Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડી અદાલતનો દિશા સૂચક ચૂકાદોઃ
જામનગર તા. ૧૪: અમદાવાદના ર૦ર૧ ના એક ખાનગી મકાનમાં પાંચ વ્યક્તિઓને પત્તા રમતા પકડી ગેમ્બલીંગ એક્ટ હેઠળ પોલીસે નોંધેલા ગુન્હાની કાર્યવાહી સામે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે અરજીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ મહત્ત્વનો દિશા સૂચક ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરમાં બેસીને પૈસા માટે ગંજીપાનાની રમત રમવામાં આવે પણ તેમાં નફો કમાવવાનો કે કોઈપણ પ્રકારનો વ્યવસાયિક હેતુ ન હોય, અને માત્રને માત્ર પત્તા રમી રહ્યા છે તેવા કારણોસર ગેમ્બલીંગ એક્ટ હેઠળ ગુન્હો બનતો નથી.
ગુજરાત હાઈકોર્ટના ન્યાય મૂર્તિએ નોંધ્યું હતું કે આ કેસમાં એફઆઈઆરમાં ક્યાંય પણ ઘર-મકાનને જુગારનો અડ્ડો કે જુગાર ખાનું હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત નફા માટે જુગાર રમાતો કે રમાડાતાો હોય તેવા સ્પષ્ટ પુરાવા રજુ થયા નથી.
હાઈકોર્ટે ત્યાં સુધી સ્પષ્ટપણે જણાવ્યું કે માત્ર કોઈન (ટોકન) વડે પત્તા રમવાથી મકાન જુગારનો અડ્ડો બની જતું નથી. અરજદારોના ખિસ્સામાંથી પૈસા મળવાથી ગુન્હો બનતો નથી.
આ પ્રકારના દિશા સૂચક મહત્ત્વપૂર્ણ ચૂકદા સાથે પોલીસે હાથધરેલી સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ્ કરવાનો આદેશ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટના આ અતિ મહત્ત્વના દિશા સૂચક ચૂકાદાનું ખાસકરીને સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસે સંજ્ઞાન લેવું જોઈએ. ભલે રાજ્ય સરકાર ડાયરેક્ટલી કે સ્પષ્ટપણે પોલીસને કાર્યવાહી કરતી રોકવાનો આદેશ ન આપી શકે, પણ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શાસક પક્ષના રાજકીય નેતાઓએ પોલીસ વિભાગને ઘરમાં પરિવાર, સગા-સંબંધીઓ કે મિત્રો સાથે માત્ર મનોરંજન અર્થે, રજાઓની મજા માણવા, કોઈપણ પ્રકારનો નફો કમાઈ લેવાના હેતુ વગર ગંજીપાનાની રમત ઘરમાં બેસીને શાંતિથી રમતા હોય તેવા ઘર-મકાનોમાં દરોડા પાડવા, મહિલાઓ સહિત પરિવારના સભ્યોને પકડવા, ખિસ્સામાંથી નાણા કઢાવવા, વાહનો-મોબાઈલ જપ્ત કરવા જેવી કાર્યવાહી કમ-સે-કમ શ્રાવણ મહિનામાં રજાઓના દિવસોમાં નહીં કરવા જણાવી શકે છે. પોલીસ તંત્રએ પણ ઘરમાં પરિવાર-મહિલાઓ સાથે પત્તા રમનારાઓની સામે ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશન મુજબ જુગારનો અડ્ડો ન હોય તેવું જણાય ત્યાં પ્રમાણભાન સાથે સામાજિક સંવેદનાનું સંતુલન જાળવી કાર્યવાહી કરવી જોઈએ.
બાકી... જુગાર તો જુગાર જ છે, અને એક સામાજિક દૂષણ છે જ, પણ વરસમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં તહેવારોની રજામાં પરિવાર સાથે પત્તાની રમત રમતા લોકો કાયમી જુગાર રમતા નથી, કે પોતાના ઘરમાં પરિવાર સાથે રમતા હોય તે સ્થળ-મકાન કોઈ કાયમી જુગારનો અડ્ડો નથી... તે બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવાય તો નિર્દોષષપણે પાના રમતા લોકો-પરિવારોને રાહત થશે. સ્થાનિક લેવલે પોલીસ વડા તેમના સ્ટાફને હાઈકોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની સુચના તો આપી જ શકે છે.
જો કે કાયદાના નિષ્ણાતોએ આ ચૂકાદાના સંદર્ભમાં અભ્યાસ કરી જણાવ્યું છે કે, આ ચૂકાદાનો અર્થ એવો તો નથી જ કે ઘરમાં જુગાર રમાડવો કાયદેસર છે અથવા ગેમ્બલીંગ એક્ટનો ભંગ થતો નથી.
કોઈ મકાન કે વાડી કે શેડને ખાસ જગ્યાએ કાયમી માટે રમનાર પાસેથી 'સેન' (ભાડું) ઉઘરાવી પત્તાનો કે અન્ય રમત રમાડી પૈસાની મોટી હારજીત થતી હોય, વ્યવસાયિક રીતે જ રમત રમાડવાની પ્રવૃત્તિ ચાલતી હોય તેવા સ્થળને જુગારનો અડ્ડાની વ્યાખ્યા આપી શકાય... બાકી જ્યાં કામયી ધોરણે કે અદાલતના જણાવ્યા પ્રમાણે નફો કમાવવાનો હેતુ ન હોય તેવા સ્થળે ઘર કે મકાનમાં પત્તાની રમત ગેમ્બલીંગ એક્ટના ગુન્હામાં આવરી લેવાય નહીં.
હાલ તો આ ચૂકાદાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે અને તરેહતરેહના અર્થઘટનો થઈ રહ્યા છે, જ્યારે એટલું ચોક્કસપણે જણાવી શકાય કે પરિવાર, મહિલાઓ, મિત્રો સાથે માત્ર રજાના દિવસોમાં ક્યારેક મનોરંજન માટે પત્તાની રમત રમાતી હોય ત્યાં શ્રાવણ મહિના પૂરતી તો પોલીસ વિભાગે સંવેદના અને પ્રમાણભાન જાળવવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial