Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પાંચ પદાધિકારીઓના નામની જાહેરાત શાસક પક્ષ દ્વારા કરવામાં આવતા હોબાળો મચી ગયો હોવાનું જાણવા મળે છે.
પ્રદેશ ભાજપના મોવડીમંડળ દ્વારા જે નામોની જાહેરાત થઈ તેમાં બે સભ્યોના નામ સામે ઉગ્ર વિરોધ પ્રગટ થયો અને કહેવાય છે કે તરત જ કમલમ્ સુધી મોબાઈલ ગાજ્યા... નવાઈની વાત એ છે કે પ્રદેશ મોવડી મંડળે પણ જાણે આ વિરોધની સામે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ તાત્કાલિક નામો ફેરવી નવા નામોની જાહેરાત કરવી પડી!
સૌ પ્રથમ જે પાંચ પદાધિકારીઓના નામ જાહેર થયા તેમાં વિનોદભાઈ ખીમસૂર્યા, આશિષ જોષી, ક્રિષ્નાબેન સોઢા, કેતનભાઈ નાખવા અને જીતુભાઈ શિંગાળાના નામો હતાં, પણ તેમાં સ્થાયી સમિતિના ચેરમેન આશિષ જોષી અને દંડક જીતુભાઈ શિંગાળાના નામોમાં ફેરફાર કરવા હોબાળો મચી ગયો! આ હોબાળો, વિરોધ, રજૂઆતોના અંતે સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરવામાં આવતા ત્યાંથી નવેસરથી યાદી આવી... અને તેમાં ચેરમેન તરીકે આશિષ જોષીના બદલે નિલેશભાઈ કગથરા તથા દંડક તરીકે જીતુભાઈ શિંગાળાના બદલે કેતનભાઈ નાખવાનું નામ જાહેર થયું... આશિષ જોષીનું નામ શાસક જુથના નેતા તરીકે દર્શાવાયું.
આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટી માટે સૌથી ગંભીર બાબત એ રહી છે કે મોવડી મંડળના આદેશ સમાન પસંદગી સામે કદાચ સૌ પ્રથમ વખત વિરોધ પ્રગટ થયો.
ભારતીય જનતા પક્ષ અત્યારે ભારતના રાજકારણમાં સમગ્ર દેશમાં સૌથી શક્તિશાળી અને સૌથી વિશાળ સભ્યસંખ્યા સાથેનો દેશવ્યાપી રાજકીય પક્ષ છે. આ પક્ષે પોતાના ભાજપના જ ગઢ ગણાતા ગુજરાતની મુખ્યમંત્રી રૃપાણી સરકારને તમામ મંત્રીઓ સાથે માત્ર એક ટેલિફોનિક આદેશથી ઘરભેગી કરી દીધી હતી! ત્યારે જામનગર મહાનગરપાલિકા જેવી રાજ્યની એક સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પદાધિકારીઓની મોવડી મંડળે કરેલી પસંદગીમાં ફેરફાર કરવો પડ્યો તે બાબત પક્ષ માટે જરૃર ચિંતાનો વિષય બની શકે છે.
આ સમગ્ર પ્રકરણમાં ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે જે કોઈ ગજગ્રાહ સ્થાનિક નેતાઓ વચ્ચે હતો તેમાં નામોની ભલામણ કરનારા એક નેતાનું ધાર્યું થયું છે... અને એટલે જ કદાચ પ્રદેશ મોવડી મંડળે રાજ્યના એક ઉચ્ચ નેતાની જીદ સામે નમતું જોખવું પડ્યું છે! બાકી ચૂંટાયેલા કોર્પોરેટરોના વિરોધ કે રજૂઆતને તો કોરાણે મૂકી દેવાની તાકાત ભાજપમાં છે જ!
પદાધિકારીઓના નામોની પસંદગીમાં છેલ્લી ઘડીએ પક્ષે કરેલા ફેરફારની જામનગરના સ્થાનિક સંગઠનમાં તેમજ મનપાના ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં કેવી અસર થઈ છે તે તો આવનારો સમય જ કહેશે... પણ આ ફેરફારથી બ્રહ્મસમાજ તેમજ કોળી સમાજમાં નારાજગી ફેલાવાની શક્યતા પણ છે.
ગત્ અઢી વર્ષની ટર્મમાં મેયર જેવા સર્વોચ્ચ પદે પક્ષે જૈન સમાજના મહિલાને સ્થાન આપ્યું હતું. ફરીથી ચેરમેન જેવા મહત્ત્વના હોદ્દા પર જૈન સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે તે બાબત પણ અન્ય સમાજના ચૂંટાયેલા સભ્યો માટે નારાજગીનું કારણ બન્યું છે.
બાકી... આ તો શિસ્તબદ્ધ પક્ષ છે, તેથી તમામ સભ્યો-નેતાઓ કોઈ નારાજગી નથી, કોઈ વિરોધ નથી, અમે સાથે મળીને કામ કરશું જેવા પ્રત્યાઘાતો આપશે જ...
વાઈડ બોલઃ કોર્પોરેશનની ચૂંટણી સમયે વોર્ડ નં. ૯ મા ભાજપની ટિકિટ મેળવવા માટે પણ ભારે ખેંચતાણ થઈ હતી, અને તે સમયે રાજ્યના જે ઉચ્ચ નેતાએ મોવડીમંડળ સમક્ષ ભલામણ કરી તે પ્રમાણે ટિકિટ ફાળવણી થઈ હતી... આજની ઘટનામાં પણ આ નેતા જ કેન્દ્રસ્થાને રહ્યા હોવાનું જાણવા મળે છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial