Advertisement
Author: નોબત સમાચાર

દેશની પ્રથમ વોટર મેટ્રોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચિમાં કરાવ્યો પ્રારંભ

કેરળમાં દેશની ૧૬મી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડીઃ તિરુવનંતપુરમ્માં રોડ-શોઃ વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કોચ્ચિ તા.૨૫ઃ દેશની પ્રથમ વોટર મેટ્રોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચિથી પ્રારંભ કરાવ્યો છે. આ ઉપરાંત તેમણે ૧૬ મી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. તેઓએ તિરુવનંતપુરમ્માં રોડ-શો પણ યોજ્યો હતો અને સંબોધન કર્યું હતંું.

દેશની પ્રથમ વોટર મેટ્રો કોચ્ચિમાં શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ એપ્રિલે એટલે કે આજે લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો છે. આ શરૂઆત પહેલા પીએમ મોદીએ અહીં રોડ શો યોજ્યો હતો.

આ મેટ્રો ૧૫ રૂટને આવરી લેશે. દેશની પ્રથમ વોટર મેટ્રો ૧૦ ટાપુઓને જોડશે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની શરૂઆત આઠ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટથી કરવામાં આવશે. આ વોટર મેટ્રો ઈકો ફ્રેન્ડલી હશે. તે કેરળની આસપાસના દ્વીપને એકસાથે જોડશે. આ પ્રોજેક્ટમાં કુલ ૭૮ બોટ્સ અને ૩૮ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યા છે.  અધિકારીઓના મતે કે મેટ્રોની શરૂઆત સાથે પરિવહનને ઘણી મદદ મળશે અને મુસાફરીમાં સરળતા રહેશે. તે હાલના પરિવહન  નેટવર્કની ભીડ ઘટાડવામાં મદદ કરશે. તે કોચ્ચિના પાણીમાં સૌથી સસ્તી મુસાફરી પ્રદાન કરશે. સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે વોટર મેટ્રો રાજ્યમાં વોટર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટી ક્રાંતિ લાવશે અને વોટર મેટ્રો પોસાય તેવા ભાવ સાથે શરુ થવાની છે. કોચ્ચિ મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર લોકનાથ બેહરાએ જણાવ્યું હતું કે તે ૧૫ રૂટ પર દોડશે અને ૭૫ કિમીનું અંતર કાપશે. સિંગલ ટ્રિપ ટિકિટ ઉપરાંત, પ્રવાસીઓ વોટર મેટ્રોમાં સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક પાસ પણ મેળવી શકે છે.  મેટ્રો આરામદાયક મુસાફરી પ્રદાન કરશે અને સંપૂર્ણ સલામત રહેશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧,૧૩૭ કરોડ રૂપિયા છે.

જર્મન ફંડિંગ એજન્સી અને રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડ્યું છે. આ માટે ખાસ મોડલ બનાવાયું છે. તેનાથી પોલ્યૂશનમાં ઘટાડો કરવાની કોશિશ કરાશે. ૧૨ યાત્રા સાથે અઠવાડિક યાત્રા પાસની કિંમત ૧૮૦ રૂપિયા છે. ૫૦ ટ્રિપ સાથે ૩૦ દિવસ નો પાસ ૬૦૦ રૂપિયાનો છે અને ૯૦ દિવસ માટે ૧૫૦ ટ્રિપનો પાસ ૧૫૦૦ રૂપિયામાં મળશે. યાત્રી કોચ્ચિ વનકાર્ડનો પણ ઉપયોગ કરી શકશે. આ માટે કોચ્ચિ વન એપની મદદથી મોબાઈલ ક્યૂઆર ટિકિટ બુક કરી શકાશે. સુવિધા રોજ સવારે ૭ વાગે શરૂ થશે અને રાતે ૮ વાગ્યા સુધી ચાલશે. પીક અવર્સમાં દર ૧૫ મિનિટમાં વોટર મેટ્રો મળશે.

હાઈકોર્ટ-વાઈપિન રૂટ માટે સિંગલ પ્રવાસની ટિકિટનું ભાડું ૨૦ રૂપિયા હશે. જ્યારે, વિટિલા-કક્કનાડ વચ્ચેનું ભાડું રૂ. ૩૦ રહેશે. હાઈકોર્ટ વોટર મેટ્રો ટર્મિનલથી વાઈપિન પહોંચવામાં ૨૦ મિનિટથી ઓછો સમય લાગશે. જ્યારે વિટિલાથી કક્કનાડ ટર્મિનલનું અંતર લગભગ ૨૫ મિનિટમાં કવર કરી શકાય છે. કોચ્ચિ શહેર માટે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો ઉપયોગ જાહેર પરિવહનના માધ્યમ તરીકે જ નહીં, પરંતુ જળમાર્ગોના વિકાસને પણ પ્રોત્સાહન આપશે. જે ટાપુઓ પર આ મેટ્રો સેવા પહોંચશે ત્યાં રસ્તાઓ પણ બનાવવામાં આવશે, જેથી મુસાફરોને ટર્મિનલ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે.

આ ઉપરાંત વ્યવસાયિક રીતે પણ આ વિસ્તારોને પ્રોત્સાહન મળશે. બોટ ટર્મિનલને  કદ અને ક્ષમતાના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મુખ્ય, મધ્યવર્તી અને નાના ટર્મિનલ્સ. કોચ્ચિ વોટર મેટ્રો ટર્મિનલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યારે પીક અવર્સ હોય ત્યારે ભીડને સરળતાથી નિયંત્રિત કરી શકાય. આ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. પીક અવર ટ્રાફિક ના આધારે મુખ્ય ટર્મિનલ્સ ૧૦૦૦ પીએચટી, મધ્યવર્તી ટર્મિનલ્સ ૩૦૦ પીએચટી અને નાના ટર્મિનલ્સ ૩૦૦-૧૦૦૦પીએચટી હેઠળ આવે છે. મુસાફરોની સેવા માટે ૭૮ ઇકો ફ્રેન્ડલી બોટ હશે. તેમાંથી ૨૩ બોટ એવી છે કે જેમાં એક સાથે ૧૦૦ લોકો મુસાફરી કરી શકશે, જ્યારે બાકીની બોટોમાં એક સાથે ૫૦ થી ૫૫ લોકો મુસાફરી કરી શકશે. આ પેસેન્જર બોટ ઉપરાંત ઈમરજન્સીના સંજોગોમાં અન ે મુખ્ય કાફલા માટે વિકલ્પ તરીકે ચાર બોટ પણ હશે.

દેશને આજે ૧૬ મી વંદે ભારત એક્સપ્રેસ મળી ગઈ છે. પીએમ મોદીએ તિરૃવનંતપુરમ્ સેન્ટ્રલ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ સેમી હાઈસ્પીડ ટ્રેનનો રૃટ, ભાડું અને સ્ટોપની વિગતો પણ જાહેર કરાઈ છે. કેરળ રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ૮૬ કિ.મી.નું અંતર કાપશે. ર૮ એપ્રિલે તે કાસરગોડ-તિરુવનંતપુરમ્ રૃટ પર નિયમિત સંચાલન શરૃ કરશે.

આ ટ્રેન ગુરુવાર સિવાય ૬ દિવસ ચાલશે અને તે આઠ કલાક અને પ મિનિટમાં ૧૪ રેલવે સ્ટેશનનું અંતર કાપશે. તેના ભાડાની વાત કરીએ તો ચેરકાર માટે રૃા. ૧પ૯૦ અને એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે ર૮૮૦ રૃપિયા નક્કી કરાયું છે, જો કે કાસરગોડ-તિરૃવનંતપુરમ્ રૃટ પર ચેરકારનું ભાડું ૧પર૦ રૃપિયા તથા એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે ર૮૧પ રૃપિયા રહેશે.

વડાપ્રધાન મોદીએ આ ઉપરાંત તિરૃવનંતપુરમ્ ડિજિટલ સાયન્સ પાર્કની આધારશિલા મૂકી અને કોચ્ચિ વોટર મેટ્રો તથા જુદા જુદા પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળ ખૂબ જ જાગૃત, સમજદાર અને શિક્ષિત લોકોનો પ્રદેશ છે. અહીંના લોકોનું સામર્થ્ય, વિનમ્રતા અને પરિશ્રમ તેમની એક વિશેષ ઓળખ છે. તેમણે કહ્યું કે દેશ-વિદેશની પરિસ્થિતિઓથી પણ તેઓ સારી રીતે માહિતગાર હોય છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે કેરળને તેની પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળી. આજે અહીં કોચ્ચિને વોટરમેટ્રોની પણ સુવિધા મળી છે. કનેક્ટિવિટીની સાથે સાથે આજે કેરળના વિકાસ સાથે જોડાયા અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરાયો. આ બધા માટે હું કેરળના લોકોનો ખૂબ ખૂબ આભારી છું. કેરળ સમજદાર અને શિક્ષિત લોકોનો પ્રદેશ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh