Advertisement
Author: નોબત સમાચાર

માળીયા-હાટીનામાં સવા છ, વડાલીમાં છ ઈંચ અને વિસાવદર, માંગરોળ, તલાળા, મહુવા (સુરત) માં પાંચ ઈંચથી વધુ વરસાદ

પહેલી જુલાઈ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહીઃ જુદા જુદા એલર્ટઃ જળાશયો છલકાયા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૭: રાજયના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ પડયો છે, અને છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદે બઘડાટી બોલાવી છે. ઘણાં જળાશયો છલકાયા છે. આજ અને આવતીકાલે પણ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિવિધ પ્રકારના એલર્ટ અપાયા છે.

ગુજરાતના ૨૧૫ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ૨૭ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ ૧૫૭ મિલીમીટર (૬.૧૮ ઇંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલીમાં પણ ૧૫૩ મિલીમીટર (૬.૦ ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ગીર સોમનાથના તાલાલામાં ૧૩૫ મિલીમીટર (૫.૩૧ ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં ૧૩૩ મિલીમીટર (૫.૨૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

માંગરોળ (જૂનાગઢ) ૧૩૦ મિલીમીટર (૫ ઇંચ) અને ખેરગામ (નવસારી)માં ૧૧૯ મિલીમીટર (૪.૬૯ ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧૧૭ મિલીમીટર (૪.૬૧ ઇંચ),નવસારીના ચિખલીમાં ૧૧૫ મિલીમીટર (૪.૫૩ ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં ૧૦૮ મિલીમીટર (૪.૩ ઇંચ), ખેડબ્રહ્મામાં ૧૦૪ મિલીમીટર (૪.૧ ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં ૧૦૨ મિલીમીટર (૪.૦ ઇંચ)  વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદની ઉતાવળિયા નદીના ધસમસતા પાણીમાં મહિલા તણાઈ હતી, જે હજી લાપતા છે. બીજી તરફ વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં કાર તણાઇ હતી, જોકે સ્થાનિક યુવકોએ કારચાલકનું રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો. બીજી તરફ ગીર સોમનાથના જમજીર ધોધના પ્રવાહમાં દીવના ૬ પ્રવાસી ફસાયા હતા, જેમનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાં જીવાદોરી સમાન વણાકબોરી વિયર આજે ૨૨૨.૭૫ ફુટે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે આ વિયરમા પાણીની આવક થતાં આ વિયર ઓવરફ્લો થયો છે. આજે શુક્રવારે આ વિયરમા પાણીની સ્થિતિ જોઈએ તો, ૨૨૧.૨૫ ફુટમા પાણીથી છલોછલ છે. આ પાણીની આવક થતાં મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહૃાું છે. જેના કારણે મહીસાગર નદીમાં પણ નવા નીર આવ્યા છે. ઉનાળામાં ઓછા લેવલ પર રહેતી આ નદી ખાસ હવે ચોમાસાના પ્રારંભે પાણીની સારી આવક મળી છે.

આજે અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં સવાછ ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે આજે ૨૮ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે આ ૨૮ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અપાયા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડ આમ ૧૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં આમ ૧૮ જિલ્લામાં યલો એલર્ટ છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં અને ઉપરવાસમાં રાત્રે ભારે વરસાદ પડતાં હરણાવ નદીમાં પૂર આવ્યું છે. મધરાતે અચાનક નદીની જળસપાટીમાં વધારો થતાં નદીકિનારે રહેતાં ૮૦ જેટલાં પશુઓ સાથે માલધારી પરિવાર પાણીમાં ફસાઇ ગયો હતો, જોકે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમોએ મોડીરાત્રે રેસ્ક્યૂ કરીને માલધારી પરિવારના ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે ૮૦ પૈકી ૧૮ પશુને બચાવી લેવાયાં હતાં, જોકે ૬૨ પશુ પાણીમાં તણાઇ ગયાં છે.

૨૮ જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ૨૯ જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં ૨૯ જૂનથી ૧ જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

૨ જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh