Advertisement
Author: નોબત સમાચાર

સરકારી યોજનાઓના સુચારૃ-પ્રસારની જવાબદારી હવે સરકારી તંત્રના માથે...

બે મહિના સુધી  'ભારત સંકલ્પ યાત્રા'ના નામથી યોજનાઓનો પ્રચાર કરવાનું એલાન

જામનગર તા. ૧૮ઃ કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા આઠ-દસ વર્ષમાં વિવિધ નામકરણ સાથે અનેક સરકારી યોજનાઓની જાહેરાતો થઈ છે, તેની અમલવારી થઈ રહી છે. જે તે યોજનાના સાચા લાભાર્થીઓને આ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે દિશામાં જે કામગીરી થઈ છે કે થઈ રહી છે તે નિરાશાજનક હોવાનું સમજાય છે.

વડાપ્રધાન ચૂંટણીઓની જાહેર સભાઓ હોય કે કોઈપણ નાના-મોટા સરકારી કાર્યક્રમો હોય, તેમના ભાષણમાં કેન્દ્ર સરકારની કેટલીક અતિ મહત્ત્વની લાભદાયી યોજનાઓનો ઉલ્લેખ અવશ્ય કરે જ છે. એટલું જ નહીં, તેઓ દેશમાં કઈ યોજનાથી કેટલા લોકો લાભાન્વિત થયા તેની આંકડાકીય વિગતો પણ જાહેર કરે છે.

ભારતીય જનતા પક્ષના સાંસદો, નેતાઓ, કાર્યકર્તાઓ, ધારાસભ્યોને તેઓ જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી છેવાડાના લોકો સુધી પહોંચાડવા તાકીદ કરતા રહે છે.

પણ... ખાટલે મોટી ખોટ એ છે કે કોઈપણ સરકારી યોજના હોય તેનો અમલ તો રાજ્ય સરકારની કચેરીઓ અને સ્ટાફ દ્વારા જ કરવાનો હોવાથી લોકોને લાભો મળવામાં અનેક મુશ્કેલી પડે છે. ખૂબ જ વિલંબ થાય છે અને પરિણામે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહી જતી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં, ભાજપના નેતાઓના ભાષણોમાં જે જે યોજનાઓનો જોરશોરથી ઉલ્લેખ થાય છે તેવી યોજનાઓની અમલવારીમાં ક્યાંય તીવ્રતા કે ગતિ દેખાયા નથી.

'નોબત'નો અભ્યાસ અહેવાલ

'નોબત'ના તા. ૧૯-૧૦-ર૦રર ના અંકમાં છેલ્લા પૃષ્ઠ ઉપર સરકારની યોજનાઓનો શા માટે પૂરેપૂરો અમલ થતો નથી અથવા સાચા લાભાર્થીને કેમ લાભ પહોંચતો નથી તેનો એક પ્રાથમિક તારણો સાથેનો અભ્યાસ અહેવાલ પ્રસિદ્ધ થયો છે. એમાં સરકારી તંત્રની કચેરીઓમાં નિષ્ણાત સ્ટાફની અછત, કોન્ટ્રાકટવાળા આઉટ સોર્સિંગ કર્મચારીઓને જવાબદારી, નેટ કનેક્શનના ધાંધિયા, ઓનલાઈનની મથામણ, ખૂબ જટિલ અરજીપત્રકો, કચેરીઓમાં માર્ગદર્શન-સહકારનો અભાવ, વગેરેનો ઉલ્લેખ કરાયો છે.

અંતે... વડાપ્રધાને હવે સમગ્ર દેશમાં સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે માટે સતત બે મહિના સુધી 'ભારત સંકલ્પ યાત્રા'ના નામ સાથે ઝુંબેશ શરૃ કરવાની જાહેરાત કરી છે, અને આ પ્રચાર-પ્રસારની કામગીરી દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની જવાબદારી હેઠળ પટાવાળાથી લઈ પ્રાંત અધિકારી સુધીના તમામ કેડરના કર્મચારીઓએ કરવાની રહેશે.ગામડે ગામડે જઈ, ઘરે ઘરે જઈ યોજનાઓની જાણકારી આપવાના આદેશો થયા છે.

અર્થાત્, ખુદ વડાપ્રધાને પણ સરકારી યોજનાઓના અમલમાં થઈ રહેલા વિલંબ, મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો છે. તેમના જ ભાજપના ચૂંટાયેલા નેતાઓ કે કરોડો કાર્યકર્તાઓના ભરોસે રહેવાને બદલે હવે સરકારી ધોરણે આ ઝુંબેશ શરૃ કરવી પડી છે!

ખરેખર તો જો દરેક સરકારી કચેરીમાં લાભાર્થીઓ/અરજદારોને યોગ્ય માર્ગદર્શન મળે, પૂરો સહકાર મળે, કોમ્પ્યુટરો-નેટવર્ક બરાબર વ્યવસ્થિત કામ કરે અને ઝડપથી અમલવારી થાય તો આવી ઝુંબેશની જરૃર જ ન પડે... અને ભાજપના નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ, કાર્યકર્તાઓ તો યોજનાઓના પ્રચાર-પ્રસાર કે માર્ગદર્શન આપવામાં સદંતર નિષ્ક્રિય રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે, અને ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વડાપ્રધાને હવે ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓનો વધુને વધુ લોકો સુધી લાભ પહોંચે તે મુદ્દાને ટોચની પ્રાથમિક્તા આપવી પડી છે.

આ ઝુંબેશના નામે ભાજપના નેતાઓના ફોટો સેશન જેવા ખેલ થવાની શક્યતા પણ છે જ, અને પ્રચાર-પ્રસાર સાથે સરકારી તંત્ર લોકોને ઘરબેઠા જ ફોર્મ ભરવા, માર્ગદર્શન આપવા અને હુકમ કરવા સુધીની કાર્યવાહી કરશે તો જ સંકલ્પ યાત્રાનો સંકલ્પ સિદ્ધ થશે.

ભારતમાં કદાચ સૌ પ્રથમ વખત ભારતની સેનાની ત્રણેય પાંખોને પણ સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપાઈ છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh