Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય પક્ષોના નેતાઓને ત્યાં ઈ.ડી. ત્રાટકતા ખળભળાટઃ મીડિયા કર્મીઓ સાથે પરગણા જિલ્લામાં મારપીટ
નવી દિલ્હી તા. પઃ પ. બંગાળમાં ટીએમસીના નેતાને ત્યાં રેડ દરમિયાન ત્રણસોના ટોળાએ હુમલો કર્યો હતો અને મીડિયા સાથે પણ મારપીટ કરી હતી. બીજી તરફ હરિયાણામાં પણ ઈ.ડી.ના એક અનય દરોડામાં પાંચ કરોડ રોકડા, સોનાના બિસ્કિટ અને રાયફલ તથા હથિયારો મળતા ખળભળાટ મચી ગયો છે.
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ર૪ પરગણામાં તૃણમુલ નેતા શાહજ્હાં શેખ ઠેકાણે દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે રપ૦ થી ૩૦૦ લોકોના ટોળાએ ઈડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતાં.
માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા હતાં. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજ્હાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું.
ઈડી છેલ્લા ઘણાં મહિનાઓથી કથિત રાશન વિતરણ કૌભાંડ કેસના સંદર્ભમાં દરોડા પાડી રહી છે. થોડા દિવસો પહેલા ઈ.ડી.એ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં લગભગ ૩૦ ટકા પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ રાશન માર્કેટમાં વેંચાય છે. એજન્સીએ ખુલાસો કર્યો હતો કે રાશન વેંચ્યા પછી મળેલા પૈસા મિલમાલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતાં.
રાઈસ મીલમાલિકોએ કેટલીક સહકારી મંડળીઓ સહિત કેટલાક લોકો સાથે મળીને ખેડૂતોના નકલી બેંક ખાતા ખોલાવ્યા અને ડાંગર ઉત્પાદકોને ચૂકવવામાં આવતી એમએસપી ખિસ્સામાં ભરી લીધી. મુખ્ય શંકાસ્પદ પૈકીના એકે કબુલ્યું હતું કે ચોખાના મિલમાલિકોએ પ્રતિક્વિન્ટલ રૃા. ર૦૦ જેટલી કમાણી કરી હતી.
આ પહેલા ઈ.ડી.એ રાશન કૌભાંડ કેસમાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘરે પણ દરોડા પાડ્યા હતાં. વનમંત્રી બનતા પહેલા જ્યોતિપ્રિયા મલિકે ખાદ્યમંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કથિત કૌભાંડમાં રાઈસ મિલમાલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી. ર૦૦૪ માં રાઈસ મીલના માલિક તરીકે કારકિર્દીની શરૃઆત કરનાર રહેમાને આગામી બે વૃષમાં વધુ ત્રણ કંપનીઓની સ્થાપના કરી. ઈ.ડી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રહેમાને કથિત રીતે શેલ કંપનીઓની શ્રેણી ખોલી હતી અને પૈસા ઉપાડી લીધા હતાં.
બીજી તરફ હરિયાણાના પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહ અને તેના નજીકના સહયોગીઓના છૂપાયેલા ઠેકાણામાંથી મોટી રિકવરી કરી છે. ઈ.ડી.એ ગુરુવારે આ દરોડા પાડ્યા હતાં. જે પછી શુક્રવારે ઈ.ડી.એ કહ્યું કે અત્યાર સુધીમાં તેમના સ્થાનો પરથી પ કરોડ રૃપિયાની રોકડ મળી આવી છે. આ ઉપરાંત ૩ સોનાના બિસ્કિટ, વિદેશી દારૃની ૧૦૦ થી વધુ બોટલો, વિદેશમાં બનેલી અનેક મિલકતોના દસ્તાવેજો, ૪ ગેરકાયદેસર વિદેશી રાઈફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. કોર્ટના આદેશ પર ઈ.ડી.એ હરિયાણામાં ગેરકાયદે ખનન મામલે દરોડા પાડ્યા હતાં.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે ખાણકામના ધંધાર્થીઓના ર૦ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. યમુનાનગરમાં ઈ.ડી.એ મહારાણા પ્રતાપ ચોક પાસે દિલબાગસિંહની ઓફિસ, સેક્ટર-૧૮ મા માઈનિંગ એજન્સીની ઓફિસ અને કાલેસરમાં ફાર્મ હાઉસનું સર્ચ કર્યું હતું. ટીમ તેના નજીકના સંબંધીઓ સંજીવ ગુપ્તા, ઈન્દરપાલસિંહ ઉર્ફે બબલ અને ટ્રાન્સપોર્ટર ગુરબાઝસિંહના ઘરે પણ પહોંચી હતી.
સંજીવ ગુપ્તા માઈનિંગ અને પ્લાયવૂડ બિઝનેસમાં દિલબાગસિંહ સાથે ભાગીદાર છે અને ઈન્ટરપાલ સાથે સંબંધિત છે. તેના સંતપુરા રોડ પરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ગુરબાઝસિંહ પૂર્વ ધારાસભ્યના પિતરાઈ ભાઈ છે. તેની માઝા પહેલવાન ટ્રાન્સપોર્ટ ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
ખાણ વ્યવસાયમાં મની લોન્ડરીંગની તપાસ કરવા ગુરુવારે સવારે ઈ.ડી.ની ટીમ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરિદાબાદ, ચંદીગઢ અને કરનાલ પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસની સાથે કેન્દ્રિય સુરક્ષા દળોને પણ તહેનાત કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્ય પવારનો રાજસ્થાન ઉપરાંત હરિયાણામાં ખાણકામનો વ્યવસાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial