Advertisement
Author: નોબત સમાચાર

એલપીજી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ।. ૨૦૨નો ઘટાડોઃ ઈલેકટ્રોનિકસ ચીજો મોંઘી થવાની સંભાવના

રેલવે તત્કાલ બુકીંગ, આઈ.ટી. રિટર્ન, સીકેવાયસી, જીએસટી સહિત ૮ ફેરફાર લાગુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ।. ૨૦૨ જેટલુ સસ્તુ થયુ છે, અને કેટલીક ચીજો મોંઘી થયાની શકયતા દર્શાવાઈ રહી છે. આજથી આઠ મોટા ફેરફાર લાગુ થયા છે.

આજે તારીખ ૧ ઓગસ્ટથી દેશમાં અનેક નાણાકીય નિયમો બદલાયા છે, જે સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ૨૦૨ રૂપિયા સસ્તો થયો છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત છે. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ટોકન સિસ્ટમ શરૂ થઈ છે. ચા-કપડાં મોંઘા થઈ શકે છે, જ્યારે આઈટીઆર મોડું ભરવા પર દંડ લાગશે. બેંકોએ ક્રેડિટ કાર્ડ પોલિસી બદલી છે અને સીકેવાયસી ૨.૦ રોલઆઉટ થયું છે.

દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. આજથી ૧૯ કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૨ રૂપિયાનો મોટો ઘટાડો કરાયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૨,૭૨૮ રૂપિયા અને કોલકાતામાં ૨,૮૭૨.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરગથ્થુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે હવે તત્કાલ બુકિંગ શરૂ થવાના સમયની સાથે જ મુસાફરોને ટોકન આપવામાં આવશે. પહેલા મુસાફરોને ટોકન અપાશે અને ત્યારબાદ એ ટોકન નંબર મુજબ જ ક્રમશઃ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે, જેથી કાઉન્ટર પર વ્યવસ્થા જળવાઈ રહે.

માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાલુ મહિને ચા, કપડાં, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી જીવનજરૂરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થઈ શકે છે. વૈશ્વિક અને ભૂ-રાજકીય તણાવને કારણે ઈનપુટ કોસ્ટ (કાચા માલનો ખર્ચ) વધી રહૃાો છે. જેને કારણે કારથી લઈને સાબુ સુધીની અનેક પ્રોડક્ટ્સની કિંમતમાં ૪થી ૬ ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

આઈટીઆર-૧ અને આટીઆર-૨ ભરવાની સામાન્ય સમયમર્યાદા ૩૧ જુલાઈએ પૂર્ણ થઈ ગઈ છે. તેથી હવે ૧ ઓગસ્ટથી લેટ રિટર્ન (બિલેટેડ આઈટીઆર) દાખલ કરવું પડશે, જેના માટે કરદાતાઓએ ૧,૦૦૦ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

૧ ઓગસ્ટથી દેશની અગ્રણી બેંકોએ પોતાની ક્રેડિટ કાર્ડ પોલિસીમાં ફેરફારો લાગુ કર્યા છે. આ ફેરફારોમાં રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામ, વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ અને અન્ય સર્વિસ ચાર્જિસનો સમાવેશ થાય છે. દરેક બેંકના નિયમો અલગ-અલગ હોવાથી ગ્રાહકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નવા ચાર્જિસ અને શરતો ચકાસી લેવી જરૂરી છે.

બેંકિંગ, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રને વધુ સરળ બનાવવા માટે આજથી 'સીકેવાયસી ૨.૦' (સેન્ટ્રલ કેવાયસી) રોલઆઉટ કરવામાં આવી રહૃાું છે. ગ્રાહકની ડિજિટલ મંજૂરી બાદ નાણાકીય સંસ્થાઓ સેન્ટ્રલ ડેટાબેઝમાંથી જ જરૂરી વિગતો મેળવી શકશે. આ સિસ્ટમથી ગ્રાહકોને નવું બેંક ખાતું ખોલાવતી વખતે, વીમો લેતી વખતે કે અન્ય નાણાકીય વ્યવહારો કરતી વખતે વારંવાર એકસરખા કેવાયસી દસ્તાવેજો જમા કરાવવામાંથી મુક્તિ મળશે.

વેપારીઓ અને બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે જીએસટીના નિયમોમાં બદલાવ કરાયો છે. ઈ-ઈનવોઈસ અને ઈ-વે બિલ (ઈ-વે બિલ) સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાના ભાગરૂપે હવે 'બિલ-ટુ-શિપ-ટુ'  વ્યવહારોમાં 'શિપ-ટુ' જીએસટીઆઈએન આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે સિસ્ટમ દ્વારા જીએસટીઆઈએન અને સ્ટેટ કોડ સહિતની માહિતીનું ઓટો-વેરિફિકેશન પણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh