Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં તોફાની પવન સાથે વ્યાપક વરસાદઃ થાંભલા-વૃક્ષો ધરાશાયીઃ વીજળી ગુલ

૧૫૦ તાલુકામાં વરસાદી માહોલઃ દાહોદમાં દીવાલ- હોર્ડિંગ્ઝમાં દટાનારનું મૃત્યુઃ ગાજવીજ સાથે મેઘો મંડાણો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨ઃ ગુજરાતમાં તોફાની પવન સાથે ઠેર-ઠેર વ્યાપક વરસાદના વાવડ છે, અને અડધા ઈંચથી પોણા ચાર સુધીનો વરસાદ નોંધાયો છે, તો કેટલાક સ્થળે ભારે તારાજી સર્જાવા પામી છે. વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જતા પરિવહન ખોરવાયુ, જનજીવન પ્રભાવિત થયું અને અંધારપટ છવાયો છે. કયાંક હોર્ડીંગ્ઝ તો કયાંક દીવાલ પડતા જાનહાનિના વાવડ છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.

ગઈકાલે દિવસભરના અસહૃા ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દૃશ્યો પણ સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં રાત્રિના સમયે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. એક માર્ગ પર વૃક્ષ પડવાના કારણે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધનસુરા-મોડાસા હાઇવે પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં હાઈવે બ્લોક થઈ ગયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે માલપુરની બગીચા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર પવનના કારણે લાઈનોને નુકસાન થતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

છોટા ઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં પણ વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.

ગોધરામાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીક રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. આનંદનગરથી કનેલાવને જોડતા કોઝવેની કામગીરી ચાલતી હોવાથી વાહનવ્યવહાર માટે બનાવાયેલું કામચલાઉ માટીનું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતર પંથકમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. માતરમાં તીવ્ર વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને વીજળી ગુલ થઈ ગઈ હતી. ખંભાત પંથકમાં પણ ગત રાત્રે એકાએક વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણ વણસ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો છે. વડોદરા શહેરમાં પણ મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

આ ઉપરાંત દાહોદના સંજેલી તાલુકામાં પણ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો છે. એકતરફ આ વરસાદથી લોકોને અસહૃા બફારાથી મુક્તિ મળી છે, તો બીજી તરફ પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને વીજળીના પોલ પડી જતા વીજકંપનીઓની પોલ પણ ખુલી ગઈ છે.

અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ - ૩.૭૪ ઈંચ, ઉમરપાડામાં ૨.૭૬ ઈંચ, ખેડામાં ૧.૭૩ ઈંચ, માતરમાં ૧.૫૭ ઈંચ, લખતરમાં ૧.૫૭ ઈંચ, નડિયાદમાં ૧.૪૬ ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વલોડ, હસોટ, વાંસદા, ભરૂચ, માણસા, દસાડા અને વ્યારા જેવા અનેક તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠ, મહુધા અને તલોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં ૦.૫૯ ઈંચ, વલસાડમાં ૦.૫૧ ઈંચ, વડોદરામાં ૦.૩૧ ઈંચ, સુરત સિટીમાં ૦.૨૮ ઈંચ, અમદાવાદ સિટીમાં ૦.૨૦ ઈંચ જેવો વરસાદ પડયો છે.

રાજયભરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો પણ વાવણી માટેના સાનુકૂળ વાતાવરણની આશા સેવી રહ્યા છે. આ તોફાની પવન સાથેના વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિમાં જુદી-જુદી ઘટનાઓમાં જાનહાનિના પણ સમાચાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh