Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૨૫૫ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાઃ અંબિકામાં સર્વાધિક ૨૪ ઈંચ

પાંચ વરસાદી સિસ્ટમ સક્રિયઃ મચ્છુ-૨ ડેમ ભરપૂરઃ કેટલાક જળાશયો છલકાયાઃ ડોલવલમાં ૧૬.૭૩ ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫૫ તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ છે, અને આજે સવારથી કયાંક ધીમીધારે તો ઘણાં સ્થળે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક જળાશયો છલકાયા છે, નદીઓમાં નવા નીર આવ્યા છે. કેટલાક સ્થળે પુરની પરિસ્થિતિ છે. રાજકોટ સહિત ૬ જિલ્લાઓમાં રેડએલર્ટ છે. જામનગર શહેરમાં પણ ગત રાત્રિથી સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ વરસી રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકામાં વરસાદ નોધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અંબિકામાં ૨૪ અને ડોલવણમાં ૧૬.૭૩ ઈંચ વરસાદ નોધાયો છે. તે ઉપરાંત વસોમાં ૧૬.૩૮ અને ઉમરપાડામાં ૧૪.૬૯ ઈંચ , નડિયાદમાં ૧૩.૪૩ અને નેત્રંગમાં ૧૩.૦૩ ઈંચ, ધરમપુરમાં ૧૧.૦૨ ઈંચ અને વઘઈમાં ૧૦.૯૪ ઈંચ જ્યારે માંગરોળમાં ૧૦.૭૧ ઈંચ અને આણંદમાં ૧૦.૬૭ ઈંચ વરસાદ વરસ્યો છે.

તેજ પવન સાથે આગાહી

અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રેડ એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લાવાર આંકડા

જિલ્લાવાર જોઈએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટા સાથે સાર્વત્રિક મેઘકૃપાના મંડાણ થયા છે અને સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જીલ્લામાં વરસ્યો છે. જેમાં ચુડામાં ૭ ઇંચ, વઢવાણ સાડા પ ઇંચ, શિહોર, મહુવા, લખતર, સાયલા, પાલીતાણા, બોટાદ, ગઢડામાં ૪ ઇંચ, વલ્લભીપુર, ભાવનગર, મોરબીમાં સાડા ૩ ઇંચ, દસાડા, ચોટીલા, લીંબડી, થાનગરઢ, લાઠી, બાબરામાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ટંકારા, વાંકાનેર, સાવરકુંડલામાં ર ઇંચ વરસાદ પડયો છે જયારે અન્યત્ર ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ગઈકાલ રાત્રિથી શરૂ થયેલી મેઘકળપા આજે બીજા દિવસે પણ યથાવત રહેતા સવારથી ગિરનાર, જુનાગઢ, વંથલી, ભેસાણમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. રાત્રે મેઘરાજાએ આગમન કરીને ધીમીધારે વરસવાનો શરૂ કરતા આજે સવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૯૪ મીમી એટલે કે ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દોઢ દોઢ ઇંચ વરસાદ ભેસાણ વિસાવદર અને મેંદરડા તાલુકામાં થયો હતો. જ્યારે જુનાગઢ શહેરમાં પોણો ઈંચ અને ગિરનાર પર્વત પર બે ઇંચ પાણી પડયાનો નોંધાયો હતો.

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાછલા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૭૩.૪ મીમી (લગભગ ૩ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૧૫.૩ મીમી પર પહોંચ્યો છે. ભાવનગર  જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આજે પણ ભારે વરસાદની આગાહી હોય તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. આજે સતત બીજા દિવસે પણ ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. આજે સવારે ઝરમર ઝરમર વરસાદ શરૂ રહૃાો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય જિલ્લામાં વરસાદ પડવાની પુરી સંભાવના છે. આટકોટમાં ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ ખાબકયો રાત્રે થી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો વિજળી નાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા પાક માટે કાચું સોનું વરસ્યું હતું હજું નદી નાળા છલકાય જાય પુર આવે તેવી ભગવાન ને પ્રાથના કરી રહૃાા છે  ધોધમાર વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

જામકંડોરણામાં ગત રાત્રીથી વરસાદી માહોલ છવાયો છે. ગત રાત્રીના ૧૦ વાગ્યાથી આજે વારના ૮ વાગ્યા સુધીમાં જામકંડોરણામાં ધીમીધારે ૩૩ મી.મી. (સવા ઇંચ) વરસાદ પડયો હતો. આ વરસાદથી ખેડુતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે અને ઝરમર વરસાદ ચાલુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચાર કલાકના ગાળામાં એક પછી એક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. લખતરમાં ૪.૩૩ તો વઢવાણમાં ૪.૦૨ ઈંચ જેટલી મેઘમહેર નોંધાઈ ચૂકી છે.

નવસારી જિલ્લામાં છેલ્લા ૧૮ કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સાંજે ૪થી આજે (પહેલી ઓગસ્ટ) સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ ૪.૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વાંસદામાં ૧૦.૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ખેરગામમાં ૪.૨ ઇંચ, નવસારીમાં ૩.૩ ઇંચ, ગણદેવીમાં ૩ ઇંચ, જલાલપોરમાં ૩ ઇંચ અને ચીખલીમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ અને ઉપરવાસની આવકથી જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ૪.૫ ફૂટ ઉપર (૨૭.૫ ફૂટ), અંબિકા નદી ૬.૭ ફૂટ ઉપર (૩૪.૭ ફૂટ) અને કાવેરી નદી ૨ ફૂટ ઉપર (૨૧ ફૂટ) વહી રહી છે. જળબંબાકારની સ્થિતિને પગલે ૧૬૦ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

ખેડા અને આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા આક્રમક બેટિંગ કરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડાના મુખ્ય મથક નડિયાદમાં સતત ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની દહેશતને પગલે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહૃાા છે, ત્યારે સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

બે કલાકમાં સવારે૧૩૫ તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ પહેલી ઓગસ્ટના રોજ સવારે ૬:૦૦થી ૮:૦૦ વાગ્યા સુધીના માત્ર ૨ કલાકમાં રાજ્યના ૧૩૫ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ૩.૪૬ ઇંચ ખાબક્યો છે. ત્યારબાદ નર્મદાના તિલકવાડામાં ૨.૭૬ ઇંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં ૨.૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નર્મદાના ગરુડેશ્વર (૨.૦૫ ઇંચ) અને નાંદોદ (૧.૯૩ ઇંચ), મોરબી (૧.૬૧ ઇંચ), ભરૂચ (૧.૩૦ ઇંચ) તેમજ અમદાવાદના વિરમગામ અને વડોદરાના શિનોરમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સવાર-સવારમાં જ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે.

ચાર કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકના ગાળામાં અનેક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહૃાા છે. જ્યારે લખતરમાં તો બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહૃાા છે. ધ્રાંગધ્રામાં બે કલાકમાં સાડા ચાર ઈંચ પાણી પડયુ છે.

સર્વાધિક ૨૪ ઈંચ

ગુજરાતમાં ગઈકાલનો દિવસ એટલે કે ૩૧ જુલાઈ ૨૦૨૬ ખૂબ જ ભારે વીત્યો. જેમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતના અંબિકામાં નોંધાયો હતો. જ્યાં શુક્રવાર સવારથી શરુ થઇને શનિવારની સવાર સુધીમાં ૨૪.૦૬ ઈંચ જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો હતો. લગભગ ૩ તાલુકા એવા હતા જ્યાં ૧૬ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે ૯ તાલુકા એવા હતા જ્યાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ તૂટી પડ્યો હતો.

જોકે આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટની આગાહી છે. ત્યારે સવારના બે કલાકમાં જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ, નર્મદા જિલ્લાઓમાં નોંધાયો હતો.

લોકાર્પણ પહેલા જ નવનિર્મિત પુલ ધ્વસ્ત !

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે બે કરોડથી વધુના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ તેના એપ્રોચ રોડનો એક ભાગ ભારે વરસાદ અને નદીના પ્રવાહના કારણે ધોવાઈ ગયો છે. જેના કારણે બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અશ્વિન નદીનો પટ વિશાળ હોવા છતાં બ્રિજની લંબાઈ પૂરતી રાખવામાં આવી નથી. પરિણામે લોકાર્પણ પહેલાં જ બ્રિજનો એક છેડો ધોવાઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh