Advertisement
Author: નોબત સમાચાર

નીતિઆયોગ ગવર્નિંગ કાઉન્સિલની આજની બેઠકમાં ૬ મુખ્યમંત્રીઓ ગેરહાજરઃ કેજરીવાલનું સૂચક ટ્વિટ

બહિષ્કાર, બહાનાબાજી કે રણનીતિ? કેટલાક વિપક્ષી સભ્યોએ મોકલ્યા પ્રતિનિધિ

નવી દિલ્હી તા. ર૭ઃ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આજે ૬ મુખ્યમંત્રીઓ ગેરહાજર રહ્યા છે, અને કેજરીવાલે કરેલુ ટ્વિટ જોતા કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોની સરકારોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હોય, તેમ જણાય છે.

નવી દિલ્હીમાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની ૮ મી બેઠક આજે શરૃ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મખ્યપ્રધાનો અથવા લેફ્ટનન્ટ ગવર્નરોને તેમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ છ રાજ્યોના મુખ્યપ્રધાનોએ બેઠકમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો છે.

આ પક્ષોનું આ વલણ ત્યારે સામે આવ્યું જ્યારે ર૧ વિપક્ષ દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કર્યો છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, બિહારના સીએમ નીતિશ કુમાર, તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન આ બેઠકમાં ભાગ લેશે નહીં.

પ્રગતિ મેદાનમાં યોજાનારી બેઠકની મુખ્ય થીમ છે, 'વિકસિત ભારત ર૦૪૭ઃ ટીમ ઈન્ડિયાની ભૂમિકા'. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને ગતિ શક્તિ સહિતના મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે પીએમને પત્ર લખીને મિટિંગમાં ન આવવાની જાણ કરી છે. વટહુકમ લાવીને સહકારી સંઘવાદની મજાક ઉડાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ ઔચિત્ય બાકી નથી. આવી મિટિંગમાં ન જવું જોઈએ તેથી તેઓ મિટિંગનો બહિષ્કાર કરી રહ્યા છે.

તેમણે ટ્વિટ કર્યું, જો દેશના વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાનો ઈન્કાર કરશે તો લોકો ન્યાય માટે ક્યાં જશે? વડાપ્રધાન, તમે દેશના પિતા સમાન છો. તમે બિન-ભાજપ સરકારોને કામ કરવા દો, તેમનું કામ બંધ ન કરો. લોકો તમારા વટહુકમથી ખૂબ નારાજ છે. આવતીકાલે નીતિઆયોગની બેઠકમાં હાજરી આપવી મારા માટે શક્ય નથી.

બીજી તરફ બિહારના સીએમ નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે માહિતી આપી હતી કે તેઓ પૂર્વ નિર્ધારિત વ્યસ્તતાને કારણે મિટિંગમાં હાજર રહી શકશે નહીં. તેમના સ્થાને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી બેઠકમાં ાજરી આપી શકે છે. પંજાબના સીએમ ભગવંત માને પંજાબના મુદ્દાઓની નોંધ કરીને કેન્દ્ર સરકારને મોકલી છે. નોટમાં નારાજગી વ્યક્ત કરતા તેમણે લખ્યું કે પંજાબના હિતોનું ધ્યાન નથી લઈ રહ્યું. ખેડૂતોને લગતા પ્રશ્નો પર ધ્યાન આપતા નથી. અમે બેઠકમાં હાજર રહી શકતા નથી.

બંગાળના નાણામંત્રી ચંદ્રમા ભટ્ટાચાર્યએ કહ્યું, 'અમે કેન્દ્રને વિનંતી કરી હતી કે મને અને મુખ્ય સચિવને મિટિંગમાં આવવાની પરવાનગી આપે, કારણ કે મમતા બેનર્જી અન્ય કામમાં વ્યસ્ત છે. આ બેઠકમાં સીએમ સિવાય અન્ય કોઈને મંજુરી ન આપવાનો આડકતરો રસ્તો છે. તેથી બેઠકમાં પશ્ચિમ બંગાળનો કોઈ પ્રતિનિધિ નહીં હોય છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ ઘણાં પ્રોજેક્ટ્સના ફંડ રોકી દીધા છે. હું બેઠકમાં આ અંગે પ્રશ્નો પૂછતો હતો, એ જાણીને કે કેન્દ્રની ભાજપ સરકાર નથી ઈચ્છતી કે અમે દિલ્હી જઈએ.'

તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે ગયા વર્ષે નીતિ આયોગને 'નકામી સંસ્થા' ગણાવી હતી. તેમણે ૭ મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો પણ બહિષ્કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ શનિવારે એટલે કે આજે બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી નહીં જાય. વાસ્તવમાં આજે અરવિંદ કેજરીવાલ અને અન્ય વિ૫ક્ષી નેતાઓ કેસીઆરને મળવા હૈદરાબાદ જશે. ગયા વર્ષે પણ તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, ભારતને મજબૂત અને વિકસિત દેશ બનાવવાના સામૂહિક પ્રયાસમાં કેન્દ્ર રાજ્યોને સમાન ભાગીદાર તરીકે માનતું નથી.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વેડિંગે ભગવંત માનના નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે નીતિ આયોગના કોઈ ખાસ વ્યક્તિનો નથી. ભગવંત માનને નીતિ આયોગની બેઠકમાં જવું જોઈએ અને ત્યાં જઈને પંજાબનો અવાજ મજબૂત રીતે ઊઠાવવો જોઈએ.

આ મિટિંગમાં વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોના ૬ મુખ્યમંત્રીઓ ગેરહાજર રહ્યા છે, તો કેટલાકે પ્રતિનિધિ મોકલ્યા છે, તેથી આને નીતિ આયોગનો બહિષ્કાર ગણવો, બહાનાબાજી ગણવી કે વિપક્ષોની રણનીતિ ગણવી તે અંગે ચર્ચા થઈ રહી છે, જો કે કેજરીવાલે કરેલું ટ્વિટ જોતા આ રીતે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર જ કરાયો હોય, તેમ જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh