Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભાની ચૂંટણીઓના મતદાનની ઊંચી ટકાવારી કોના ફાયદામાં ?

એન્ટી ઈન્કમ્બન્સી કે પ્રો-ઈન્કમ્બન્સી...? ભાજપ માટે આશ્ચર્યજનક ઝટકો ?

નવી દિલ્હી તા. ૧૯ઃ ગઈકાલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થયેલા બમ્પર મતદાન પછી ચર્ચાનું બજાર ગરમ છે અને અનુમાનોની આંધી ફૂંકાઈ રહી છે. છત્તીસગઢમાં ૬૮% થી વધુ અને મધ્યપ્રદેશમાં ૮ર% જેવું મતદાન ચોંકવનારા પરિણામો સૂચવે છે. આ અંગે એવા સવાલો ઉઠી રહ્યાં છે કે, આ ભારે મતદાન એન્ટી ઈન્કમ્બન્સી સૂચવે છે કે, પ્રો-ઈન્કમ્બન્સી દર્શાવે છે...?

ઘણાં વિધેયકોના મંતવ્ય મુજબ મધ્યપ્રદેશનું ભારે મતદાન ભાજપ માટે ઝટકા સમાન હશે, કારણ કે ત્યાં એન્ટી ઈન્કમ્બન્સી ઉપરાંત કોંગ્રેસના જે ધારાસભ્યો અને સાંસદો પક્ષાંતર કરીને ભાજપની બુનિયાદ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેની સામેનો છુપો જનાક્રોશ પણ પ્રગટ થયો હોય, તેમ જણાય છે.

આ વિશ્લેષકોના મંતવ્ય મુજબ શિવરાજસિંહ સરકારે છેલ્લા એક વર્ષમાં જાહેર કરેલી લોક-લુભાવન યોજનાઓને મધ્યપ્રદેશની જનતા લોલીપોપ તરીકે ગણે છે અને એકંદરે ભાજપ વિરોધ પ્રચંડ જનાક્રોશ આ મતદાન મારફત પ્રગટ થયો છે. જેથી ભાજપના સુપડાં સાફ થવાની અને મધ્યપ્રદેશમાં જંગી બહુમતીથી કોંગ્રેસની સરકાર આવવાની સંભાવનાઓ વધુ છે.

જો કે, ભાજપ અને કોંગ્રેસ - અન્ય પક્ષો ભલે વિજયના દાવા કરે, પરંતુ હુકમનું પાનુ તો મતદારોના હાથમાં હતું, અને મતદારોએ મધ્યપ્રદેશમાં કોને જનાદેશ આપ્યો છે, તે તો ત્રીજી ડિસેમ્બરે જ ખબર પડશે...

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મતદાનની ઊંચી ટકાવારી કોને ફાયદો કરશે અને કોને નુકસાન તે પણ ત્રીજી ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે, પરિણામો ચોંકાવનારા હશે અને જેને જનાદેશ મળશે, તેને એટલી જંગી બહુમતી મળશે કે ભૂતકાળની જેમ તે સરકારને કોઈ સરળતાથી તોડી નહીં શકે.

મધ્યપ્રદેશમાં ભાજપના સૂપડાં સાફ થશે તેવી આગાહી અથવા અટકળો કરનારા વિશ્લેષકોના અભિપ્રાયો મુજબ છત્તીસગઢમાં જે ધીંગુ મતદાન થયું છે તે પ્રો-ઈન્કમ્બન્સી થયું છે અને છત્તીસગઢમાં કોંગ્રેસની જે સરકાર હતી, તેનાથી લોકો ખૂબ જ સંતુષ્ટ છે અને છત્તીસગઢમાં પુનરાવર્તન માટે મતદાન કર્યુ છે. તેનાથી વિરૃદ્ધ ભાજપના શાસનથી કંટાળેલી જનતાએ મધ્યપ્રદેશમાં શાસન વિરોધી મતદાન કર્યુ હોવાથી ત્યાં પણ કોંગ્રેસની સરકારને પુનઃ જનાદેશ મળશે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થયેલા જંગી મતદાનને લઈને આનાથી વિરૃદ્ધના અભિપ્રાયો પણ આવી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં ભાજપના જ્યોર્તિરાદિત્ય સિંધિયાની પ્રતિષ્ઠા પર હતી અને મૂળ કોંગ્રેસના જ સાંસદે કોંગ્રેસની તમામ પોલંપોલ ખોલી નાંખી, તેનો ફાયદો ભાજપને થયો છે. બીજી તરફ ભાજપમાં આવેલા કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો સામે છૂપો અસંતોષ ખાળવાથી કોઈ છૂપી રણનીતિ પણ કામ કરી ગઈ હોવાની ચર્ચા છે. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 'મહારાજા' તરીકે ઓળખાતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ પણ ભાજપના ફાયદામાં છે. તે ઉપરાંત શિવરાજ સરકાર તથા કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ પણ લોકપ્રિય બની છે. લોકલુભાવન વાયદાઓ પણ કામ કરી રહ્યાં છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ફાયદો પણ ભાજપને થવાનો છે, તેથી સરવાળે મધ્યપ્રદેશમાં ભાજપને પુનઃ જનાદેશ મળશે અને જંગી બહુમતી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

તેવી જ રીતે છત્તીસગઢમાં તો લોકોએ કોંગ્રેસની બધેલ સરકાર વિરૃદ્ધ મતદાન કર્યુ હોવાથી ત્યાં ભાજપની સરકાર પૂરેપૂરી બહુમતી સાથે રહેશે, તેવો રમણસિંહનો દાવો સાચો ઠરશે, તેવા અભિપ્રાયો પણ કેટલાક વિશ્લેષકો કરી રહ્યાં છે.

કેટલાક વિશ્લેષકોના મંતવ્યો એવા છે કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જશે, તો તેના વિજયનો જશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાશે, પરંતુ જ્યાં ભાજપ હારશે તે રાજયમાં પરાજયની જવાબદારી ભાજપના પ્રાદેશિક નેતૃત્વની માથે ઢોળી દેવાશે, મતલબ કે, મધ્યપ્રદેશમાં ભાજપ હારશે, તો તેના માટે શિવરાજસિંહ, જ્યોતિરાદિત્ય સિંધયાને જવાબદાર ઠેરવાશે અને છત્તીસગઢમાં રમણસિંહ તથા પ્રદેશ ભાજપના શિરે જવાબદારી ઢોળી દેવાશે, પરંતુ જો ભાજપ જીતશે તો તેનો યશ જોરશોરથી પીએમ મોદીને અપાશે, જેથી વર્ષ-ર૦ર૪ ની ચૂંટણીમાં ફાયદો થાય, જો કે, ભાજપના વિજયની સંભાવના પ૦ ટકાથી નીચે ગણાવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસના વિજય કે પરાજય માટે મધ્યપ્રદેશમાં કમલનાથ અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલને યશ કે અપયશ મળશે તેમ મનાઈ છે... જોઈએ ત્રીજી ડિસેમ્બરે શું થાય છે તે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh