Advertisement
Author: નોબત સમાચાર

ઉપવાસઃ આધ્યાત્મિક દૃષ્ટિએ.. આધુનિક રીતે..

શ્રાવણ માસ સાથે સાથે ઉત્સવો પણ શરૂ થઈ ગયા છે. ઉત્સવો અને હિન્દુ પર્વોની સાથે ઉપવાસની હારમાળા પણ શરૂ થઈ ગઈ છે. તમામ ધર્મોમાં ઉપવાસનો મહિમા છે. દરેક ધર્મમાં ઉપવાસ માટેના નિશ્ચિત દિવસો અને તિથિ પણ જણાવેલ છે. ઉપવાસને પાપનું પ્રાયશ્ચિત માનવામાં આવે છે.

ઉપવાસ એટલે શરીર અને મનને કષ્ટ આપનાર નિયમ, સાદી ભાષામાં અન્ન જળ વગર દિવસ પસાર કરવો એટલે ઉપવાસ ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભોગવિલાસ ત્યજીને સદ્દભાવપૂર્વક રહેવું એટલે ઉપવાસ. પણ આજે ઉપવાસનો અર્થ બદલાઈ ગયો છે. રોજબરોજ જેટલું ન ખાતા હોઈએ તેટલું ઉપવાસના દિવસે ખવાય છે. કયાંક શાસ્ત્રમાં લખ્યું નથી કે ઉપવાસમાં 'ફરાળ' ખાવું. સાચું કહીએ તો ઉપવાસમાં ફળાહાર એટલે ફળોનો આહાર... પરંતુ આપણે ફળાહારને અપભ્રંશ કરીને 'ફરાળ' શબ્દ બનાવી દીધો અને ફરાળના નામે જાતજાતની વાનગી ઝાપટીએ છીએ. ખરેખર તો શરીર નીરોગી રાખવા અને પાપમાંથી મુક્તિ મેળવવા ઉપવાસ જરૂરી છે. પણ આપણે તો ઉપવાસનો અર્થ જ ફેરવી નાખ્યો છે.

ઉપવાસને કેટલાક લોકો 'અપવાસ' પણ કહે છે, જે પણ અપભ્રંશ થયેલો શબ્દ છે. તેનો અર્થ શબ્દકોષમાં છે જ નહીં. હા... ઉપવાસમાં ઉપ એટલે વધારાનું અને વાસ એટલે ભોજન. આયુર્વેદ કહે છે કે આખા અઠવાડિયામાં પાંચ દિવસ જ જમવું જોઈએ. બે દિવસ કોરા રાખવા જોઈએ. આપણે પૂરું અઠવાડિયુ જમીએ છીએ. તે વધારાનું ભોજન કહેવાય છે. આ વધારાના ભોજનને બદલે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એટલે એક રીતે શરીરનો શિસ્તમાં રાખવાનો પ્રયાસ.  ઉપવાસમાં કેવી પરેજી પાળવી તે પણ શાસ્ત્રોમાં બતાવાયું છે. ઉપવાસમાં અન્નનો દાણો શરીરમાં નાખવો નહીં, તે દિવસે માથામાં તેલ નાખવું નહીં, આંખમાં આંજણ ન કરવું, પરફયુમ ન છાંટવું, આભુષણ ન પહેરવા, દિવસે ઊંઘવું નહીં, અને મનોરંજન કરવું નહીં... પણ આજે...

ઉપવાસનો આરંભ કયારથી થયો તે ચોક્કસપણે જાણવા મળ્યું નથી. પણ કદાચ અનાજની ખેંચ માણસને સમજાઈ ત્યારથી ધર્મના નામે અનાજ બચાવવાનું શરૂ કર્યું હશે, જૈન લોકોના ઉપવાસ બહુ અઘરા હોય છે. માત્ર પાણી પી ને દિવસો ખેંચી શકતા હોય છે. હિન્દુ ધર્મમાં પરમેશ્વરની પ્રાપ્તિ માટે જે ચાર વર્ગ બતાવ્યા છે, તેમાં યજ્ઞ, દાન, તપ અને ઉપવાસનો સમાવેશ થાય છે.

ખરેખર ઉપવાસ કરનાર માણસોમાં શારીરિક શક્તિ નષ્ટ થઈ જાય છે. શરીર નબળું પડે છે. આ માટે સાવ નકોરડા નહીં, પણ ફ્રૂટ-જયૂશ લઈને ઉપવાસ કરવા. ઉપવાસ કરવાથી શરીરની અંદર ફરતા લોહીમાં રહેલા પ્રવાહીનું બાષ્પીભવન થવાથી લોહી ઘટ્ટ બને છે. પરિણામે પરસેવા દ્વારા કચરો બહાર કાઢવાનું મુશ્કેલ બની જાય છે, એસિડિટી વધે છે. આ માટે ફળોનો રસ કે જેમાં કુદરતી સાકર છે તે આ બધી ઉણપ દૂર કરે છે અને શરીરને જરૂરી પોષક તત્ત્વો આપે છે.

આધ્યાત્મિક રીતે કહેવાયું છે કે તમે ભુખ્યા રહો એ ધર્મ નથી. બચાવેલું ભોજન બીજાને આપો એ ધર્મ છે. વૈદિક દૃષ્ટિએ પણ તબિયત સારી રાખવા, શરીરના શુદ્ધિકરણ માટે કે પછી પાચન-તંત્રને આરામ આપવા માટે અઠવાડિયે-દસ દિવસે એકાદ દિવસ ઉપવાસ કરવો જોઈએ તે યોગ્ય છે.

ન્યૂટ્રીશ્યનના મત મુજબ ચોમાસાના દિવસોમાં દુષિત પાણી કે જીવજંતુને કારણે ખોરાક બગડવાથી આપણે બીમારી લાગવાની શકયતા વધુ રહે છે. એટલે આ દિવસોમાં હળવું ભોજન લેવાનું હિતાવહ છે. તબિયત ખાતર કોઈ એકાદ ટંક ખાધા વગર રહે તો વાંધો નહીં, પરંતુ જો ડોકટરો આવી સલાહ આપે તો કદાચ કોઈના પણ માને, એટલે કહેવાય છે કે ધર્મના નામે ઉપવાસ કરો.

ભગવદ્દ ગીતામાં 'યુકત આહાર વિહાર' એવું જણાવેલું છે. યુકત એટલે યોગ્ય, જરૂર છે આહારમાં પ્રમાણભાન જાળવવાની આ સિઝનમાં શરીરનો અગ્નિ મંદ પડે છે. વાદળિયા વાતાવરણને લીધે બહારથી સૂર્યનો અગ્નિ પણ ઓછો મળે છે. એટલે શરીરે જાતે અગ્નિ ઉત્પન્ન કરવો પડે છે. શરીરમાં ઊર્જા ઓછી હોય ત્યારે વધારે ખાવાથી અપચો થઈને બીમારી આવે છે. એટલે જ ઉપવાસ કરવામાં આવે છે. ટૂંકમાં ઉપવાસ એક કઠીન તપશ્ચર્યા છે. તેમાં ફરાળ ખાઈને શરીરનો બગાડ ન કરો. ઉપવાસના નામે ગમે તે ઝાપટવા ન લાગો.

આજે તો ઉપવાસ ફેશન થઈ ગઈ છે. ઉપવાસમાં ફરાળના નામે વિવિધ વાનગી ઝાપટવામાં આવે છે. કેટલીક હોટલો અને ફાસ્ટ ફુડ પાર્લરમાં પણ ફરાળની અવનવી વાનગી મળે છે. જાંબુ, બરફી જેવી મીઠાઈ તો સાવ સામાન્ય ગણાય છે. ફરાળના નામે પહેલા સાબુદાણાની ખીચડી, સુકી ભાજી, સામો, શીરો, સીંગદાણા, બટેટાની વેફર જેવી વસ્તુ ખવાતી હતી. પણ હવે તો ફરાળી ઢોસા, ઈડલી, પાત્રા, ખમણ, પિત્ઝા, ભેલ, ફરાળી સેવ, પેટીસ, પૂરી જેવી અધધ થઈ જવાય તેટલી વાનગી મળે છે પરંતુ આ બધી વાનગી મોટાભાગે તળેલી હોય છે, જે નુકસાન કરતા હોય છે.

ઉપવાસ કરવો હોય અને સાચા અર્થમાં ધર્મના નામે કરવો હોય તો આટલી વાત ધ્યાનમાં રાખો...

- ઉપવાસના એક દિવસ પહેલા સાંજથી ભારે ભોજન ન લો.

- ઉપવાસના દિવસે ફકત ફળ અને દૂધનો ઉપયોગ કરો.

- તે દિવસે વધારે પ્રમાણમાં પાણી પીવું.

- નબળાઈ લાગે તો લીબું પાણી પી શકાય.

- ઉપવાસના દિવસે વધારે મહેનતવાળું કામ ન કરવું.

- ઉપવાસ પછીના દિવસે સવારમાં ભારે ખોરાક ન લેવો, હલકી વાનગી ખાઈને ઉપવાસ તોડવો.

ટૂંકમાં ઉપવાસ ધાર્મિક ક્રિયા સાથે આ સિઝનમાં શરીર માટે ફાયદાકારક છે. શરત માત્ર એટલી જ કે તે યોગ્ય રીતે કરો.

- દિપા સોની : જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh