Advertisement
Author: નોબત સમાચાર

શું સરકાર પર 'કોર્પોરેટ પ્રેસર' છે? પેકેજ્ડ ફૂડ પેકેટો પર વોર્નિંગ લેબલ અંગે 'સુપ્રિમ' ટકોર...

                                                                                                                                                                                                      

આજે પેકેજ્ડ ફૂડ પેકેટોનું માર્કેટ તેજીથી ગતિ પકડી રહ્યું છે, અને શાળાએ જતા બાળકો હોય કે નોકરીએ જતા કર્મચારીઓ, શ્રમિકો હોય કે કોન્ટ્રાક્ટરો, ગૃહિણીઓ હોય કે વયસ્કો હોય, તમામ વયજુથ, વર્ગો અને વિસ્તારોમાં પેકેજ્ડ ફૂડ પેકેટોમાંથી નાસ્તો કરી રહેલા જોવા મળે છે, ધીમે ધીમે માત્ર કામચલાઉ ધોરણે કે પ્રવાસ દરમિયાન બીજો કોઈ વિકલ્પ ન હોય, ત્યારે ખવાતા આ પડીકાં હવે તો નાસ્તો અને ઘણી વખત તો ભોજનનો પણ પર્યાય હોય, તેવી રીતે ખવાય છે અને બાળકો-કિશોરો તથા યુવા-વયજુથોમાં તો આ પેકેજ્ડ ફૂડ પેકેટો હવે વ્યસન (આદત) બનવા લાગ્યા છે. બીજી તરફ આ રીતે આપણે રૂપિયાનું માર્કેટ ધરાવતા આ 'પડીકાંઓ'માં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે સવાલો પણ ઊઠતા રહે છે, અને આ મુદ્દો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સખ્ત (કડક) વલણ અપનાવ્યું હતું અને કેન્દ્ર સરકારના વકીલને વેધક સવાલો પૂછીને વ્યંગાત્મક ટકોર પણ કરી હતી. સુપ્રિમ કોર્ટનું કહેવું એવું હતું કે અદાલતનો ઉદ્દેશ્ય કોઈ ઉદ્યોગ કે કંપનીને નુક્સાન પહોંચાડવાનો નથી, પરંતુ નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા તથા વ્યાપક જનહિતનો હેતુ છે.

આ સુનાવણી દરમિયાન બન્ને તરફના વકીલોએ અદાલતના ન્યાયવિંદે સમક્ષ પોતાની દલીલો આપી હતી, ત્યારે અદાલતની બે જજોની બેન્ચ પણ દલીલો સામે સરકાર પર ટકોર કરીને એફએસએસએઆઈ તથા કેન્દ્ર સરકારને તતડાવ્યા હતાં. અદાલતે કહ્યું હતું કે નાગરિકોને આ જેકફૂડમાં ખાંડ, મીઠું અને ફેટ કેટલા પ્રમાણમાં છે, તે જાણવાનો પૂરો પૂરો હક્ક છે, અને જો સરકાર કાંઈ નહીં કરે તો સ્વયં અદાલત આ અંગે નિર્દેશો આપી દેશે, કારણ કે આ કરોડો લોકોના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે, જેને હળવાશથી લઈ શકાય તેમ નથી.

પીઆઈએલ કરનાર અરજદારે સુપ્રિમ કોર્ટના આ જ વિષય પર અપાયેલા નિર્દેશોનું પૂરેપૂરૃં પાલન થતું નથી, તેવી દલીલ કરીને એફએસએસએઆઈની બેઠકમાં લેવાયેલા લેટેસ્ટ નિર્ણયોને અપૂરતા ગણાવ્યા હતાં, જેથી સુપ્રિમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની ખંડપીઠે કેન્દ્ર સરકારના વકીલનો જવાબ માગ્યો હતો, અને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે સરકાર પર મોટી કોર્પોરેટ કંપનીઓનું પ્રેસર હોય તેવું લાગે છે, જેથી સરકાર તેઓની સામે ઝુકી રહી છે. અદાલતે એફએસએસએઆઈ અને કેન્દ્ર સરકારને બે અઠવાડિયામાં આ મુદ્દે સંતોષકારક કદમ ઊઠાવવા આદેશ કર્યો હતો અને આને અંતિમ મુદ્ત ગણાવીને અદાલતે ચેતવણી પણ આપી હતી કે જો આ મુદ્તમાં સરકાર કોઈ 'સંતોષકારક' નિર્ણય નહીં લઈ શકે, તો અદાલત પોતે જ અંતિમ આદેશ ફરમાવી દેશે. સરકાર, એફએસએસએઆઈ, ઉત્પાદકો અને સંબંધકર્તા સૌને સુપ્રિમ કોર્ટનો એ આદેશ બંધનકર્તા રહેશે.

આ સુનવાણી દરમિયાન અદાલતે કરેલી ટકોર અને ટિપ્પણીઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. અરજદારની દલીલ હતી કે પડીકાઓમાં ભરેલી ખાદ્યચીજોમાં ખાંડ, મીઠું અને ફેટ નિયત મર્યાદા કરતા વધુ હોય તો પેકેટ પર સારી રીતે વાચી શકાય તેવી રીતે સ્પષ્ટ ચેતવણી લખવી પડશે, અને ગ્રાહકોએ તેઓ શું ખાઈ રહ્યા છે, તેની ખબર હોવી જોઈએ, તેની સામે કેન્દ્ર સરકારની દલીલ એવી હતી કે જો નવા નિયમો લાગુ થાય, તો નમકીન જેવી પરંપરાગત ભારતીય વાનગીઓ (ટ્રેડિશ્નલ ફૂડ) પણ તેની ચપેટમાં આવી જશે અને લગભગ દરેક ફૂડપેકેટ્સ પર રેડ લેબલ (ચેતવણીનું લાલ નિશાન તથા વિવરણ) લગાડવા પડશે. આ કારણે આ ક્ષેત્રે જોડાયેલા લાખો નાના વેપારીઓ, એમએસએમઈ તથા સામાન્ય છૂટક વેપારીઓની રોજીરોટી પર અસર કરશે. વિકસિત દેશોના નિયમો સીધેસીધા આપણા દેશમાં લાગુ કરી દેવા એ ઠીક નથી, કારણ કે ત્યાંના ખોરાકના ધોરણો અલગ છે. જો આ પ્રકારે વિકસિત દેશોના નિયમો લાગુ થશે, તો આપણા દેશના લાખો લોકોને તેની માઠી અસર પહોંચશે, વગેરે...

આ પ્રકારની દલીલોથી અકળાઈ ઊઠેલી સુપ્રિમ કોર્ટની બેન્ચે નારાજગી વ્યક્ત કરી, અને સરકાર કોર્પોરેટ ક્ષેત્રના દબાણમાં હોય અને ઝુકી રહી છે, તેવા શબ્દપ્રયોગો કરવાની સાથે સાથે એવો વેધક સવાલ પણ કર્યો શું ભારતે કાયમ 'અવિકસિત' દેશ જ રહેવું જોઈએ?

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં સંકેતો આપી દીધા છે કે જાહેરહિત તથા જાહેર આરોગ્યના મુદ્દે હવે અદાલત કોઈ બાંધછોડ કરશે નહીં. અદાલતે કહ્યું કે, વિશ્વસમુદાયને દેખાવું જોઈએ કે ભારત પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છે, જો કે ઉત્પાદકોને આ પ્રકારના કડક નિર્ણયથી વેચાણ (માર્કેટ) પર અસર થઈ શકે છે, પરંતુ પેકેટ પર યોગ્ય રીતે ચેતવણી છપાયા પછી તે જંકફૂડ ખાવું જોઈએ કે નહીં, તેનો અંતિમ નિર્ણય ગ્રાહકોનો હોવો જોઈએ. ટૂંકમાં કોર્પોરેટ કંપનીઓ કે ઉદ્યોગો તથા વ્યાપારીઓના હિત માટે જાહેર આરોગ્ય અને બાળકો, કિશોરો, યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય, તેવી સ્થિતિ સુપ્રિમ કોર્ટ ચલાવી લેવાની નથી, તે સ્પષ્ટ થઈ રહ્યું છે.

અદાલતે એવો વ્યંગ પણ કર્યો હતો કે પેકજ્ડ સ્નેક્સ અને જંકફૂડ ઉત્પાદકો આ પ્રકારના નિયમો લાગુ કરવાને લઈને આટલા બધા ડિસ્પેરેટ (આકૂળ-વ્યાકૂળ) કેમ થઈ રહ્યા છે? આપણા દેશમાં બહુ ઓછા લોકો ડ્રાયફૂટ્સ ખાય છે, જ્યારે (અમીરવર્ગ સહિત) મોટાભાગના બાળકો જંકફૂડ ખાય છે, અને હવે તેનો વ્યાપ વધી રહ્યો છે. તે જોતા તેઓના હેલ્થ પ્રોટેક્શનની સર્વોચ્ચ અગ્રતા અદાલતની છે, તેમ જણાવી સુપ્રિમ કોર્ટે ઉત્પાદકો તરફથી વકીલોએ કરેલી તમામ દલીલો ફગાવી દેતા હવે કેન્દ્ર સરકાર 'ફિક્સ'માં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે.

એફએસએસએઆઈ એ માવા-મસાલાઓની પડીકીઓ માટે પ્લાસ્ટિક-પીવીસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે પેકેજ્ડ ફૂડ સામે લાલબત્તી ધરવામાં આવી છે, જો કે બન્ને ચીજોના ઉત્પાદન કે વેંચાણ પર હાલ તુરત પ્રતિબંધ મૂકાયો નથી. આપણે જોઈએ છીએ કે સિગારેટના પેકેટ પર પણ આ પ્રકારની ચેતવણી લખાય છે, તેથી આ પ્રકારના કાનૂની કદમોની સાથે સાથે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે, અને તેવી જનજાગૃતિ માટે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તથા તેની સરકારે નેતૃત્વ સંભાળવું જોઈએ અને તમામ એનજીઓઝ તથા સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક અગ્રણીઓએ આગળ આવવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh