Advertisement
Author: નોબત સમાચાર

ડોક્ટરના ધંધામાં મંદી

                                                                                                                                                                                                      

હું હંમેશા માનતો આવ્યો છું કે, *પહેલું સુખ તે જાતે નર્યા.* અને એટલા માટે જ હું દર વર્ષે રેગ્યુલરલી મેડિકલ ચેકઅપ કરાવી લઉં છું. મારા મેડિકલ રિપોર્ટ જોઈને, અને ખાસ તો હું જે કોઈ નાની મોટી, સાચી કે કાલ્પનિક એવી મારી બીમારીની ફરિયાદ કરું છું તે સાંભળીને, ડોક્ટર સાહેબ મને થોડી દવાની, અને વધુ તો વિટામીન અને સપ્લીમેન્ટની પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. આટલા બધા મોંઘા રિપોર્ટ કઢાવ્યા પછી કોઈક દવા તો ખાવી જોઈએ ને? અને આ દવા પચાવવા માટે, દવાની સાથે સાથે જ વિટામિન્સ અને સપ્લીમેન્ટ પણ ખાવા જ જોઈએ.

અમારા આ ફેમિલી ડોક્ટરને ત્યાં એક સગવડ બહુ સરસ છે, કે તેણે લખેલી પ્રિસ્ક્રિપ્શન પ્રમાણેની દવા તેના મેડિકલ સ્ટોરમાંથી જ મળે, બહુ જ સહેલાઈથી મળે અને તે પણ ડિસ્કાઉન્ટથી. દવામાં પણ ડિસ્કાઉન્ટ મળે છે એ જાણીને મારી અડધી બીમારી તો ઓટોમેટીક દૂર થઈ ગઈ..! બીમારીમાં પણ ૫૦% ડિસ્કાઉન્ટ...!!

હું રિટાયર થયો પછી પણ મેં મારી આ મેડિકલ ચેકઅપ કરાવવાની આદત જાળવી રાખી છે. રિટાયર થયા પછી તરત જ ડોક્ટર પાસે ગયો અને તેમની સલાહ અનુસાર વિવિધ રિપોર્ટ કઢાવ્યા, જે મારા જુના રિપોર્ટ પ્રમાણે જ નોર્મલ હતા.

પરંતુ આ વખતે ડોક્ટરે રિપોર્ટ જોઈને, અને થોડી ઘણી મારી તકલીફો સાંભળીને કોઈ દવા કે વિટામિનની પ્રિસ્ક્રિપ્શન લખવાને બદલે મને થોડી સલાહ આપી. ડોક્ટર કહે, *તમે સવાર સાંજ નિયમિત રીતે ચાલવાનું રાખો. દિવસમાં વારંવાર પાણી પીવો. હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું બંધ કરો, અને ખાસ તો ઘર કે દુકાનથી તમારે બહુ દૂર એકલા જવું નહીં...*

*પણ મને થયું છે શું તે તો કહો..*

*તમને કશું થયું નથી. પહેલા પણ તમને કશું હતું નહીં, એટલે અમે તમને વિટામીન્સ અને સપ્લીમેન્ટની પ્રિસ્ક્રિપ્શન જ આપતા હતા.

પરંતુ હવે તમે રિટાયર છો, અને ફક્ત ચપટીક પેન્શનની તમારે આવક છે. એટલે તમને આ કુદરતી અને ખૂબ જ અસરકારક ઉપાય બતાવ્યા..!*

અમારી સોસાયટીમાં રહેતા ડોક્ટર રાજન પણ આ બાબતમાં બહુ જ સ્પષ્ટ છે. તેવું હંમેશા કહે છે કે, *થોડો ઘણો પણ શારીરિક શ્રમ કરો, હળવું ભોજન કરો અને તંદુરસ્ત રહો. અથવા તો કાયમ દવા ખાવ અને ડોક્ટરના ઘર ભરો.

શ્રાવણ મહિનો આવતા જ ડોક્ટર સાહેબ ફરવા જવાનો પ્લાન બનાવે. કોઈ પૂછે તો કહેશે કે, *શ્રાવણ મહિનામાં તો અમારે ડોક્ટરને મંદી હોય...!

ડોક્ટર સાહેબની મંદીની આ વાત તો બિલકુલ સાચી છે. કારણ કે શ્રાવણ મહિનામાં બધા જ માણસો ફરવાના મૂડમાં હોય છે, અને માહોલ પણ એકદમ રજાનો.

રજાના આ માહોલમાં કોઈ માંદા પડે તો પણ દવા ન લે. શરદી થાય તો એકદમ તીખા રસ પાઉ ખાઈ લે, અથવા તો એવી જ તીખી પાણીપુરી ખાઈ લે, પરંતુ દવા ન લે. પછી ભલેને શરદી મટીને એસિડિટી થાય, પણ દવા ન લે.  અને જન્માષ્ટમીના તહેવારોમાં તો ઘરે  રસોડું જ બંધ, અઠવાડિયા સુધી બહાર જ જમવાનું, અને પછી આવે માંદગી, દવાખાનાના ધક્કા, અને જુદા જુદા રિપોર્ટ કઢાવવા લેબોરેટરીના ધક્કા.

અને પછી જોવા મળે ડોક્ટરના ધંધામાં તેજી -- શ્રાવણ મહિનાની મહામંદી પછી ભાદરવાની મહાતેજી !!

વિદાય વિદાય : ડોક્ટરે તેના દર્દીને કહ્યું કે, *તમે ટૂંક સમયમાં જ તમારા કુટુંબીજનો પાસે પહોંચી જશો..*

દર્દી કહે, *પરંતુ મારા બધા કુટુંબીજનો તો સ્વર્ગે સિધાવ્યા છે..*

ડોક્ટર, *મને ખબર છે, અને એટલે જ કહું છું..!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh