Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રાત્રિથી ધીમી ધારે જામનગરમાં વરસાદ શરૂ થયો, પરંતુ જગતનો તાત સરકારની નીતિ-રીતિઓના કારણે પરેશાન છે. ગઈકાલે જામનગરમાં ખેડૂતોની વિશાળ રેલી વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ અને રાજ્ય સરકારના તાજેતરના પરિપત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો તથા સરકારને ઉદ્દેશીન લખેલું આવેદનપત્ર કલેક્ટર કચેરીને સુપ્રત કર્યું. આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય હોવાની સાથે સાથે જગતના તાતની કકડતી આંતરડીનો અવાજ છે, તે પ્રકારની લાગણી પણ પ્રવર્તતી જોવા મળી હતી. ખાસ કરીને મહિલા કિસાનોની સામેલગીરીથી આ વિરોધની ગંભીરતા વધી ગઈ હતી. જે રીતે શાંતિપૂર્વક રેલી કાઢીને રામધૂનની ગૂંજ સાથે આવેદનપત્ર સરકારને પાઠવાયું, તે જોતા કિસાનોની ગાંધીચિંધ્યા રાહે પ્રબળ, પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવવાની મક્મતા પણ જણાઈ હતી.
આ આંદોલનમાં ખેડૂતોની સંગઠનાત્મક એક્તા માટે જેમણે જહેમત ઊઠાવી હતી તેવા સ્થાનિકથી માંડીને સ્ટેટ લેવલ સુધીના બિરાજકીય અગ્રણીઓએ જામનગર જિલ્લા કિસાન સમિતિના બેનર હેઠળ આ રેલી કાઢી હતી, જો કે કિસાન કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા પણ જામનગર જિલ્લામાં વીજળી-પાણી વગેરે સમસ્યાઓ માટે પણ અલગ-અલગ કિસાન આક્રોશ રેલીઓ કાઢી હતી, જેના કારણે હાલારના ખેડૂતોમાં પહેલેથી જ જાગૃતિ અને એકજુથતા રચાઈ હતી, અને હવે આ આંદોલન શરૂ થતા રાજ્ય સરકાર સામે એક નવો પડકાર ઊભો થયો છે. જો સીજેપી (કોકરોચ જનતા પાર્ટી) ની જેમ કેજેપી (કિસાન જનતા પાર્ટી) જેવું કોઈ ઓનલાનઈ આંદોલન શરૂ થાય, તો આ આંદોલનને વધુ વેગ મળે તેમ હોવાથી શાસકો-પ્રશાસકો પણ કદાચ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યા હશે.
આ આંદોલનને રાજ્ય સરકારના એક મંત્રીના ભાએ પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય, અને ભાજપના કેટલાક જિલ્લા-રાજ્ય કક્ષાના હોદ્દેદારોની નજીકના લોકો પણ આ આંદોલન પ્રત્યે ઝુકાવ રાખતા હોય કે સોફ્ટ કોર્નર રાખતા હોય તો ભાજપ માટે પણ આ એક નવો પડકાર જ ગણાય. આ કારણે સરકાર અને સંગઠનમાં પણ ટોપ-ટુ-બોટમ આમુદ્દે કોઈ ઉકેલ ઝડપથી કાઢવાનું દબાણ વધ્યું હય તેમ જણાય છે, કારણે આ રેલી તથા આવેદનપત્ર અપાયા પછી શાસન-પ્રશાસનમાં હડિયાપટ્ટી વધી ગઈ હોય તેમ જણાય છે અને આ મુદ્દે છેક રાજયની રાજધાની સુધી મોબાઈલ સેલફોનની ઘંટડીઓ રણકી ઊઠી હોવાની ચર્ચા થઈ રહી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.
ખેતરોની વચ્ચેથી હાઈ ટેન્શન વિદ્યુત લાઈનો નીકળતી હોય અને તેના હેવી ટાવર્સ ઊભા કરતા હોય, ત્યારે ખેડૂતો તે જમીન પર કોઈ પાકા બાંધકામો કરી શકતા નથી કે મોટા વૃક્ષો ઉગાડી શકતા નથી, તેથી ખેડૂતોની આવક પર પ્રહાર થાય છે, અને સીધુ આર્થિક નુક્સાન થાય છે. આ જમીનની રી-સેલ વેલ્યુ પણ ઘટી જાય છે, અને સરકાર પૂરતુ વળતર પણ આપતી ન હોય ત્યારે ખેડૂતોને આ પ્રકારના આંદોલનો કરવા પડતા હોય છે. ખેડૂતો ગુજરાત સરકાર સમક્ષ રાજસ્થાન મોડલ મુજબ વળતર તથા અન્ય સંરક્ષણ આપવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે્ર રાજસ્થાનમાં વીજ ટાવર્સ અને વીજલાઈનો જેની જમીનમાંથી પસાર થતી હોય તેને પારદર્શી અને ઘણું જ વધારે વળતર અપાય છે.
બીજી તરફ સરકારી પક્ષનો દાવો છે કે પહેલા બે-ત્રણ ટૂકડે મળતી હતી, તે વળતરની રકમ એક સાથે આપવા અને જંત્રીના સ્થાને માર્કેટ મૂલ્યથી ડબલ વળતર આપવાનો સરકારે લીધેલો નિર્ણય ખેડૂતોના હિતમાં છે અને મહત્તમ ખેડૂત વર્ગોની લાગણી અને માંગણીનો તેમાં પદઘો પડે છે.
આ તરફ આ આંદોલનની જરૂર એટલે પડી કે સરકાર ઉપરાંત ખાનગી કંપનીઓ પણ આ મુદ્દા સાથે સંકળાયેલી છે. ખાનગી કંપનીઓના દબાણ હેઠળ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી હોવાના આક્ષેપો સાથે વિપક્ષો પણ સરકારને ઘેરી રહ્યા છે, અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ખેડૂતોને સમર્થન આપવા તૈયાર છે.
રાજ્ય સરકારે જિલ્લે જિલ્લે એક માર્કેટ રેન્ટ (બજાર મૂલ્ય) નિધારણ કમિટી બનાવીને ખેડૂતોને મહત્તમ વળતર આપી શકાય, તેવી વ્યવસ્થા કરી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે, અને વિપક્ષના નેતાઓ ભ્રમ ઊભો કરીને રાજકીય રોટલી શેકવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ કહે છે કે તમે (ભાજપ) પણ ક્યાં દૂધે ધોયેલા છો? તમે પણ રાજકીય સરવાળા-બાદબાકી કરીને જ નિર્ણયો લ્યો છો ને? વગેરે...
જામનગરમાં આ રેલી નીકળી, તેમાં આજુબાજુના ઘણાં સરપંચો તથા સભ્યો સામેલ થયા, અને ગામેગામથી સ્થાનિક અગ્રણીઓ જોડાયા, તેના કારણે હવે ખેડૂતોનું આ આંદોલન નિર્ણાયક દિશામાં આગળ વધી રહ્યું હોવાથી આજે કે કાલે આ તમામ પ્રશ્નોના સંદર્ભે રાજ્ય સરકાર કોઈને કોઈ નિષ્કર્ષ પર જરૂર પહોંચશે, તેવી આશા રખાઈ રહી છે.
બીજી તરફ આ વખતે વરસાદ લંબાતા પણ ખેડૂતો પરેશાન છે, અને સામાન્ય જનતા પણ વરસાદમાં વિલંબ થતા વિમાસણમાં મૂકાઈ છે. જો કે, ગઈ રાતથી જામનગર સહિત ઘણાં સ્થળોમાં હાલારમાં વરસાદ ધીમી ધારે શરૂ થતા ઠંડક સાથે થોડી રાહત પ્રસરી છે. ખેડૂતો જ નહીં, સામાન્ય જનતામાં પણ એવી ચર્ચા છે કે કુદરત રૂઠે તો પણ મોડે મોડે મહેરબાની કરે છે, અને તેથી જ રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર થઈ છે. કેટલાક સ્થળે તો મેઘતાંડવ પણ થયું છે, પરંતુ અલનીનોના કારણે વરસાદ ઘણો જ ઓછો થશે અને દુષ્કાળના ડાકલા વાગશે, તેવી ભીતિ દૂર થઈ છે. તેથી એવું કહી શકાય કે કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ, પર સરકાર કે ઘર તો અંધેર હી અંધેર હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial