Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્યા હુઆ... તેરા વાદા!
જામનગર તા. ૫ઃ જામનગર શહેર ઘણાં વર્ષોથી મહાનગરની વ્યાખ્યામાં લાવવામાં આવ્યું છે. આ મહાનગર જ્યારથી બન્યું ત્યારથી વચ્ચેના માત્ર થોડા વર્ષ કે મહિના વર્ષના સમયગાળા સિવાય સત્તાસ્થાને ભારતીય જનતા પાર્ટી છે.
મહાનગરપાલિકાની સમયક્રમ પ્રમાણે યોજાતી રહેતી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના ચહેરાઓ બદલાતા રહ્યા છે. પદાધિકારીઓ પદ ભોગવી સંતોષ માની રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની કે લોકસભાની ચૂંટણી... દર વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પપત્રના માધ્યમથી જામનગર શહેરમાં વિકાસ, પ્રજાકીય સુવિધાઓ માટેના વચનો લેખિતમાં જાહેર કરવામાં આવે છે... આ વચનોની પરિપૂર્તિ થઈ છે કે કેમ?? તે જામનગરની જનતાએ નક્કી કરવાનું હોય છે, પણ દર ચૂંટણી ટાણે ભાજપના એક અલગ પ્રકારના ઝંઝાવાતી પ્રચાર અને ન.મો. જેવા નેતાના પ્રભાવના કારણે પક્ષે આપેલા વચનો કોઈ યાદ કરતું નથી, અને નવા સંકલ્પ પત્રના નામે રજૂ કરેલા વચનો પૂરા થશે તેવી આશા બીજી ચૂંટણી સુધી રાખે છે!
જામનગર શહેરનો વિસ્તાર વધારી દેવાયો ત્યારે શહેરમાં ભારે વાહનો સહિતના ટ્રાફિકને હળવો કરવા રીંગ રોડ બનાવવામાં આવશે.
જામનગરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવશે.
જામનગર શહેરની વધી રહેલી વસતિને ધ્યાને લઈને ત્રીજા સ્મશાનગૃહની સુવિધા આપવામાં આવશે.
છેલ્લા રપ-૩૦ વર્ષોથી જે વચન આપવામાં આવે છે તે દૈનિક પાણી વિતરણનો સંકલ્પ સિદ્ધ કરાશે.
જામનગર શહેરની ચારે ય દિશામાં વિકસી રહેલા વિસ્તારોના લોકો માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે.
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પાર્કિંગની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાશે. કોમર્શિયલ કોમ્પલેક્ષના સેલરના પાર્કિંગ કાર્યરત કરાશે.
શહેરમાં રખડતા-ભટકતા અને નગરજનોના જાનમાલને નુક્સાન કરતી સમસ્યાનો ઉકેલ લાવવા કડક પગલાં લેવાશે. એનિમલ હોસ્ટેલ બનાવાશે. ઢોરમાલિકો સામે પોલીસ ફરિયાદો કરાશે.
શહેરના માર્ગો પરથી દબાણો હટાવાશે.
શહેરમાં જંગી ખર્ચે ઊભા કરાયેલા અને બંધ સ્થિતિમાં ભંગાર સ્થિતિમાં ફેરવાઈ ગયેલા ટ્રાફિક સિગ્નલો લાખોના ખર્ચે ચાલુ કરવાના પ્રયાસો કરાશે. નવા નવા ચોકમાં લાખોના ખર્ચે ટ્રાફિક સિગ્નલો ઊભા કરાશે.
આવા વચનો લગભગ દરેક ચૂંટણી વખતે ખાસ કરીને ભાજપ દ્વારા જ આપવામાં આવતા રહ્યા છે. આ વચનો જામનગર શહેરની જનતાને સીધા સ્પર્શતા પ્રશ્નોની પૂર્તિ માટેના હોય છે, પણ આ તમામ પ્રશ્નો અણઉકેલ રહ્યા છે તે કડવી વાસ્તવિક્તા સૌએ સ્વીકારવી જોઈએ. એટલું જ નહીં, શહેરની સમસ્યા હળવી બનવાના બદલે વધુને વધુ વકરતી ગઈ છે અને ભાજપના શાસનમાં વધુને વધુ ગંભીર અને ચિંતાજનક રીતે વધતી જાય છે.
આ પરિસ્થિતિ માટે જવાબદાર બેશકપણે શાસક પક્ષને જ ગણી શકાય. અણઘડ આયોજન, અણઆવડત, દિર્ઘદૃષ્ટિનો અભાવ, મનપાના બે-ચાર વિભાગોની કથિત બેફામ હપ્તાખોરી, લાખો-કરોડોના કામોમાં ભ્રષ્ટાચારના કારણે નબળા કામની ફરિયાદો, લોકોની સમસ્યાના ઉકેલ લાવવાની દિશામાં સદંતર નિષ્ક્રિયતા, નિંભરતા, સત્તાનો અહમ્, પક્ષના જ કાર્યક્રમો, મેળાવડાઓ, તાયફાઓમાં રચ્યા પચ્યા રહેવા, શિસ્તનું પાલન, રસ્તા, લાઈટ, ટ્રાફિક, ગંદકી, ઢોર જેવી અત્યંત પ્રાથમિક બાબતો પ્રત્યે ગંભીરતાપૂર્વક અગ્રતા આપવામાં પ્રજાની અવગણના સમાન દુર્લક્ષ્ય સેવવાની મનોવૃત્તિ વગેરે કારણભૂત છે. તો આ મહાનગરની સાત-આઠ લાખની જનતા, વારંવાર નતનવા નિવેદનો, વિરોધ પ્રદર્શિત કરતી પ્રેસનોટો છપાવનારા નિવેદનિયા નેતાઓ અને સંસ્થાઓ પણ જવાબદાર ગણી જ શકાય... શાસકો સમક્ષ અસરકારક રજૂઆત કરીને શા માટે સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય? જામનગરની જનતા સહનશીલ છે, આળસુ છે, અને હવે તો રજૂઆત કરતા પણ થોડી ડરે છે અથવા રજૂઆતો કરી કરીને થાકી ગઈ છે.
જામનગરની આ શીરદર્દ સમાન બની ગયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈ મજબૂત નિર્ણયશક્તિવાળા નિડર નેતાની જરૃર છે. શાસક પક્ષમાં તો નાનો કોર્પોરેટર હોય કે ઉચ્ચ પદે ચૂંટાયેલ પ્રતિનિધિ હોય, પોતાના પક્ષના જ શાસન સામે વિરોધ કે રજૂઆત કરી શકે તેમ નથી. પ્રજાના પ્રશ્નો પ્રત્યે સભાનતાપૂર્વક પોતાની પોઝીશનનો ઉપયોગ કરીને ઉકેલ લાવવા જેટલી દરકાર પણ કોઈ નેતા કરતા નથી!
અત્યારે તો માત્ર એટલું જ લખવાનું કે, થોભો, રાહ જુઓ... ચૂંટણી ક્યાં દૂર છે? ફરીથી ઉપર આલેખાયેલા સંકલ્પો સાથેની પુસ્તિકા સાથે વચનો જાહેર થવાના છે, અને ફરીથી... ત્યાં ને ત્યાં જ!
વચનો આપનારા, સંકલ્પો લેનારાઓએ યાદ રાખવા જેવો ફિલ્મનો એક ડાયલોગઃ
'વાદા કભી નહીં કરના...
કોશિશ કરના...
વાદે અક્સર તૂટ જાતે હૈ...
કોશિશ કામિયાબ હોતી હૈ...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial