Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સહિતના બે કલાર્કે ઉપરી અધિકારીનો વિશ્વાસ કેળવી ત્રણ ખાતામાં પૈસા જમા કરાવ્યાઃ
જામનગર તા. ૨: જામનગરની જી.જી. હોસ્પિટલની હિસાબી શાખામાં આઉટ સોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા બે કલાર્કે છેલ્લા દોઢેક વર્ષમાં અન્યના નામે બનતા બીલમાં પોતાના બેંક એકાઉન્ટ નંબર લખી નાખી રૂ.૧૭ લાખ ૨૦ હજારની ઉચાપત કરી લીધી હોવાની ફરિયાદ આ શાખાના ઈન્ચાર્જ અધિકારીએ પોલીસમાં નોંધાવી છે. પાંચ-છ વર્ષથી આ બંને કર્મચારી તે અધિકારી સાથે કામ કરતા હતા અને તેના કારણે કેળવાઈ ગયેલા વિશ્વાસનો લાભ ઉઠાવી આ કર્મચારીઓ તે અધિકારીના ધ્યાનમાં પણ ન આવે તે રીતે જુદા જુદા બીલમાં સહી કરાવી લેતાં હોવાનું ફરિયાદમાં આ તબીબી અધિકારીએ જણાવ્યું છે પરંતુ આ કૌભાંડમાં અન્ય કેટલાક કર્મચારી-અધિકારી સંડોવાયા હોવાની શક્યતા નકારી શકાતી નથી. આ બાબતની તપાસ કરવા માટે આજે ગાંધીનગરથી ટૂકડી જામનગર આવી રહી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાખો રૂપિયાના બોગસ બીલીંગનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં હાલમાં હોસ્પિટલની હિસાબી શાખાના આઉટ સોર્સિંગના કારકૂન અને દિગ્વિજય પ્લોટ શેરી નં.૯માં રહેતા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી તથા કૃષ્ણનગરમાં રહેતા દિવ્યાબેન જયેશભાઈ મુંગરા સામે રૂ.૧૭ લાખ ૨૦ હજારની સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદમાં હિસાબી શાખામાં ઉપાડને વ્હેચણી અધિકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ડો. ભાવિન ચંપકભાઈ કણસાગરાએ ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ છેલ્લા પાંચ-છ વર્ષથી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા જી.જી. હોસ્પિટલના હિસાબી વિભાગમાં કર્મચારીઓના પગાર તેમજ અન્ય બીલ બનાવવાના કામને સંભાળતા હતા. આટલા વર્ષથી આ કર્મચારીઓ ઉપરી અધિકારી ડો. ભાવિન કણસાગરા પાસે જુદા જુદા બીલમાં સહી કરાવી જતા હતા અને તે પછી આ બીલની રકમ ભરપાઈ થવા પામતી હતી પરંતુ થોડા વખતથી થોડા થોડા દિવસે એક જ નામ અને મોબાઈલ નંબરથી બીલ રજૂ થતાં રહેતા હોય, જામનગરની તિજોરી કચેરીના સ્ટાફને શંકા પડી હતી.
ત્યારપછી હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવતા તે નામ તથા નંબર વિશે તપાસ કરાતા વર્ષ ૨૦૨૩ના ઓક્ટોબર મહિનાથી ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઈ મુંગરાના આઉટ સોર્સિંગના કર્મચારીઓએ બેંક ઓફ બરોડામાં જુદા જુદા ત્રણ એકાઉન્ટમાં રૂ.૧૭,૨૦,૦૦૦ જમા કરાવી લઈ સરકારી નાણાની ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું.
મચી ગયેલા ખળભળાટ વચ્ચે શનિવારે રાત્રે ડો. ભાવિન કણસાગરાએ ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ તથા દિવ્યા સામે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ જે.પી. સોઢાએ આ ગુન્હાની તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ કેટલાક કર્મચારી-અધિકારીઓની સંડોવણી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. પોલીસે આ બીલીંગ કૌભાંડની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ગાંધીનગર સુધી પડઘા પાડનાર આ પ્રકરણની તપાસ માટે આજે ગાંધીનગરથી ખાસ ટૂકડી જામનગર આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial