચિકિત્સાનું કેન્દ્ર વિકસાવી શકાય તેનું પથદર્શન રજૂ કર્યું હતું.

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર આર.એમ. તન્નાએ જણાવ્યું હતું કે, મીઠાના ઉત્પાદન, બંદર અને પ્રવાસન ક્ષેત્રે દ્વારકામાં અપાર તકો રહેલી છે. પ્રવાસન ઉપરાંત રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, કેનાલ નેટવર્ક, એગ્રો પ્રોસેસિંગ યુનિટનો વિકાસ કરીને ક્ષેત્રિય આર્થિક વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકાય તેનું વિચારદર્શન રજૂ કર્યું હતું.

પ્રાંત અધિકારી વિનોદ જોશીએ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશનના હેતુઓ અને કાર્યશૈલીથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કરી વર્કશોપની રૂપરેખા જણાવી હતી.

ગ્રીટના રોહન ગૌર દ્વારા આર્થિક વિકાસની નીતિ, ભૌતિક માળખાકિય સુવિધાઓ, પર્યાવરણ અને નૈસર્ગિક સંપદા, સામાજિક-આર્થિક વિકાસ અંગે ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકાય અને તેમાં આવનાર પડકારો અને ઉકેલ અંગેનું દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

ચારેય જિલ્લામાંથી ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓએ ગ્રુપમાં વહેંચાઈને ક્ષત્રિય આર્થિક વિકાસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

આ વર્કશોપમાં નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ સહિત અલગ અલગ ઉદ્યોગો, ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડિયન રેડક્રોસ, સરકારી સંસ્થા, ઉદ્યોગ સંગઠનો અને અન્ય મુખ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓએ દરિયાઈ વિસ્તારના વિકાસ માટે મનોમંથન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh