Advertisement
Author: નોબત સમાચાર

લોકોની મુશ્કેલીનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જગત મંદિરના પરિસરમાં ટીવી પત્રકારોને આવવાની મનાઈ

પોલીસ અધિકારીના વલણ અંગે આઈજીને થઈ રજૂઆતઃ

ખંભાળિયા તા. ૨૭ઃ દ્વારકા સ્થિત જગવિખ્યાત દ્વારકાધીશજી મંદિરે દર્શને આવતા યાત્રિકોને પડી રહેલી મુશ્કેલી અંગે ઈલેકટ્રોનિક મીડિયાના એક પત્રકારે લોકોના પ્રતિભાવ સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરતા જગતમંદિરના પટાંગણમાં ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોને પ્રવેશવા સામે એક પોલીસ અધિકારીએ આપખુદશાહીથી પ્રતિબંધ મુકી દેતાં રેન્જ આઈજી તથા એસપીને રજૂઆત કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિરે સવારે ૮થી ૯ વાગ્યા સુધી બંધ રાખવામાં આવે છે. જ્યારે તેની સાથેના અન્ય ૧૬ મંદિર ખુલ્લા રહેતા હોય, યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ કોરોનાકાળ વખતે આ સમયે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો તે હજુ પણ યથાવત રાખવામાં આવતા હાલમાં ચાલતા બળબળતા ઉનાળામાં નાના બાળકો કે વૃદ્ધો સાથે દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ તડકામાં શેકાઈ રહ્યા છે.

આ બાબતનો એક અહેવાલ લોકોના પ્રતિભાવ સાથે ટીવીની એક ચેનલ પર પ્રસિદ્ધ થતાં મંદિરની સુરક્ષા સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ આપખુદશાહીનું પ્રદર્શન કરી અને જનતાના અવાજને દબાવી દેવો હોય તેમ ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોને મંદિરના પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે !! જો કે, આ પ્રકારનો નિર્ણય કરવો હોય તો પણ મંદિર દેવસ્થાન કમિટીના વહીવટી હેડ ગણાતા જિલ્લા કલેક્ટરે જ કરી શકે ત્યારે દ્વારકા જગત મંદિરને પોતીકુ સમજી આ અધિકારીએ આવો હુકમ કરી નાખ્યો છે. જેના પગલે પત્રકાર આલમમાં રોષ ફેલાઈ ગયો છે.

આવા તઘલખી નિર્ણયના પગલે પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોએ તાજેતરમાં દ્વારકાની મુલાકાતે આવેલા રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા દ્વારકાના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને રજૂઆત કરી છે.

હાલમાં દ્વારકાધીશ મંદિર ૮થી ૯ બંધ રખાતું હોય, દર્શન માટે ધીમે ધીમે એકઠી થતી ભીડ ૯ વાગ્યે મંદિર ખૂલે ત્યારે મંદિરમાં ધસી જાય છે ત્યારે ૮ વાગ્યાથી મંદિર ખૂલી જાય તો અન્ય મંદિરના દર્શન કરવા આવતા અને મહાદેવજીની પૂજા કરતા કે પ્રસાદ લેતાં શ્રદ્ધાળુઓને આસાની થઈ શકે. અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને પણ આ મુદ્દે તકલીફ પડી રહી છે ત્યારે ઉનાળામાં તેઓને બહાર બેસાડી રાખવાનો નિર્ણય રદ્દ કરવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh