Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બેકરી સંચાલકે સમગ્ર લોહાણા જ્ઞાતિને ગાળો ભાંડતા પ્રસર્યાે રોષ

આવતીકાલે કલેક્ટરને પાઠવાશે આવેદનઃ સમગ્ર રાજ્યના લોહાણા સમાજમાં ઉકળતો ચરૃ

જામનગર તા. ૫ઃ જામનગરના બેકરી સંચાલક પિતા-પુત્રએ વ્યાપારિક સંબંધમાં પેમેન્ટની બાબતે પોરબંદરના વેપારીને ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત સમગ્ર લોહાણા જ્ઞાતિને ન સાંભળી શકાય તેવી ગાળો ભાંડતા રાજ્યભરનો લોહાણા સમાજ કાળઝાળ બન્યો છે. પોરબંદરમાં આ વેપારીએ પોલીસમાં અરજી કર્યા પછી ગઈકાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોહાણા સમાજે આવેદન આપવાનું શરૃ કર્યું છે અને આ સિંધી વેપારી બાપ-દીકરા સામે કડક કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે તેની સાથે જ જામનગર લોહાણા સમાજમાં પણ ઉગ્ર પ્રકોપ વ્યાપ્યો છે. આવતીકાલે મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો કલેક્ટરને આવેદન પાઠવી બંને પિતા-પુત્ર સામે કડક કાર્યવાહીની માગણી કરશે.

૫ોરબંદરમાં એમ.જી. રોડ પર બેકરી ચલાવતા તન્મય લલીતભાઈ કારીયા નામના આસામીએ જામનગરમાં રાજ શિવશક્તિ બેકરીમાંથી કેક તેમજ બ્રેડ જેવી પ્રોડ્કટ મગાવી હતી. ત્રણેક મહિનાથી તેઓએ જામનગરના બેકરી વાળા મનુ ખેતવાણી તથા હર્ષ ખેતવાણી પાસેથી આ ચીજ વસ્તુઓ મગાવવાનું શરૃ કર્યું હતું. જેનું પોરબંદરના વેપારી દ્વારા નિયમિત પેમેન્ટ કરવામાં આવતું હતું તેમ છતાં ગઈ તા.૧૮ના દિને હર્ષ ખેતવાણીએ ફોન કરી તન્મયને જણાવ્યું હતું કે, તમારે પેમેન્ટ આપવાનું બાકી છે, તેની સામે તન્મયે તમામ પેમેન્ટ બેંક મારફતે ચૂકવ્યું હોવાનું અને બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરી લેવા કહ્યું હતું અને તેમ છતાં જો કંઈ ભૂલ થતી હોય તો બાકીનું પેમેન્ટ આપવા તૈયારી દર્શાવી હતી.

ઉપરોક્ત વાતચીત ચાલુ હતી ત્યારે હર્ષના પિતા મનુએ વચ્ચેથી ફોન લઈ તન્મયને જ્ઞાતિ વિશે પૂૂછ્યા પછી સમગ્ર લોહાણા જ્ઞાતિને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને બંને બાપ-દીકરાએ પોરબંદર આવી તન્મયને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી આ વેપારીએ બુધવારે પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશનમાં અરજી પાઠવી બંને બાપ-દીકરા સામે રજૂઆત કરી છે.

તે દરમિયાન ઉપરોક્ત વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલતા મનુ તથા તેના દીકરા હર્ષ ખેતવાણી સામે દ્વારકા જિલ્લા ઉપરાંત જામનગર, રાજકોટ, અમદાવાદથી માંડી રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ શખ્સો પોતાના પૈસા અને ગ્રુપના પાવરથી ઉછળકૂદ કરતા હોવાનું વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં જણાઈ આવતું હોય, સમગ્ર લોહાણા સમાજમાં ભારે રોષની લાગણી પ્રજવળી રહી છે.

ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં રાજ શિવશક્તિ બેકરી નામની પેઢી ચલાવતા મનુ ખેતવાણી તથા તેના પુત્ર સામે સમગ્ર સમાજની લાગણી દુભાવવા અંગે કડક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.

ત્યારપછી દ્વારા શહેરમાં રઘુવંશી સમાજના અગ્રણીઓએ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું છે. આ શખ્સે સમગ્ર જ્ઞાતિને અપશબ્દો કહી અપમાનજનક વાણીવિલાસ કર્યાે હોય અને ધાકધમકી આપી હોય બંનેને કાયદાનો પાઠ ભણાવવાની માગણી કરવામાં આવી છે.

તે પછી સલાયા લોહાણા મહાજન અને રઘુવંશી યુવક મંડળ દ્વારા ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જામનગરના સિંધી વેપારી મનુ તથા હર્ષ ખેતવાણી સામે કડક કાયદાકીય કાર્યવાહીની ઉગ્ર માગણી કરવામાં આવી છે. સલાયાના તમામ આગેવાનો અને યુવાનોએ સહીઓ કરી બંને શખ્સને કાયદાનો પાઠ ભણાવવાની માગણી કરી છે.

ઉપરોક્ત પ્રકરણના જામનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે. જામનગરના લોહાણા યુવાનોની ગઈકાલે રાત્રે બેઠક મળ્યા પછી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ અને હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્ર લાલે પોરબંંદરના લોહાણા વેપારી સાથે જામનગરની રાજલક્ષ્મી બેકરીવાળા મનોજ ઉર્ફે મનુ ખેતવાણીએ કરેલી ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર જ્ઞાતિ માટે કરેલા અભદ્ર ભાષાના પ્રયોગને વખોડી કાઢી રઘુવંશી સમાજના રોષનો પડઘો પાડ્યો છે.

ગઈકાલે રાત્રે લોહાણા જ્ઞાતિના યુવાનોની મળેલી બેઠક વખતે જામનગર લોહાણા મહાજન તથા સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ એક શોક પ્રસંગના કારણે બહારગામ હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા. તે પછી મોડીરાત્રે જામનગર આવી પહોંચેલા જીતુભાઈએ સમાજના આગેવાનો સાથે પરામર્શ કર્યા પછી આવતીકાલે જામનગરના કલેક્ટરને જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો, મહા સમિતિના સભ્યો, સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારો અને વેપારીઓ સાથે મળી આવેદનપત્ર પાઠવવા આહ્વાન કર્યું છે.

આગામી દિવસોમાં આ પ્રકરણ કોઈ અનિચ્છનીય બનાવ સર્જે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ તે પહેલાં પોલીસ તંત્ર પણ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી સમયની માગણી જોવાઈ રહી છે. એક વેપારી સાથે વ્યાપારિક સંબંધોમાં અને જ્યારે એક વેપારીએ પોતે મગાવેલા સામાનનું પૂરેપૂરૃ પેમેન્ટ કર્યું હોવા છતાં ઓનલાઈન પેમેન્ટની કોઈ ક્ષતિના કારણે પેમેન્ટ જમા બતાવતું ન હોવાના કારણ માત્રથી સમગ્ર સમાજને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડવાનો ખરેખર કોઈને હક્ક ન હોઈ શકે. પેમેન્ટ કે વ્યાપારિક સંબંધમાં કોઈ ત્રુટી જણાતી હોય તો તેનો વાતચીતથી ઉકેલ લાવી શકાતો હતો અને વ્યાપારિક સંબંધથી સંકળાયેલા કોઈ વેપારીને તેની જ્ઞાતિને અનુલક્ષીને ગાળો ભાંડી તેના ગામમાં જઈ મારવાની ગર્ભિત ધમકી આપવી તે બાબત જ આ વેપારી બાપ-દીકરો પોતાના પૈસા અને ગ્રુપના પાવરથી કેટલા ગર્વમાં રાચતા હશે તેનો ખ્યાલ આવી શકે છે. બીજાના ગામમાં જઈને પણ 'ખેલ' કરવાની શેખી હાકનાર બાપ-દીકરાને આગામી દિવસોમાં તેઓની શેખી કેટલી મોંઘી પડે છે તે સમય બતાવશે પરંતુ તેણે જે રીતે સમગ્ર સમાજને ગાળો ભાંડી છે તેના રાજ્યભરમાં ઉગ્ર પડઘા પડ્યા છે. વેપારી જ્ઞાતિ ગણાતી લોહાણા જ્ઞાતિ સંબંધ બગાડવા કે લમણાઝીકમાં સક્રિય રીતે ઉતરતી નથી ત્યારે જ્ઞાતિને નબળી ગણી ગાળો ભાંડવી તે બાબત પણ વ્યાજબી લાગતી નથી.

જામનગરના લોહાણા જ્ઞાતિના સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપમાં પણ આ મુદ્દો ભારે રોષ સાથે ચર્ચામાં છે. જામનગરના બાપ-દીકરાની બેકરીના માલસામાનનો બહિષ્કાર કરવાથી માંડી આ શખ્સોને તેની ખોં ભૂલાવી દેવા સુધીની કાયદાકીય કાર્યવાહી કરવા સમગ્ર સમાજ જ્યારે એકજૂથ થયો છે ત્યારે સમાજની લાગણીને ધ્યાને ન લેવામાં આવે તો તે રોષ અગ્નિ બનીને સપાટી પર આવી જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આવતીકાલે કલેક્ટરને આવેદન આપવા સહિતની લડત માટે લોહાણા સમાજ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર, દ્વારકા, સલાયા, ખંભાળિયા પોલીસમાં ઉપરોક્ત વિવાદિત વાતચીત વાળી રેકોર્ડિંગની પેનડ્રાઈવ પણ પોલીસને સોંપવામાં આવી છે. જેમાં આ શખ્સ જે લહેકામાં વાત કરે છે તે લહેકામાં તેનો પૈસા અને ગ્રુપનો પાવર ઉપરાંત શરાબનો નશો પણ બોલતો હોવાની શક્યતા નકારી શકાતી નથી. જો કે, આ શખ્સ સાથે સંકળાયેલા લોકો પણ મનુનો સ્વભાવ જ આવો છે અને ક્યારેક ક્યારેક છાંટા પાણીની પણ આદત ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તે પહેલાં આ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સમગ્ર રાજ્યના લોહાણા સમાજે એક અવાજે માગણી કરી છે.

બંને શખ્સ સામે કાલે કરાઈ હતી રજૂઆતઃ

દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા ફોજદારી ફરિયાદની તજવીજ

પોરબંંદરના વેપારી સાથે પેમેન્ટ બાબતે ફોન પર વાતચીત કરતી વખતે જામનગરના સિંધી વેપારી રાજલક્ષ્મી બેકરીવાળા મનુ તથા તેના પુત્ર હર્ષે લોહાણા જ્ઞાતિને અનુલક્ષીને ગાળો ભાંડતા અત્યંત ગરમ બની ગયેલા આ પ્રકરણમાં પોરબંદરમાં જે તે વેપારીએ પોલીસમાં અરજી આપ્યા પછી આજે દ્વારકાના પોલીસ મથકમાં આઈપીસી ૫૦૦, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધવા રજૂઆત કરવામાં આવી છે. આ શખ્સે વાતચીતમાં જે ગાળો ભાંડી હતી તેની રેકોર્ડિંગની ક્લિપ વાયરલ થઈ છે અને સમગ્ર લોહાણા સમાજમાં રોષ પ્રજવળ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh