Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગલા આરતીઃ મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચીને કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદ તા. ર૭: (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) પરંપરાગત રીતે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રારંભમાં બે હાથી બેકાબૂ થતા અફડાતફડી સર્જાઈ હતી, પરંતુ પછી અંકુશ મેળવી લેવાયો હતો, તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મંગળા આરતી કરી હતી. ભગવાન જગન્નાજી, સુભદ્રાજી અને બલરામજીના રથ નગરચર્યા માટે નીકળ્યા છે. જેમાં ભક્તોનો મહાસાગર જોડાયો છે. પ્રથમ વખત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું છે.
આજે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર' ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવમાં આવ્યું છે. અમદાવાદના જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મંગળાઆરતી કરી હતી, અને તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદવિધિ કરીને રથ ખેંચ્યો હતો તથા પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જો કે, આ દરમ્યાન વચ્ચે એક વિધ્ન આવ્યું હતું. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. થોડી અફરાતફરી પછી, ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મૂજબ, ખાડિયા ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડી.જે. અને વધુ પડતા લાઉડસ્પીકરના કારણે ગજરાજ ભડક્યા હતા, જેના કારણે બે થી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. મહાવત અને સુરક્ષાકર્મચારીઓએ મહા મહેનતે ગજરાજોને કાબૂમાં લીધા હતા. ત્યાર બાદ એક નર અને બે માદા હાથીને કવર કરીને સાઈડમાં કરી દેવાયા છે અને રથયાત્રાના રૂટમાં જોડવાથી બાકાત કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર નીકળ્યા છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજી મામેરૃં સંપન્ન થયા પછી અને લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર બાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થશે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજનમંડળીઓએ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવ્યું છે.
અમદાવાદનું મોટું પર્વ એટલે રથયાત્રા ગણાય છે. આખું શહેર રથયાત્રામય બની જતા મોટા ભાગના વિસ્તારોમાં રથનો માહોલ સર્જાયો છે. તેથી અમદાવાદની હ્ય્દયસમી લાલવસને વિવિધ જગ્યા પર ડાઈવર્ઝનો આવતા નોકરિયાતો આમતેમ દોડતા જોવા મળી રહ્યા હતાં.
રાજા જેમ નગર જેમ નગરચર્યામાં નીકળે છે તેમ ભગવાન ખુદ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અલગ-અલગ રથમાં નગરચર્યામાં નીકળે છે. પ્રથમવાર રથયાત્રાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
૧૪૮ મી રથયાત્રામાં ૧૮ હાથી, ૧૮ ભજન મંડળી, ૩૦ અખાડા તેમજ ૧૦૧ શણગારેલા ટ્રકને શણગારવાનું પુરૂષો જ કામ કરે છે. પણ હાલ ૩ ટ્રકનું સંચાલન મહિલા કરે છે.
ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર જતા હોવાથી એવામાં સરસપુરનો માહોલ ભક્તિમય બની ગયો હતો. સરસપુરમાં મામેરાની તૈયારી કરવામાં આવી હતી. આ સિવાય જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથના સ્વાગત માટે ઉમપટ્યા હતો.
રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલ વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યુંં હતું.
ગુજરાતમાં પ૦ સ્થળોએ યોજાય છે રથયાત્રા
ગુજરાતમાં પ૦ સ્થળોએ રથયાત્રા યોજાય છે. સૌથી અગ્રેસર અમદાવાદની રથયાત્રા છે અને બીજા નંબરે ભાવનગરની રથયાત્રા આવે છે. સુરતની નજીક આવેલા અને ટચુકડું કહી શકાય એવા મરોલી ખાતેના રણછોડરાયજી મંદિરે રથયાત્રાનું આયોજન થાય છે. ડાકોરમાં રથયાત્રા શનિવારે યોજાશે.
રથયાત્રા નિમિત્તે વહેંચાય છે મગનો પ્રસાદ
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા જગન્નાથપુરી અને અમદાવાદ સહિતના સ્થળોએ યોજાય છે. રથયાત્રામાં મગ નો પ્રસાદ શા માટે વહેંચવામાં આવે છે ? આયુર્વેદમાં મગ શરીર માટે શક્તિવર્ધક છે. જેઠ માસ માં પ્રભુ જગન્નાથજી, પ્રભુ બલરામજી અને દેવી સુભદ્રાજી ત્રણેય ભાણેજડા મોસાળમાં સહેલ કરવા જાય છે. વધુ સરભરા થતાં તબિયત નાદુરસ્ત થાય છે. આંખો આવે છે. આ રોગને ત્વરીત નાબૂદ કરવા ફણગાવેલા મગ અને જાંબુ આપવમાં આવે છે. મગથી ત્વરીત શક્તિ પ્રદાન થાય થતાં અષાઢી બીજ ના રોજ શણગાર સજી, રથમાં બેસી નગરચર્યાએ નીકળી પડે છે.
સૌ નગરજનોને, ભક્તોને મળી ખબર અંતર પૂછી, ભાવ થી આશિષ આપે છે. રથયાત્રામાં મગ વ્રતનો મહિમા અપાર છે. પ્રભુની આ યાત્રામાં હજારો ફણગાવેલા મગ પ્રસાદીમાં વહેંચાય છે. આ વ્રતમાં જે લોકો એક વખત મગ અર્પણ કરે છે પછી દર વર્ષે તેમાં વધારો કરી મગ પધરાવે છે. જેમ કે યથાશક્તિ મગ અર્પણ કર્યા હોય તો આવતા વર્ષે તેમાં વધારો કરી મગ અર્પણ કરી, ઉત્તરોત્તર દર વર્ષે મગમાં વધારો કરવાનો હોય છે.
પ્લેન દુર્ઘટના અને ઓપરેશન સિંદૂર, રાફેલ સહિતના આકર્ષક ટ્રક-ટેબ્લો
રથયાત્રામાં ૧૦૦ થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે. આ ટ્રકે રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યુ છે. ક્યાંક રાફેલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પર ટ્રક જોવા મળી રહ્યા છે. વળી, અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાને લઈને પણ ટ્રક સજાવવામાં આવ્યું હતું. માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યાં છે. આ સિવાય ભજન મંડળીઓ પણ કાન્હાના ભજન ગાતા-ગાતા આગળ વધી રહ્યાં છે. આખાય અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે.
દ્વારકામાં અષાઢી બીજે દ્વારકાધીશ મંદિર પરિસરમાં પરંપરાગત રથયાત્રા યોજાશે
દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલે સાંજે ૫ થી ૭ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનની રથયાત્રાનું આયોજન કરાયું છે. જગતમંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં પધરામણી કરાવી મંદિર પૂજારી દ્વારા દ્વારકાધીશન મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial