Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જગતમંદિર કોરિડોર પ્રોજેક્ટ તથા ભગવાન શ્રીકૃષ્ણની ગગનચૂંબી પ્રતિમાનું નિર્માણ થશે શરૃ

ડિસેમ્બરમાં ખાતમુહૂર્તની સંભાવનાઃ ગોમતીઘાટમાં વિસ્તૃતિકરણઃ ૧૦૦ જેટલી મિલકતો તોડવી પડશે

દ્વારકા તા. ૧રઃ યાત્રાધામ દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટ તેમજ શ્રીકૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનું થોડા મહિનામાં શરૃ થશે. ખાતમુહૂર્ત ડિસેમ્બરના અંત સુધીમાં થાય તેવી સંભાવના જણાવાઈ રહી છે.

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આસપાસની ગીચતા અને સતત વધતાજતા દર્શનાર્થીઓના ટ્રાફિકને લીધે તેમજ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની નેમ સાથે કેન્દ્ર સરકારે ગત્ વર્ષની આખરમાં ડિસેમ્બર ર૦રર માં દ્વારકા કોરિડોર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેનું ઉદ્ઘાટન જન્માષ્ટમી દરમિયાન કરવાનું પ્રારંભિક પ્લાનિંગ કરાયું હતું, પરંતુ જન્માષ્ટમીમાં યાત્રિકોની ચિક્કાર ગીર્દી રહેતી હોય, ખાતમુહૂર્ત પાછળ ઠેલાયું હતું અને નજીકના સમયમાં જ કોરિડોર પ્રોજેક્ટના ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્તની સંભાવના જોવાઈ રહી છે. કોરિડોર પ્રોજેક્ટ અનુસંધાને શરૃ કરાયેલ સર્વેની કામગીરી પૂર્ણતાની આરે છે. ખાતમુહૂર્ત સાથે જ દ્વારકા કોરિડોરની કામગીરી શરૃ થાય તેવી સંભાવના છે.

ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા, વૃંદાવનમાં બાળ લીલા પછી દ્વારકા આવ્યા અને રાજાધિરાજ દ્વારકાધીશે અહીંની ભૂમિને કર્મભૂમિ બનાવી હતી. કૃષ્ણની કર્મભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની પણ જાહેરાત કરાઈ હોય જેના કારણે પણ કોરિડોર પ્રોજેક્ટના વિકાસની સાથે સાથે શ્રીકૃષ્ણની બેનમૂન પ્રતિમા નિર્માણ માટેની પૂર્વ તૈયારીઓ પણ શરૃ કરી દેવાઈ છે.

ચાર ધામ પૈકીનું એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી તરીકે દ્વારકાની ગણના થતી હોય, વળી દેશભરમાં આવેલ ચાર પ્રમુખ મઠ પૈકી શારદામઠ અહીં આવેલ હોય, જ્યાં શંકરાચાર્ય બિરાજમાન હોય, ત્યારે દ્વારકા યાત્રાધામનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસની સાથે સાથે યાત્રિકોના ધસારામાં દિન-પ્રતિદિન વધારો થતો ગયો હોય, ત્યારે દર વર્ષે લાખો ભાવિકો જગતમંદિરના દર્શન કરતા હોય છે જેમને હાલની સંકળામણભરી ગીચ વ્યવસ્થાને લીધે વ્યાપક મુશ્કેલીઓ પડતી હોય છે. જે રીતે કાશીમાં ભગવાન કાશીવિશ્વનાથ મંદિરના કોરિડોરનો વિકાસ કરાયો તેવી જ તર્જ ઉપર દ્વારકા કોરિડોરનું નિર્માણ કરવામાં આવનાર હોય, જેના લીધે મંદિરની ભવ્યતામાં વધારાની સાથોસાથ યાત્રિકલક્ષી સુવિધાઓમાં પણ અનેકગણો વધારો થશે.

હાલમાં આવેલ મંદિરના મુખ્ય રસ્તાને પહોળો કરવા માટે રહેણાંક તેમજ દુકાનો મળીને ૧૦૦ થી વધારે મિલકતો તોડવી પડે તેમ હોય, આ તમામને વળતરની ચૂકવણી સહિતનો અભ્યાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીને ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે તેવું જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. કોરિડોર પ્રોજેક્ટની પરિપૂર્ણતાની સાથે રાજાધિકરાજ જે રીતે વૈભવી શાસન ચલાવતા તેવા પૌરાણિક સ્વરૃપ સાથ ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ પરિપૂર્ણ થશે.

દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીના દર્શનનું જેટલું મહત્ત્વ માનવામાં આવે છે, તેટલું જ મહત્ત્વ યાત્રાધામમાં આવેલ પૌરાણિક ગોમતી નદીમાં સ્નાનનું રહેલું છે. સદીઓથી અહીં સાંકડા ઘાટ પરથી ભાવિકો દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યા પછી સ્વર્ગ દ્વારેથી દ્વારકાધીશના દર્શન કરતા હોય લાખોની અવરજવરવાળા આ સોળ જેટલા સાંકડા ગોમતી ઘાટનું પણ વિસ્તૃતિકરણ કરાશે અને વિશાળ ઘાટોનું નિર્માણ કરાશે. આ સાથે જ હાલમાં ઉપલબ્ધ પાર્કિંગ વ્યવસ્થા મંદિરથી દૂર હોય, જેના કારણે ખાસ્સુ અંતર ચાલીને મંદિરે આવવું પડતું હોય, ત્યારે મંદિરની નજીક જ વિશાળ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

સિગ્નેચર બ્રીજ, શિવરાજપુર, દ્વારકા કોરિડોરના વિકાસની શ્રેણી

દ્વારકાધીશ મંદિરે યાત્રાળુઓના પ્રવાહમાં સતત વધારો જોતા કોરિડોર પ્રોજેક્ટની જરૃરિયાત ઊભી થતા સરકાર દ્વારા તેની જાહેરાત પછી ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાયા પછી આ પ્રોજેક્ટની પૂર્ણતા સાથે મંદિરમાં યાત્રિકલક્ષી સુવિધાઓમાં અનેકગણો વધારો થનાર હોય, તેમજ સંભવતઃ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાના નિર્માણ અને બેટદ્વારકાના સિગ્નેચર બ્રીજની પૂર્ણતા તેમજ શિવરાજપુર બીચના ફેઈઝ વાઈસ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની પૂર્ણતાની સાથે સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્રના સર્વાંગી વિકાસની સાથે સાથે ટુરીઝમને જબરદસ્ત બુસ્ટઅપ મળશે. જેના કારણે વધુને વધુ શ્રદ્ધાળુઓ તેમજ સહેલાણીઓ આ ક્ષેત્રની મુલાકાત લેતા થશે ત્યારે પ્રમુખત્તમ સ્થાન એવા દ્વારકાધીશ જગતમંદિરના ટ્રાફિકમાં ત્યારપછી જબરદસ્ત વધારો થાય તેવી સંભાવના જોતા મંદિર પરિસરમાં તેમજ આસપાસમાં યાત્રિકલક્ષી આધુનિક ઢબે સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્રના સૂત્રો અનુસાર સમગ્ર પ્રોજેક્ટ પીએમઓની સીધી દેખરેખ હોય, ટૂંક સમયમાં કોરિડોરના ખાતમુહૂર્તની જાહેરાત થાય તેવી પૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે, જ્યારે પ્રવાસન ક્ષેત્રે દ્વારકાનો સૂવર્ણ દાયકો વિત્યા પછી બીજો સૂવર્ણ દાયકો શરૃ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh