Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્ડર કોસ્ટ વધી અને ઉત્સાહ ઘટ્યો !
જામનગર તા. ૧૪: જામનગર મહાનગર પાલિકા દ્વારા આ વખતે શ્રાવણી લોક મેળાની ટેન્ડર કોસ્ટ ૨૫ ટકા વધારી દેતાં મેળા ના ધંધાર્થીઓનો ઉત્સાહ ઘટ્યો છે.
પ્રદર્શન મેદાનમાં મેળાના ૩૫ પ્લોટ માટે ૮૮ ટેન્ડર ખૂલ્યા છે. ખાણી-પીણીના બે પ્લોટ માટે એકપણ અરજી નહીં, ચાર પ્લોટમાં સિંગલ ટેન્ડર આવતા ફેરવિચારણા કરવી પડે તેવી સ્થિતિ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં તા. ૧ સપ્ટેમ્બરથી તા. ૧૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળાના પ્લોટોની અપસેટ કિંમતમાં અગાઉની સરખામણીએ ૨૫ ટકાનો વધારો કરવામાં આવતા ધંધાર્થીઓમાં નિરસતા જોવા મળી રહી છે. પરિણામે કેટલાક પ્લોટ માટે અપેક્ષા મુજબનો પ્રતિસાદ ન મળતાં તંત્રને હવે ટેન્ડર પ્રક્રિયા અંગે ફેરવિચારણા કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં મેળા માટે કુલ ૪૩ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રૂ. ૭ લાખથી ઓછી અપસેટ કિંમત ધરાવતા ૩૫ પ્લોટ માટે ઓફલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જ્યારે રૂ. ૭ લાખથી વધુ અપસેટ કિંમત ધરાવતા મશીન મનોરંજનના છ તથા આઈસ્ક્રીમના પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ૩૫ પ્લોટ માટે મળેલા કુલ ૮૮ ઓફલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાં રમકડાના છ પ્લોટ માટે ૨૨ ટેન્ડર, મીની રાઈડના સાત પ્લોટ માટે ૨૦ ટેન્ડર અને બાળકોની રાઈડના આઠ પ્લોટ માટે ૨૧ ટેન્ડર મળ્યા હતા.
પોપકોર્નના સાત પ્લોટ પૈકી એક પ્લોટ માટે સિંગલ ટેન્ડર મળ્યું હતું, જ્યારે બાકીના છ પ્લોટ માટે કુલ ૧૭ ટેન્ડર આવ્યા હતા.
બીજી તરફ ખાણી-પીણીના સાત પ્લોટ પૈકી પ્લોટ નં. ૩ અને ૪ માટે એકપણ ટેન્ડર આવ્યું નથી. જ્યારે બાકીના ચાર પ્લોટ માટે માત્ર એક-એક ટેન્ડર મળતાં સમગ્ર મામલે મહાનગરપાલિકા કમિશનરને જાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત આઈસ્ક્રીમના પ્લોટ માટે પણ કોઈ અરજી પ્રાપ્ત થઈ નથી. મશીન મનોરંજનના પ્લોટ માટે પણ ધંધાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. મેળાના પ્લોટની વધારવામાં આવેલી અપસેટ કિંમતને પગલે ધંધાર્થીઓનો રિસ્પોન્સ ઘટ્યો હોવાનું ચર્ચાઈ રહૃાું છે. હવે ઓછો પ્રતિસાદ મળેલા પ્લોટની ટેન્ડર પ્રક્રિયા ફરી હાથ ધરવી કે ભાવ અંગે ફેરવિચારણા કરવી તે અંગે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
આજે ઓનલાઈન મળેલા ટેન્ડરોને ખોલવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં જામનગર મહાનગરપાલિકાને ૨૦૨૬ ના શ્રાવણી મેળામાં કુલ કેટલી આવક થાય છે તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial