Advertisement
Author: નોબત સમાચાર

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ થશે ''સૌરાષ્ટ્ર-તમિલ સંગમ પ્રશસ્તિ'' પુસ્તક

સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં વિદ્વાનો-કવિઓ દ્વારા નવું જ પ્રાણવાન તત્ત્વ ઉમેરાયુ

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા સોમનાથ-રામેશ્વરસડ્ગમાષ્ટકમ્ રચવામાં આવ્યું છે. જ્યારે રામેશ્વર અને સોમનાથ બંને સ્થળનો સુભગ સંગમ થઈ રહ્યો છે તેવા ઐતિહાસિક પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંલગ્ન મહાવિદ્યાલયોના વિદ્વાન કવિઓ દ્વારા કલા, શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાના ઐતિહાસિક કાર્યક્રમ એવા સૌરાષ્ટ્ર તમિલ સંગમમ વિશેના ભાવ અને લોકોના ઉત્સાહને ધ્યાને લઈ યત્ર વિશ્વં ભવતયૈકનીડમ્, વસુધૈવ કુટુમ્બકમ્, એક ભારત શ્રેષ્ઠ ભારત વગેરેની કલ્પનાને શબ્દદેહ આપવાનો અભિનવ વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ ભાવ અને લાગણીઓની અભિવ્યક્તિ માટે વિદ્વાન કવિઓએ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્ સંબંધિત  શ્લોકોની રચના કરી રહ્યાં છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્ કાર્યક્રમ પૂરો થાય તે પહેલાં રચવામાં આવેલા શ્લોકોમાંથી ઉત્તમ શ્લોકોની પસંદગી કરીને ''સૌરાષ્ટ્ર-તમિલસડ્ગમપ્રશસ્તિ'' પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવશે. આના પરિણામે પાઠકો સુધી શબ્દ દેહે આ પ્રબુદ્ધ કવિઓનો ઉમદા ભાવ અને લાગણી પહોંચશે તેમ જ આ ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમની યાદો ચિરંજીવ બની લોકોના હૃદયમાં સદાય ધબકતી રહેશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યોજનાઓમાં શાસ્ત્ર વિકાસના હેતુ માટે ગુજરાત રાજ્યને મળેલ એક અમૂલ્ય ઉપહાર છે. તેમની જ દીર્ઘદૃષ્ટિના પરિણામ સ્વરૃપે આ યુનિવર્સિટી  સંસ્કૃત પ્રચાર અને શાસ્ત્ર પ્રચારના સંકલ્પને સાકાર કરી રહી છે. તેમણે યુનિવર્સિટીની સ્થાપના કરતા કહ્યું હતું કે ''શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વ્યક્તિઓનું નહીં પણ ભાવિ પેઢીઓનું નિર્માણ કરશે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના માનવ નિર્માણ રૃપી મહા અભિયાન ની શરૃઆત છે'' એ ખરેખર ચરિતાર્થ થઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ ગુજરાત અને તમિલનાડુની ભૂમિ ઉપર આકાર લઇ રહ્યો છે. અનેક સૌરાષ્ટ્રવાસીઓ અને તમિલવાસીઓ આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક જોડાઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પણ ઉમંગપૂર્વક પ્રસ્તુત કાર્યક્રમમાં સહભાગી બની એનો સૂર પુરાવી રહી છે. સંસ્કૃતને મુખ્ય આધાર રાખીને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્ વિશે યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રબુદ્ધ અને વિદ્વાન કવિઓ આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તેને કાવ્યના સ્વરૃપમાં ઢાળીને સૌરાષ્ટ્ર તમિલ સંગમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરવા માટે આગળ આવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, નેક દ્વારા એ+ ગ્રેડ પ્રાપ્ત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પૂર્ણતા ગૌરવાયના ધ્યેયમંત્ર સાથે તમામ ક્ષેત્રમાં ઉત્તમ અને ગુણવત્તાયુક્ત કાર્ય કરવા માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સાથે ૧૧૯ સંસ્થા જોડાયેલી છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. અહીં પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયોને પણ આવરી લેવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયો ઉપર મનનીય અનેક ગ્રંથો પ્રકાશિત કરવામાં આવે છે. હવે શ્રી  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ''સૌરાષ્ટ્ર-તમિલસડ્ગમપ્રશસ્તિ'' વિશેષ ગ્રંથ તરીકે પ્રકાશિત થનાર છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ થકી અનેક નવી દિશાઓ ઉઘડી રહી છે એની અનુભૂતિ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંલગ્ન મહાવિદ્યાલયોના વિદ્વાન કવિઓ દ્વારા સુપેરે થઇ રહી છે. બન્ને પ્રદેશો વચ્ચેની વરસો જૂની યાદો આળસ મરડીને ઊભી થઇ રહી છે ત્યારે આ પ્રકારનો ઉપક્રમ પ્રસ્તુત કાર્યક્રમને વધુ જીવંત બનાવશે. આવતાં સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જોવાની છે. તમિલનાડુના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બન્યુ પિયર તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બન્યું છે એમનું બીજું ઘર.

વિશ્વભરને આશ્ચર્યચકિત કરી દેનારી આ એક દુર્લભ ઘટનામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને  સંલગ્ન મહાવિદ્યાલયોના વિદ્વાન કવિઓએ નવું જ એક પ્રાણવાન અને જાનદાર તત્ત્વ ઉમેર્યું છે. ''સૌરાષ્ટ્ર તમિલ સંગમ''માં સહભાગી બનવા સૌ થનગની રહ્યાં હોય ત્યારે આ પ્રકારનો ભાવ નિઃસંદેહપણે સૌકોઇના હૃદયને પુલકિત કરી દે એ સ્વાભાવિક વાત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh