Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભજનના કાર્યક્રમમાંથી જતી વેળાએ માર્ગમાં કાળનો ભેટો થયોઃ
જામનગર તા. ર૪ઃ ધ્રોલથી ટંકારા વચ્ચેના ધોરી માર્ગ પર આવેલા ગોકલપર ગામ પાસે ગઈરાત્રે એકાદ વાગ્યે આઈટેન મોટર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટીંબડી ગામના બે યુવાન અને પીઠડ ગામના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. ઘવાયેલા અન્ય એક યુવાનને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે આવેલા ગોકલપર ગામ પાસે ગઈરાત્રે એકાદ વાગ્યે હુન્ડાઈ કંપનીની આઈટેન મોટર તથા રાજસ્થાન પાસિંગના ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોડિયા તાલુકાના પીઠડ ગામના લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા નામના યુવાન ગઈકાલે રાત્રે પોતાના ગામથી જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં યોજાયેલા ભજનના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતાં.
તેઓને રાત્રે બારેક વાગ્યે તેમના પરિવારજને ફોન કરતા લાલજીભાઈએ પોતે ભજનના કાર્યક્રમમાં હોવાનું અને ત્યાં તેમને મિત્રો મળી ગયા હોય, તેમની સાથે ધ્રોલ નાસ્તો કરવા જતા હોવાનું તેમજ મોટરમાં ગેસ ભરાવી મિત્રોને ટીંબડી ગામે ઉતારી પોતે ઘેર આવતા હોવાનું જણાવ્યું હતું.
ત્યારપછી રાત્રે દોઢેક વાગ્યે લાલજીભાઈના પરિવારજનને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેઓને લાલજીભાઈને અકસ્માત નડ્યો હોવાનું કહેવાતા લાલજીભાઈનો પરિવાર ઉચ્ચકશ્વાસે અકસ્માતના સ્થળ - ગોકલપર ગામ પાસે દોડી ગયો હતો.
તે સ્થળે લાલજીભાઈ આઈટેન મોટર જીજે-૦૩-એલજી-૯૩ર૬ સાથે રાજસ્થાન પાસિંગનો આર-જે-૦૪ જીસી-૧૭૦૭ નંબરનો ટ્રક અથડાયેલો જોવા મળ્યો હતો. તે મોટરમાંથી લાલજીભાઈ તેમજ તેમના મિત્ર ટીંબડી ગામના જયદિપસિંહ અનિરૃદ્ધસિંહ જાડેજા, યુવરાજસિંહ જગતસિંહ જાડેજા અત્યંત ગંભીર ઈજા પામેલા અને મૃત્યુ પામેલા મળી આવ્યા હતાં. જ્યારે તેમની સાથે રહેલા વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા કણસતી હાલતમાં જોવા મળતા ૧૦૮ ને ફોન કરવામાં આવ્યો હતો.
દોડી આવેલી ૧૦૮ ના સ્ટાફે લાલજીભાઈ, યુવરાજસિંહ અને જયદિપસિંહને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. જ્યારે ઘવાયેલા વિક્રમસિંહને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લાલજીભાઈના ભાઈ પીઠડ ગામના ખેડૂત લખમણભાઈ દેવદાનભાઈ ગોગરાનું નિવેદન અને ફરિયાદ નોંધી ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
અકસ્માતની જાણ થતા મોડી રાત્રે તેમજ સવારે મૃતકો તેમજ ઈજાગ્રસ્તના પરિવારો દવાખાને આવી પહોંચ્યા હતાં. ધ્રોલના પીએસઆઈ પી.જી. પનારાએ ત્રણેય મૃતદેહોનું આજે સવારે જામનગરની મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહોનો કબજો તેમના પરિવારોને સોંપ્યો છે. આ અકસ્માતના પગલે નાના એવા ટીંબડી તેમજ પીઠડ ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag