Advertisement
Author: નોબત સમાચાર

ભાજપથી મોહભંગ થતાં વરૃણ ગાંધી હવે સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવા સંકેતો

મેનકા ગાંધી યોગી આદિત્યનાથની મુલાકાત પણ ચર્ચામાં

નવી દિલ્હી તા. ર૪ઃ ભારતીય જનતા પક્ષથી મોહભંગ થયા પછી ભાજપના સાંસદ અને ગાંધી પરિવારથી દાયકાઓ પહેલા છૂટા પડેલા ગાંધી પરિવારના જ મેનકા ગાંધીના પુત્ર વરૃણ ગાંધી છેલ્લા ઘણાં સમયથી પોતાની જ પાર્ટી વિરૃદ્ધ અથવા તો શાસકો વિરૃદ્ધ પણ નિવેદનો આપતા રહે છે, તેથી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે, તેવી અટકાળો તેજ બની હતી. એવું કહેવાતું હતું કે પિતરાઈ ભાઈઓ રાહુલ ગાંધી અને વરૃણ ગાંધી વચ્ચેનું ટ્યુનીંગ ઘણું જ વધી ગયું છે, અને માતા-પુત્રનો ભારતીય જનતા પક્ષ સાથે મોહભંગ થતા તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ જશે.

આ પછી રાજકીય ગતિવિધિ તેજ બની હતી અને મેનકા ગાંધીએ જે કારણે કોંગ્રેસ અને ગાંધી પરિવાર છોડ્યો હતો, તેની ચર્ચાઓ પણ થવા લાગી હતી, તે પછી વરૃણ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે પણ વિવિધ અટકળો થવા લાગી હતી.

અત્યારે વરૃણ ગાંધી ઉત્તરપ્રદેશના પીલીભીતમાંથી ભાજપના લોકસભામાં ચૂંટાયેલા સંસદસભ્ય છે. તેઓ ભારતીય જનતા પક્ષથી નારાજ છે, તે હવે ઓપન સિક્રેટ છે, અને તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ શકે, તેવા સંજોગો પણ ઊભા થયા હતાં.

એવું માનવામાં આવ્યું હતું કે, વરૃણ ગાંધી ઉત્તરપ્રદેશમાંથી જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થશે, તે સમયે કોંગ્રેસમાં જોડાઈને રાહુલ ગાંધી સાથે આ પદયાત્રામાં સહભાગી થશે, પરંતુ તેવું કાંઈ થયું નહીં, અને તે પછી તેઓ હવે સમાજવાદી પાર્ટીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પકડ્યું છે.

વરૃણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાય, તેવી અટકળો થવા પાછળ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સમયે એક ગુપ્ત હિલચાલ થઈ હતી, તેની અસરો રહેલી હોવાનું કહેવાય છે. તે સમયે પણ વરૃણ ગાંધીનો સમાજવાદી પાર્ટીમાં જોડાવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો હતો, પરંતુ કોઈ ચોક્કસ સમજુતિના અભાવે કે પછી મેનકા ગાંધીની સલાહ મુજબ તેઓએ પક્ષાંતર કર્યું નહીં હોવાની ચર્ચા છે, અને હવે વરૃણ ગાંધી પીલીભીતના સાંસદ તરીકે રાજીનામું આપીને વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પહેલા જ પોતાનું નવું પ્લેટફોર્મ ઊભું કરવાની ગણતરી સાથે સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે, તેવું મનાય છે. એવું કહેવાય છે કે, વરૃણે ભાજપ સાથે છેડો ફાડવાનું તો નક્કી કરી જ લીધું છે, પરંતુ માત્ર ક્યા પક્ષમાં જવું તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી.

આ પ્રકારની અટકળો થવા પાછળ વરૃણ ગાંધીએ થોડા મહિનાઓ પહેલા ગાંધી પરિવારના અને રાહુલ ગાંધીને લઈને પરોક્ષ રીતે સકારાત્મક નિવેદનો આપ્યા હતાં, પરંતુ હવે ખુલ્લેઆમ અખિલેશ યાદવના વખાણ કર્યા છે તેથી વરૃણ કોંગ્રેસ અથવા સમાજવાદી પાર્ટી પૈકી કોઈપણ એક પાર્ટીમાં જોડાઈ શકે છે.

બીજી તરફ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલે કહ્યું છે કે, ભ્રષ્ટ ભાજપ સરકારને હરાવવા જે પણ સમાજવાદી પાર્ટીમાં જોડાય, તેનું સ્વાગત છે. આ નિવેદન પછી વરૃણ ગાંધી હવે સપામાં જોડાશે, તેવી શક્યતાઓ વધી ગઈ છે.

જો કે, ભારતીય જનતા પક્ષના સાંસદ અને વરૃણ ગાંધીના માતા મેનકા ગાંધીએ હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી. એટલે જ અસમંજસ ઊભી થઈ રહી છે, અને મેનકા ગાંધી ભાજપને વફાદાર રહે તો પણ વરૃણ ગાંધી કોંગ્રેસ કે સપામાં જશે કે પછી માતાને અનુસરશે, તેવા સવાલો ઊઠી રહ્યા છે.

બીજી તરફ સુલતાનપુર વિસ્તારના તમામ ધારાસભ્યો સાથે મેનકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીધેલી મુલાકાત પણ ચર્ચામાં છે. આ મુલાકાત પછી ઘીના ઠામમાં ઘી પડી રહેશે, તેવી અટકળો પણ વહેતી થઈ છે. જસ્ટ વેઈટ એન્ડ વોચ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh